ગર્ભપાત - ૧૨
પ્રતાપસિંહના અકસ્માતના સમાચાર સાંભળીને દવાખાને પહોંચેલા મમતાબાએ જોયું કે પોતાની પાસે રહેલી ઢીંગલીની ચુડીઓ જેવી જ અદ્દલ ચુડીઓ પ્રતાપસિંહના ઓશિકા પાસે પડેલી હોય છે. વાત - વાતમાં પ્રતાપસિંહને જાણ થાય છે કે પોતે રાતે જોયેલી ભયાનક અને બિહામણી ઢીંગલીતો મમતાબાની છે.
" આ ચુડીઓ તો મેં રાતે જોયેલી ઢીંગલીની છે. અકસ્માત થયા પછી તે મારા હાથમાં કેમ રહી ગઈ એ મને ખબર નથી. એ ઢીંગલી ખૂબ જ ભયાનક અને ડરામણી હતી. હું જીવતો કેવી રીતે રહ્યો એ સમજાતું નથી. " પ્રતાપસિંહે મમતાબાને ઉદ્શીને બધી કરી કે કેવી રીતે પોતે તે ઢીંગલીને જીપના ટાયર નીચે કચડાયેલી હાલતમાં જોઈ હતી અને ત્યારબાદ તે ફરી આવીને પોતાને કાબૂમાં કરીને જીપ હંકારી હતી ત્યારબાદ અકસ્માત સર્જાયો હતો.
પ્રતાપસિંહની વાત સાંભળીને મમતાબાને કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. પોતાની નિર્જીવ ઢીંગલી રહસ્યમય તો હતી એ ખ્યાલ હતો પરંતુ પહેલાં માહીબા અને હવે પોતાના જ પતિ ઉપર હુમલો કર્યો છે એ વાત માન્યામાં આવતી નથી.
" આ એ જ ઢીંગલી છે જે હું મારા પિયરથી સાસરે લાવી હતી. આ ઢીંગલી મારી જુડવા બહેન કંચનની યાદગીરી રૂપે મેં સાચવીને રાખી હતી. આ ઢીંગલી આવી રીતે માણસની જેમ બોલે અને બીજા ઉપર હુમલો કરે એ વાત માન્યામાં નથી આવતી. આ પહેલાં.......
" આ ઢીંગલી એક નિમિત્ત બની છે મને સબક શીખવવા માટે..." મમતાબાની વાત વચ્ચે કાપતાં પ્રતાપસિંહે કહ્યું.
" હું કંઈ સમજી નહીં....કેવો સબક ? " આશ્ચર્યના ભાવથી મમતાબાએ પ્રતાપસિંહ સામે જોયું.
" હું એ હકીકત તને જણાવવા માંગુ છું, જે તારાથી છુપાવી છે. જાણી જોઈને તારી સાથે અને જન્મ લેનાર બાળક સાથે અન્યાય કર્યો છે. " પ્રતાપસિંહે પશ્ચાતાપના ભાવ સાથે કહ્યું.
" એવી તે કઈ બાબત છે જે મારાથી તમે છુપાવી છે અને એનાથી તમારી આવી હાલત થઈ છે. " મમતાબાએ ઉત્તેજના પૂર્વક પૂછ્યું.
" મારી જ નહીં પણ કદાચ માહિબા અને ડો. ધવલ સાથે જે બનાવ બન્યો એની પાછળ પણ એ જ કારણ હોય શકે. કારણકે એ બંનેના મૃત્યુ આકસ્મિક હતાં અને ડો. ધવલ દવેની લાશ પાસેથી પણ આ ચુડીઓના રંગની કાનમાં પહેરવાની લાલ રંગની બુટ્ટીઓ પોલીસને મળી આવી હતી. તે પણ આ જ ઢીંગલીની હોઈ શકે. " પ્રતાપસિંહે વાતનો ફોડ પાડતા કહ્યું.
" હે ભગવાન ! જ્યારે ડો. ધવલ દવેનું મૃત્યુ થયું એ દિવસે સવારે જ ઢીંગલીની કાનમાં પહેરવાની બુટ્ટીઓ ગાયબ હતી અને તમારો અકસ્માત થયો એની સવારે એની ચુડીઓ ગાયબ હતી. મતલબ કે માહિબાને પણ..."
મમતાબાની વાત અધૂરી સમજી ગયો હોય એમ પ્રતાપસિંહે કહ્યું. " માહિબાની હત્યા પણ આ ઢીંગલીએ જ કરી છે એમ જ ને..! "
" પહેલાં મને એ વાત પર વિશ્વાસ નહોતો પરંતુ તે દિવસે રાત્રે સાવિત્રીએ ઢીંગલીને માહિબાના ઓરડામાં જતી જોઈ હતી અને સાથે સાથે એને એ ઢીંગલીમાં કંચનનો ચહેરો પણ દેખાયો હતો. મને એમ લાગતું હતું કે કદાચ આ અમારો વહેમ હોઈ શકે પરંતુ એક પછી એક ઘટનાઓ બન્યા બાદ હવે એ વાત નક્કી છે કે કોઈને કોઈ કારણથી આ હત્યાઓ અને તમારા અકસ્માત પાછળ મારી જૂડવા બહેન કંચનનો હાથ છે પરંતુ એ આવું શા માટે કરી રહી છે એ વાત સમજાતી નથી. "
" એ વાત હું જાણું છું અને માહિબા તેમજ ડો. ધવલ દવે પણ જાણતાં હતાં. અમને બધાને અમારા કર્મોની સજા મળી છે. કદાચ એ હકીકત જાણ્યા પછી તું મને માફ કરીશ કે નહીં એ હું નથી જાણતો પરંતુ મેં કરેલી ભૂલની સજા મને ઈશ્વરે એ ઢીંગલીના રૂપમાં આપી દીધી છે. " પ્રતાપસિંહે ખેદ વ્યક્ત કરતાં કહ્યું.
" માફ કરવાની વાત પછીની છે પરંતુ મારે એ હકીકત જાણવી છે કે જેના લીધે મારી મૃત્યુ પામેલી બહેનને આત્મા રૂપે આવું કાર્ય કરવા મજબૂર થવું પડ્યું. " મમતાબાએ ભાવવિહીન સ્વરે પ્રતાપસિંહને કહ્યું.
બાજુમાં પડેલાં પાણીના ગ્લાસમાંથી પાણી પીને પ્રતાપસિંહે મમતાબાને એ હકીકત જણાવી જેનાથી એને અજાણ રાખવામાં આવ્યાં હતાં.
" અમારા ખાનદાનમાં વર્ષોથી એવો રિવાજ હતો કે પરિવારની વહુને પહેલું સંતાન દીકરો જન્મે જે ખાનદાનને આગળ વધારી શકે. માહિબા આ પરંપરાને બહુ ભાર પૂર્વક પાળવા માંગતા હતાં જેથી ડો. ધવલ દવેને હકીકત જણાવી ગર્ભમાં રહેલા બાળકની જાતિ વિશેની તપાસ કરાવી. પહેલો ગર્ભ હતો એ દિકરી હતી આથી ગર્ભમાં રહેલા બાળકના વિકાસના બહાને ડો. ધવલ દ્વારા તને ગર્ભપાત થઈ જાય એવી ગોળીઓ આપવામાં આવી હતી. એ ગોળીઓ ખાવાથી જ તને કસૂવાવડ થઈ હતી અને ગર્ભનો નાશ થયો હતો. એક રીતે કહીએ તો દિકરીની ભૃણ હત્યા થઈ હતી. આ ઘટના બાદ માહિબાનુ આકસ્મિક મૃત્યુ થયું એ પછી તને બીજી વખત ગર્ભ રહ્યો એટલે આ વખતે પણ હું ગર્ભ પરિક્ષણ કરાવવા માંગતો હતો. જો તને આ વખતે પણ દિકરી હોય તો મેં બીજા લગ્ન કરવાનું પણ વિચાર્યું હતું. આ બાબત પણ મેં ડો. ધવલ દવેને જણાવી હતી. એ કામ માટે મેં એને ઘણાં રૂપિયા પણ આપવાની વાત પણ કરી હતી પરંતુ આ વખતે એવું કંઈ થાય એ પહેલાં જ ધવલ દવેનું આકસ્મિક મૃત્યુ થયું અને એ પછી મારો અકસ્માત થયો.
જે થયું એનો મને ખૂબ જ પસ્તાવો છે. મને સજા પણ મળી ચુકી છે. હું દિકરાના મોહમાં એક અજન્મેલી દિકરીનો હત્યારો છું. બની શકે તો મને માફ કરી દેજે. "
પ્રતાપસિંહની આંખોમાં પસ્તાવાના આંસુ હતાં પરંતુ મમતાબાને જબરો આઘાત લાગ્યો હતો. એના મોઢામાંથી શબ્દો નિકળી નહોતાં રહ્યા. પોતાના સંતાનનો હત્યારો એનો પોતાનો પતિ જ છે એ જણીને એને આંચકો લાગ્યો હતો. ક્રોધના લીધે એનો ચહેરો લાલઘૂમ બની ગયો હતો. એની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા.
" આ હકીકત જાણ્યા પછી માહિબા અને ડો.ધવલ દવેની હત્યા થઈ એ યોગ્ય હતું કે કેમ એ હું નથી જાણતી પરંતુ ઈશ્વર ક્યારેય કોઈને છોડતો નથી એ સત્ય છે. તમે તમારી આ ખોખલી પરંપરા માટે તમારી પોતાની દિકરીની હત્યા કરો એ વાત જાણીને જીભ કચડીને મરી જવાનું મન થાય છે. આવી તો કેટલીય દીકરીઓને તમે મોતને ઘાટ ઉતારી હશે. એ બધી દિકરીઓની ચીસો તમને જીવનમાં ક્યારેય સુખી થવા નહીં દે. દિકરી જ નહીં જન્મે તો ભવિષ્યમાં દિકરાઓ પણ કેવી રીતે જન્મ લેશે. દિકરીઓ વિના આ સંસાર ચાલી શકે જ નહીં એ વાત તમને સમજાણી નહીં! એ તો પાડ માનો ઈશ્વરનો કે એણે તમારો જીવ ન લીધો." મમતાબા ક્રોધાવેશમાં અત્યારે સાક્ષાત રણચંડી જેવી લાગી રહી હતી.
પોતાનાથી છુપાવીને જે ખેલ રચાયો હતો એ સમગ્ર હકીકત પચાવવી એના માટે અઘરી હતી. મહાપરાણે પોતાના ક્રોધ પર એણે કાબુ મેળવ્યો પરંતુ એ ક્રોધની જ્વાળાઓ જાણે એના સમગ્ર અસ્તિત્વને સળગાવી રહી હતી. એનું મન બેચેન બની રહ્યું હતું. પ્રતાપસિંહ ગમે તેવો હતો તો એણે ક્યારેય એનો અનાદર નહોતો કર્યો પરંતુ આ હકીકત જાણ્યા બાદ એ એની નજરમાં હવે હત્યારા જેવો લાગી રહ્યો હતો.
દવાખાનાના રૂમમાં પોલીસ ઈન્સ્પેકટર હિંમતસિંહનું આગમન થતાં મમતાબાએ ત્વરિત પોતાની જાતને સ્વસ્થ કરી અને ઈન્સ્પેકટર હિંમતસિંહનું અભિવાદન કર્યું.
" તમારી તબિયત કેમ છે હવે? મને તમારા અકસ્માતના સમાચાર મળ્યા એટલે તુરંત તમને મળવાનું મન થયું. " ઈન્સ્પેકટરે પ્રતાપસિંહના હાલચાલ પૂછતાં કહ્યું.
" અરે સાહેબ! એ તો બસ જરા ચાલુ જીપે ઝોકું આવી ગયું એટલે અકસ્માત થઈ ગયો. " પ્રતાપસિંહે બનાવટી વાત કરતાં કહ્યું.
" હમમ.... અકસ્માત તો આકસ્મિક જ હોય. અને બીજું કે તમારા મિત્ર ડો. ધવલ દવેના કેસની પણ હકીકત જણાવી દઉં કે એમનું મૃત્યુ વધારે પડતી હાઈપાવરની દવાઓ ખાવાને લીધે થયું હતું. રિપોર્ટમાં એ જાણવા મળ્યું કે એ દવાઓ ગર્ભપાત કરાવવા માટેની હતી પરંતુ એ દવાઓ એણે કેમ ખાધી એ વિશે જાણકારી મળી નથી. અમે એમને ત્યાં કામ કરતા કર્મચારીઓની કડક પૂછતાછ કરી તો એ જાણવા મળ્યું કે ડો. ધવલ દવે ગેરકાનૂની રીતે ગર્ભપરીક્ષણ કરતા હતા અને એ માટેની દવાઓ પણ છૂપી રીતે રાખતા હતા. એક રીતે જોઈએ તો એ ગુનેગાર જ હતો આથી અમે આત્મહત્યા માનીને એમના કેસની ફાઈલ બંધ કરી દીધી છે. " ઈન્સ્પેકટરે આટલું કહી પ્રતાપસિંહના મુખ પરના ભાવ જાણવાની કોશિશ કરી.
" કદાચ એ જ એના પાપોની સજા હશે. " નીચું જોઈને પ્રતાપસિંહ માત્ર એટલું જ બોલી શક્યો.
ઈન્સ્પેકટરના ગયા બાદ મમતાબાએ જોયું તો સાવિત્રી ત્યાં આવી હતી અને એના ચહેરા પર ચિંતાની રેખાઓ સાફ વર્તાતી હતી.
મમતાબા જેવા સાવિત્રી પાસે પહોંચ્યા કે તરત જ સાવિત્રીએ અધિરાઈ પૂર્વક કહ્યું.
" બેન બા! ઢીંગલી! .... તમે અહીં આવ્યા પછી મેં જોયું તો ઢીંગલી ક્યાંય મળતી નથી. મેં બધી જગ્યાએ જોઈ લીધું. ઢીંગલી હવેલીમાંથી ગાયબ છે! "
( વધુ આવતા અંકે )
મિત્રો અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના પ્રતિભાવો જરૂરથી આપશો એવી વિનંતી.
તમે મારા વોટ્સએપ નંબર 8980322353 પર પણ તમારા પ્રતિભાવો મોકલી શકો છો...