Bhool chhe ke Nahi ? - 57 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 57

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 57

હું એક નવા સપના સાથે આપણા ઘરે આવી રહી હતી કે હવે બધું સારું થઈ જશે. આપણા દિકરા સાથેના આપણા સુખી સંસારના સપના મારી આંખોમાં હતા. મને એમ લાગતું હતું કે મમ્મીને મારા પ્રત્યે ભલે નારાજગી હશે પણ આપણો દિકરો એમને વ્હાલો જ હશે. કારણ કે મેં મમ્મીને બેનના દિકરા દિકરીને લાડ કરાવતા જોયા છે. એમના માટે અધીરા થતા જોયા છે. તો આપણો દિકરો પણ તો એમને લાડકો જ હશે અને એટલે જ મને એમ હતું કે હવે આપણો સુખી સંસાર શરૂ થશે. અને એ વિચારતાં વિચારતાં ઘર આવી ગયું. અમે ગાડીમાંથી નીચે ઉતર્યા. મમ્મીએ મારા અને દિકરાના ઓવારણા લીધા. મને ખૂબ જ સારું લાગ્યું. મને એમ લાગ્યું કે ઓવારણા લઈને મમ્મી દિકરાને મારા હાથમાંથી લઈ લેશે પણ એવું ન થયું. મમ્મી તો ઓવારણા લઈને ઘરની બહાર બેનના હાથમાંથી એમના દિકરાને લેવા નીકળી ગયા જે હવે સવા વર્ષનો હતો. મેં એમને બહાર જતા જોયા એટલે હું દિકરાને લઈને ઘરમાં આવી. આગલા રુમમાં તો બેન અને ડ્રાઈવર ભાઈ આવેલાં તે બેસસે એમ વિચારીને હું વચ્ચેના રુમમાં ગઈ. મને એમ થયું કે દિકરા માટે ત્યાં ઘોડિયું બાંધેલું હશે પણ ત્યાં કંઈ ન હતું ને એટલામાં તો મમ્મીએ બૂમ પાડી કે આ સામાન ઉતારી લે. અને હું દિકરાને મારા હાથમાંથી રુમમાં નીચે મૂકીને સામાન ઉતારવા ગઈ. એટલી વારમાં તો ફળિયામાંથી આજુબાજુ વાળા આવી ગયા અને મને કહ્યું કે અરે તું ક્યાં ઉતારે છે રહેવા દે. હજુ તારે બે ત્રણ મહિના ભારે સામાન ઉચકવાનો નહીં. અમે ઉતારી લઈશું. ને એક કાકી ઘરમાં આવી ગયા ને જોયું કે આપણો દિકરો તો રૂમમાં નીચે છે અને એમણે તરત જ દિકરાને ખોળામાં લઈ લીધો અને મમ્મીને કહ્યું કે અરે તમે તો દિકરાને અત્યારથી જ નીચે મૂકી દીધો. ને મને કહ્યું તું સામાન રહેવા દે અને પહેલાં દિકરાને લે. ને પછી એમણે મમ્મીને કહ્યું કે ઘોડિયું ક્યાં છે ? તો મમ્મીએ કહ્યું કે એ તો ઉપર છે ને એમાં બાંધવાની ઝોળી નથી એટલે પાડ્યું નથી. મમ્મીએ મને પહેલાથી કહ્યું હતું કે આપણે ત્યાં ઘોડિયું છે એટલે તું નવું લાવતી નહીં. એટલે માટે ત્યાંથી ધોડિયાના પૈસા આપી દીધા હતા. પછી પેલા કાકીએ મને પૂછ્યું કે તું ઝોળી લાવી છે મેં હા પાડી અને સામાનમાંથી એમને પહેલાં ઝોળી કાઢી આપી. એ કાકીએ ફળિયાના બે ત્રણ છોકરાઓને બોલાવીને ધોડિયું પડાવ્યું અને ઝોળી બાંધી દીધી ને પછી આપણા દિકરાને એમાં સુવાડી દીધો. અને મને કહ્યું કે બીજી વાર આમ દિકરાને નીચે ન મૂકી દેતી. આ બધું થયુ પણ એ બધો સમય મમ્મી તો બેનના દિકરા દિકરીને લાડ લડાવવામાં જ મશગૂલ હતા. દિકરાને ઘોડિયામાં સૂવાડી દીધા પછી મેં મમ્મીને પૂછ્યું બેન માટે શું બનાવું? તો મમ્મીએ કહી દીધું કે નાસ્તો તૈયાર છે તું એમને આપી દે. અને મેં મમ્મીએ જે બનાવ્યું હતું તે બેનને અને ડ્રાઈવરને આપ્યું. નાસ્તો કરીને બેન ડ્રાઈવર સાથે એમના ઘરે નીકળી ગયા. એમના ગયા પછી પણ મમ્મી તો ઘરનું કામ આટોપવામાં લાગી ગયા. મેં કહ્યું હું મદદ કરાવું તો ના પાડી કે ના તું બેસ હું કરી દેવા. લગભગ છેક સાંજ થવા આવી ત્યારે મમ્મીએ દિકરાને હાથમાં લીધો. ઘરે આવ્યાના પાંચ છ કલાક પછી. મને ન ગમ્યું. કે દિકરો પહેલી વાર આપણા ઘરમાં આવ્યો અને મમ્મીએ એને લીધો પણ નહીં. રાત થવા આવી એટલે મમ્મીએ કહ્યું કે તમારી પથારી નીચે આગલા રુમમાં કરી દઉં છુ દિકરાને લઈને ઉપર ન જતા. મને આ વાત જરા વિચિત્ર લાગી. તમે ઘરે હતા નહીં. હું તમને કહું પણ કેવી રીતે ? તમે તો રાત્રે સાડા દસે ઘરે આવ્યા અને દિકરાને થોડીવાર રમાડીને સૂઈ ગયા. મારા મનમાં કેટલા સવાલો હતા પણ તમને પૂછાયા જ નહીં. મને એમ લાગ્યું કે જે સુખી સંસારના હું સપના જોતી હતી એ કેવી રીતે પૂરા કરીશ?