એક તરફ સુર્યાંશને ગુપ્તચરે ચંદ્રમંદીરનું રહસ્ય જણાવ્યું બીજી તરફ મદનપાલને તેનાં પિતા ગ્રહરિપુએ તેના પૌરાણિક ખજાનાની વાત જણાવી.
રાજા પાસેથી નીકળતા જ ઝંગીમલ મદનપાલને સામે મળ્યો. શરણે આવેલા ઝંગીમલના ચહેરો બદલાયેલો હતો, પરંતુ તેને જોતા પણ રાજકુમાર સમજી ન શક્યા કે, આ બધા પાછળ ક્યાંકને ક્યાંક ઝંગીમલ જ છે.
“રાજકુમારજી પ્રણામ.” સામે આવેલો ઝંગીમલ બોલ્યો. મદનપાલ આમ તો તેના દુશ્મનોને દુર જ રાખે, પરંતુ તેના પિતાની આજ્ઞાના લીધે તેને ઝંગીમલને જીવતો છોડ્યો. જે આજે તેને પ્રણામ કરતો હતો. મદનપાલ ખુશ થયો અને મનો-મન વિચાર્યું. પિતાજીની વાત માની એટલે આ આજે મારી સામે જુક્યો.
કાવતરા બાજ ઝંગીમલના જુકવાનું કારણ ન સમજી શકનાર મદનપાલ અભિમાની થયો. એટલે તેનો ચહેરો જોઈ ઝંગીમલ બોલ્યો, “લાગે છે મોટી ખાણ હાથ આવી ગઇ!” એટલે ઝંગીમલ પણ આ વાતને જાણતો હતો.
“અ... ના... હા... મારે થોડું કામ છે. પછી મળીએ.” મદનપાલ ત્યાંથી નીકળ્યો.
બહાર તેની સાથે આવવાવાળા સિપાહીઓ પણ હતા. જે કથા અર્ધચંદ્રની નિશાનીથી પૂરી થઈ હતી. તે તાવીજની સાથે મદનપાલ તેના સિપાહી સાથે જંગલમાં જાય છે. તેમની સાથે એક વૃદ્ધ સિપાહી પણ હતો, તે ચંદ્રમંદિરના અંગ રક્ષકોનો અંતિમ વંશજ હતો. તેઓને દરેક ચંદ્રવંશીરાજા જીવનભરનું રાશન આપતા તેવી પરંપરા બનાવી હતી. જોકે સાચી વાત એ હતી કે, તેમને વર્ષોથી એ ગુફાની રક્ષામાં રાખ્યા હતા. જે ગુફા ચંદ્રમંદિરના યજ્ઞકુંડ પાસે જ હતી.
(જ્યારે ચંદ્રમંદિરમાં અઢળક સોનું રાવભાન દ્વારા રખાયું ત્યારે તેમના વિશ્વાસુ મિત્રએ વચન આપ્યું હતું કે, જ્યાં સુધી આ ધરતી ઉપર મારો વંશ રહેશે ત્યાં સુધી આ સોનાની ખાણને કોઈ નરાધમ નય લૂંટી શકે. તેની ચાલ એ હતી કે, થોડું સોનું દ્યુત ખાડીમાં દાટી દેવું જોઈએ. કેમકે, જો કોઈ સુર્યવંશી રાજાને આ વાતની જાણ થાય તો ત્યાં રહેલી ખાડીમાં સોનું મેળવીને તે શાંત પડી જાય. જેને પણ સોનું મળશે તે ખાડીમાં સોનું ખૂટ્યા બાદ ત્યાંથી નીકળી જશે અને અઢળક સોનું હંમેશા આ મંદિરની ગુફામાં જ રહેશે.)
બીજી તરફ સુર્યાંશ ચંદ્રહાટ્ટીમાં પાછો ફરીને પાંડુઆ ગામના મુખી રમણલાલને મળવા પહોંચે છે. જ્યાં વૈભવરાજનો પુત્ર તેના દાદાની પાસે બેઠો હતો. મુખીને સંતાન સુખ ન હતું એટલે વૈભવનો પુત્ર પરમ રમણલાલ સાથે જ રહેતો. જોકે, પરમની માતા તેને જન્મ આપતાની સાથે જ સ્વર્ગ સીધારી ગઇ હતી. અત્યારે મુખીની ઓરડીમાં સન્નાટો હતો.
“લક્ષ્મણ જેવો ભાઈ સેવા ન કરી શક્યો, તો તેને મને શ્રવણ જેવા પુત્રને અર્પિત કર્યો.” આંખમાંથી આંસુ લૂછતાં રમણલાલ બોલ્યા.
“મુખી તમારા ભાઈની જીંદગી જ નહીં પરંતુ મૃત્યુ પણ રહસ્ય ભર્યું રહ્યું.” સૂર્યાંશ મુખીની ઓરડીના બારણે આવી બોલ્યો.
“રહસ્ય!” આશ્ચર્યથી મુખી બોલ્યો અને તેના ખાટલા પરથી ઉભા થઈને મુખી પણ બારણા પાસે પહોંચ્યો.
“હા મુખી દ્યુતખાડીનું રહસ્ય.” સૂર્યાંશ બોલ્યો.
“હું કંઈ સમજ્યો નઇ?” રમણલાલ બોલ્યા.
“મુખી તમારા ભાઈ રાજ્યના યુદ્ધમાં નહિ પરંતુ, ખાડીની રક્ષામાં મૃત્યુ પામ્યા.” સુર્યાંશ ઝડપથી બોલ્યો.
“ખાડી! રક્ષા? તું કહેવા શું માંગેશ?” રમણલાલ સિદ્ધિ વાત કરે છે.
“મારે ગામના સિપાહી જોય છે.” પરમ પાસે જઈને તેના ખંભા પર હાથ રાખી સુર્યાંશ ફરી બોલ્યો. “મારે મારા ગુરુજીનું વચન પૂરું કરવાનું છે.”
“સુર્યાંશ આ બધું શું ચાલી રહ્યું છે, કંઈ જ સમજ નથી પડતી?” રમણલાલ પણ પરમ તરફ જોતાં-જોતાં બોલ્યા.
“આ અંતઃ (આંતર) યુદ્ધ છે મુખી.”
“એનો મતલબ રાજ્ય સંકટમાં છે?” પરમ આશ્ચર્યથી બોલ્યો.
“હા રાજ્ય જ નહિ પરંતુ, પ્રજા પણ અને બીજા બધા કરતાં વધુ નુકશાન પાંડુઆ વાસીઓને જ છે. જેનું કારણ દ્યુતખાડી છે.” સુર્યાંશના શબ્દો રમણલાલના હોસ ઉડાડી ગયા.
હવે, મુખીએ ગામના બધા જ સિપાહીઓને ભેગા કરાવ્યા અને આગામી સમયે આવનારી આફત વિશે બધા જ સિપાહીઓને જણાવ્યું. જેમાં સિપાહીઓનો માત્ર એક જ સવાલ હતો. “દ્યુતખાડીમાં શું છે?”
“તેનું રહસ્ય તો હવે ત્યાં જઈને જ ખબર પડશે.” પરમ બોલ્યો.
પરમની વાત સાંભળી મુખીની આંખ ફાટી રહી. “પરમ!”
“પરમ તારે ત્યાં આવવાની જરૂર નથી. તું હજુ સંપૂર્ણ સિપાહી પણ નથી. તારે અહીં જ રહીને ગામની રક્ષા કરવી જોઈએ.”
સુર્યાંશ બોલ્યો.
“જો તમે તમારા ગુરુના વચન માટે પ્રાણ ત્યાગવા તૈયાર થઈ જાઓ તો એ તો મારા પિતા હતા. હા! હું વૈભવરાજનો પુત્ર છું. શું હું મારા પિતાના વચનને વ્યર્થ જવા દઉં?” આટલું બોલીને નવયુવકે સિપાહીઓની સામગ્રીમાંથી તલવાર ઉપાડીને ઉકળતા લોહી સાથે ઊંચા અવાજે “જય ભવાની...”નો નારો શરૂ કર્યો.
આ સમયે સુર્યાંશ જમીન ગ્રસ્ત થયેલા રમણલાલ પાસે આવીને બે હાથ જોડયા અને બોલ્યો. “માફ કરજો મુખી. હું ગામની રક્ષા માટે આવ્યો હતો. તમારી વૃદ્ધા વસ્થામાં લાઠીનો ટેકો છીનવવા નય.”
મુખીની આંખમાં પુત્ર પ્રેમના આંસુ હતાં. પરંતુ, તેમ છતાં કાયરોના શબ્દો તેમણે ન ઉચ્ચાર્યા અને બોલ્યા. “જે લોહી એક સાચા સિપાહીનું હોય, તે સંકટ સમયે સ્ત્રીઓની જેમ ઘરમાં ન ઉકળે. તે યુદ્ધના મેદાનમાં જ શોભે. જય ભવાની...”
સુર્યાંશ સિપાહીઓને લઈને દ્યુતખાડી તરફ રવાના થયો. પરમ પણ જુવાનીના જોશમાં ધરતીનું ઋણ ચૂકવવા સુર્યાંશના પગની સાથે પગ મેળવીને પૂરી ઝડપથી તેઓની સાથે ચાલી રહ્યો હતો.
***