ગર્ભપાત - ૧૩
( અમુક કારણોસર આગળના ભાગ લખવા માટે વાર લાગે છે એ બદલ આપ સૌ વાચક મિત્રોની માફી ચાહું છું)
પ્રભાતસિંહે પોતાની જ દિકરીની ભૃણ હત્યા કરાવી હતી એ સત્ય હકીકત જાણ્યા બાદ મમતાબા ખૂબ જ વ્યથિત હતા તેમજ આ કારણથી જ ઢીંગલીમાં આત્મા સ્વરૂપે આવેલી પોતાની બહેન કંચને આ દુષ્કૃત્ય કરનારાઓને એમના પાપોની સજા પણ આપી હતી. આગળની તેમજ ત્યારબાદ બનેલી તમામ ઘટનાઓ હવે વ્યવસ્થિત રીતે સમજાઈ રહી હતી.
આ બધાની વચ્ચે સાવિત્રીએ દવાખાને આવીને એક નવું જ આશ્ચર્ય રજૂ કરીને મમતાબાને વિચારતા કરી દીધા હતા. સાવિત્રીના જણાવ્યા મુજબ પોતે અહીં આવ્યા ત્યારથી ઢીંગલી હવેલીમાંથી ગાયબ હતી. બધી જગ્યાએ શોધવા છતાં ક્યાંય મળી નહોતી.
" સાવિત્રી! હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કદાચ એનું જે કામ હતું તે કદાચ હવે પૂરું થઈ ગયું છે એટલે હવે એ આપણને જોવા નહીં મળે. " મમતાબાએ સાવિત્રીને ઉદ્દેશીને કહ્યું.
" ક્યું કામ?? હું કંઈ સમજી નહીં.. " સાવિત્રીએ પૂછ્યું.
મમતાબા સાવિત્રીને પોતાની નાની બહેન જ સમજતાં હતાં એનાથી ક્યારેય કોઈ હકીકત છૂપાવી નહોતી. મમતાબાએ ઢીંગલી દ્વારા માહિબા અને ડો. ધવલ દવેની હત્યા અને પ્રતાપસિંહના અકસ્માત અંગેની તેમજ તે બધા દ્વારા પોતાના પેટમાં રહેલી દિકરીને કઈ રીતે મારી નાખવામાં આવી તે સમગ્ર હકીકત જણાવી.
સમગ્ર હકીકત સાંભળીને સાવિત્રીનો ચહેરો પણ ગુસ્સાથી રાતો પીળો થઈ ગયો. પોતાને પ્રભાતસિંહના વર્તન પર જે અણગમો હતો એમાં હવે વધારો થયો હતો.
" ઈશ્વર કોઈને છોડતો નથી, જે થયું તે સારા માટે જ થયું. " સાવિત્રીએ ગુસ્સા પૂર્વક કહ્યું.
મમતાબાએ સાવિત્રીને શાંત કરી અને ભીમા સાથે હવેલી પર જવા કહ્યું. પોતે આજનો દિવસ અહીં જ રોકાશે એટલે હવેલીના દરેક કામકાજનું ધ્યાન રાખવા પણ કહ્યું.
સાવિત્રીના ગયા બાદ મમતાબાએ પ્રભાતસિંહને પોતાની જોડે લાવેલ જમવાનું પીરસ્યું. તેમણે આ સમય દરમિયાન પ્રભાતસિંહ સાથે મૌન જ સેવ્યું. પ્રભાતસિંહ પણ પરિસ્થિતિ સમજતો હોવાથી આ ક્ષણે મમતાબા સાથે વાત કરવાનું ટાળ્યું.
બીજા દિવસે પ્રભાતસિંહને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ડોક્ટરે ખાસ હિદાયત આપીને પાંચ - છ મહિના આરામ કરવા જણાવ્યું. પ્રભાતસિંહને પગમાં ઈજા વધારે હોવાથી વ્હીલચેર પર જ સમય વિતાવવો પડશે એવું જણાવ્યું.
પ્રભાતસિંહને હવેલીએ લાવ્યા બાદ મમતાબાએ ભીમા દ્વારા એક વિશ્વાસુ માણસને પ્રભાતસિંહની સેવા માટે રાખ્યો. તેમજ માહિબાનો ઓરડો તેમના માટે અલાયદો રાખવામાં આવ્યો.
આ ઘટનાને પંદર દિવસ વિત્યા બાદ મમતાબા સાવિત્રીને સાથે લઈને જેસલમેર ગયાં અને ત્યાં પ્રસુતિ માટે પ્રખ્યાત એવા ડો. મધુમતી દાસ પાસે જઈને પોતાનું ચેકઅપ કરાવ્યું.
" ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બાળકનો વિકાસ અને બાકી બધી સ્થિતિ નોર્મલ છે. હવે પછી કોઈ ભારે કામ કરવાનું નથી તેમજ બને તેટલો આરામ કરવાનો છે અને પૌષ્ટિક આહાર લેવાનો છે. પ્રસુતિના બે મહિનાની વાર હોય ત્યારે મને જાણ કરજો હું ત્યાં આવીને ચેકઅપ કરી જઈશ. " ડો. મધુમતી દાસ દ્વારા સમગ્ર બાબતો સાવિત્રીને જણાવવામાં આવી.
સમય બહુ ઝડપથી પસાર થવા લાગ્યો. એક પછી એક મહિનાઓ વિતવા લાગ્યા. મમતાબા સમય મળ્યે પ્રભાતસિંહની મુલાકાત કરતાં અને તેનું ધ્યાન રાખનાર માણસને જમવા બાબતે, દવા બાબતે ચોક્કસ હિદાયત આપતાં રહેતાં. આ સમય દરમિયાન પણ મભતાબા પ્રભાતસિંહ સાથે બને ત્યાં સુધી વાત કરવાનું ટાળતાં હતાં. પ્રભાતસિંહને પસ્તાવો જરૂર હતો પણ જે ઘટના ઘટી હતી તે મમતાબા ભૂલાવી શકતાં નહોતાં.
પ્રસુતિના બે મહિના પહેલા ડો. મધુમતી દાસ દ્વારા ફરીથી મમતાબાનું ચેકઅપ કરવામાં આવ્યું. સાવિત્રીએ પોતે ખડે પગે રહીને મમતાબાની સેવા કરી હતી. તે મમતાબાને પથારી નીચે પગ મૂકવા નહોતી દેતી.
" સાવિત્રી! તું જે મારી કાળજી રાખે છે એટલી તો સગી બહેન પણ નહીં રાખતી હોય! " મમતાબાએ ભાવ વિભોર થઈને કહ્યું.
" બેન બા! જ્યારે મારું કોઈ ન થયું ત્યારે તમે મને સગી બહેન કરતાં પણ વધારે સાચવી છે અને સાથ આપ્યો છે. એના બદલામાં હું જે કરું છું એ તો કંઈ નથી. જ્યારે પારકાં પોતાનાં બને છે ત્યારે એ વધુ વ્હાલાં લાગે છે. " સાવિત્રીએ આંખમાં આંસું સાથે કહ્યું.
" બસ, બસ, તું તો લાગણીનો દરિયો છે. તરત જ લાગણીઓ ઉછળવા લાગે છે. " મમતાબાએ વાતને હળવાશમાં લેતાં કહ્યું.
" બેન બા! તમારે મારી બે વાત માનવી પડશે. " સાવિત્રીએ કહ્યું.
" બોલ તો ખરી ! હું તારી દરેક વાત માનવા તૈયાર છું. " મમતાબાએ સાવિત્રીના ગાલ પર ચુટીયો ખણતા કહ્યું.
" જો તમારી કુખે દિકરી આવશેને તો એનું નામ આપણે સોનલ રાખીશું. " સાવિત્રીએ કહ્યું.
" અરે વાહ! કેટલું સરસ નામ છે! મારી બેન કંચનનો પર્યાય જાણે હોય! આપણે જરૂર સોનલ નામ રાખીશું. અને બીજી વાત? " મમતાબાએ પ્રશ્નાર્થભાવે સાવિત્રીને પૂછ્યું.
ગળે થૂંક ઉતારીને સાવિત્રીએ કહ્યું, " તમે પ્રભાતસિંહ સાથેનો તમારો વ્યવહાર સુધારીને ધીમે ધીમે પહેલાં જેવો કરશો. મને એમનો વ્યવહાર પહેલેથી જ પસંદ નથી છતાં એ તમારા પતિ છે અને હવે સમય સાથે બધું ભૂલવું પડશે. તમે આમ અંદર જ ઝૂર્યા કરો છો એ મને નથી ગમતું. " આ કહેતી વખતે સાવિત્રીએ મમતાબાના હાવભાવ જોયા વગર નીચું મોઢું કરી લીધું.
સાવિત્રીની વાતના પ્રતિભાવ સ્વરૂપે મમતાબાએ સાવિત્રીની નજીક આવીને તેને પ્રેમથી આલિંગન આપતાં કહ્યું. " તારા જેવી બહેનપણી મેળવીને ખરેખર હું પોતાને ધન્ય સમજું છું. તું જે કહે છે એમ જ થશે. "
મમતાબા અને સાવિત્રી બંનેની આંખમાંથી લાગણીની સરવાણી વહેવા લાગી. જાણે કે વર્ષો જૂનાં કેટલાંય બાંધ તૂટી પડ્યા હતા.
પ્રસુતિનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ પ્રતાપસિંહ પણ હવે મમતાબા પાસે આવવા લાગ્યો. મમતાબા પણ હવે ધીમે ધીમે એની સાથે વાતો કરવા લાગ્યાં હતાં. બધું ઠીક થઈ રહ્યું હતું એ જોઈને સાવિત્રી પણ ખૂબ જ ખુશ હતી.
આખરે થોડા દિવસ પછી એક સવારે મમતાબાને પ્રસુતિની પીડા ઉપડી. પ્રભાતસિંહ હવે ધીમે ધીમે ચાલી શકતો હોવાથી તાત્કાલિક જઈને પ્રસુતિ કરાવનાર વડારણોને તેડી લાવ્યો.
હવેલીમાં રહેતાં દરેક સભ્યો મમતાબાના આવનારા બાળકની રાહ જોઈને બેઠા હતાં. આખરે થોડા સમય બાદ બાળકના રડવાનો અવાજ સાંભળીને બધા ખુશ થઈ ગયા. એક વડારણે આવીને પ્રભાતસિંહને ખુશ ખબરી આપી કે લક્ષ્મીનો જન્મ થયો છે. આ વાત સાંભળીને પ્રભાતસિંહને અંતરથી આનંદ થયો. તેણે પોતે પહેરેલી સોનાની વિંટી ભેટમાં આપી દીધી.
આ બધાની વચ્ચે સૌથી વધુ ખુશ સાવિત્રી હતી. સાવિત્રીનો હરખ સમાતો નહોતો. દિકરીના જન્મ થયા બાદ તેણે પોતાની આંખની કીકી પરથી કાજળ લઈને તેના કપાળ પર નાનું ટીલું કર્યું.
" અમારી સોનલબા! એકદમ કંચન જેવા લાગે છે. " સાવિત્રીએ બાળકને ગોદમાં લેતાં કહ્યું.
પ્રભાતસિંહે આવીને પોતાની દિકરીનું મુખ જોયું અને આંખમાં આંસું સાથે મમતાબા તરફ જોઈને કહ્યું. " એકદમ એની માં જેવી લાગે છે. "
હવેલીમાં આનંદનો માહોલ હતો. સૌ નાતિ અને મિત્રોનો જમણવાર રાખવામાં આવ્યો. ગરીબોને દાન આપવામાં આવ્યું.
ઘણાં રૂઢિચુસ્ત લોકો દિકરી જન્મ બાદ આવા માહોલથી મનમાંને મનમાં સમસમી રહ્યા હતા પરંતુ પ્રભાતસિંહ હવે એકદમ સમજુ બની ગયો હોય કોઈની પણ એક શબ્દ બોલવાની હિંમત ન થઈ.
મોડી રાત્રે બધાં વિખૂટા પડ્યાં. આખો દિવસ દોડધામ કરવાને લીધે બધા લોકો થાકી ગયાં હતાં. અચાનક મોડીરાત્રે નાનકડી સોનલબાએ રડવાનું ચાલુ કર્યું. જેમ - જેમ તેને શાંત કરવાની કોશિશો કરી તેમ તેમ તેનું રૂદન વધુને વધુ તીવ્ર થતું ગયું.
મમતાબા અને સાવિત્રી એને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ કોઈ વાતે તે છાની નહોતી રહેતી. મમતાબાને ચિંતા થવા લાગી આમ અચાનક શું થયું હશે. સાવિત્રી પણ ચિંતિત જણાતી હતી. નાનું બાળક વધુ રડે તે સારું ન ગણાય.
અચાનક એકદમ નાનકડી સોનલનું રડવાનું બંધ થઈ ગયું અને તે પોતાના હાથ ઉંચા કરીને છત સામે જોઈને હસવા લાગી. સાવિત્રી અને મમતાબાને નવાઈ લાગી અને બંનેનું ધ્યાન એકસાથે ઉપર ગયું. ઉપરનું દ્રશ્ય જોઈને બંને એકદમ ડરી ગયાં.
ઉપર ઢીંગલી હવામાં ઉડી રહી હતી. નાનકડી સોનલ તરફ જોઈને હસી રહી હતી. પોતાના હાથ લાંબા કરીને બોલાવી રહી હતી.
( વધુ આવતા અંકે )
મિત્રો અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના પ્રતિભાવો જરૂરથી આપશો એવી નમ્ર વિનંતી છે. તમે મારા વોટ્સએપ નંબર 8980322353 પર પણ પ્રતિભાવો મોકલી શકો છો...