Bhool chhe ke Nahi ? - 55 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 55

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 55

જે પણ હોય આપણા દિકરાના નામ કરણનો પ્રસંગ સારી રીતે પતી ગયો. એકાદ અઠવાડિયા પછી મમ્મી પણ બા અને કાકી સાથે આવીને દિકરાને રમાડી ગયા હતા. એમને પણ મારા ઘરેથી જે વ્યવહાર કરવાનો હોય તે કર્યો હતો. એ લોકો પણ મારા ઘરેથી ખુશ થઈને જ ગયા હતા. દિવસો પસાર થતા હતા. દિકરો લગભગ એક મહિનાનો થયો ત્યારે મમ્મી ના પિયરના ગામમાં કોઈકના લગ્ન હતા. ત્રણ દિવસનો કાર્યક્રમ હતો. તમે અને મમ્મી ત્યાં ગયા હતા. તમે બે દિવસ રહીને ત્યાંથી આવી ગયા પણ ત્યારે જ ખબર પડી કે આપણે ત્યાં બાજુમાં કાકી રહે તેમના જમાઈનું મૃત્યુ થયું છે. તમે તો ત્યાં પહોંચી ગયા પણ મમ્મી તો એમના પિયરના ગામમાં હતાં. ત્યાં એમનો કેવી રીતે સંપર્ક કરવો એ જ ખબર ન પડી. એટલે તમે એકલા જ ઘરે ગયા. અને ત્યાંથી એ લોકો સાથે એમના જમાઈને વળાવવા ગયા. મમ્મી જ્યાં લગ્નમાં ગયા હતા ત્યાં એમને રાતે કોઈએ આ સમાચાર આપ્યા એટલે મમ્મી બીજા દિવસે વહેલી સવારે આપણા ઘરે આવવા નીકળી ગયા. પણ આપણા ઘરે આવતા પહેલાં મમ્મી મારા ઘરે આવ્યા અને એમ કહ્યું કે હવે આવું થયું છે એટલે ફરી તમને જોવા ક્યારે અવાય ખબર નથી એટલે એમ થયું કે આજે જતાં  પહેલાં તમને જોતી જાઉં. આમ તો હું સવા મહિનો થાય ત્યારે દિકરાને ઘરે તેડાવવાની હતી પણ હવે નહીં બોલાવું. મેં એમને કહ્યું પણ ખરું કે આપણા પિતરાઈ જમાઈ થાય મારે પણ તો ઘરે આવવું પડે ને ? પણ એમણે ના પાડી. કે ના એ તો અમે જશું એટલે ચાલી જશે. અને આપણે ત્યાં બેસણું રાખે ત્યારે તારા મમ્મી પપ્પાને મોકલી આપજે એટલે ચાલશે. મને જરા વિચિત્ર લાગ્યું. કે બાજુમાં ને બાજુમાં ને પાછું જમાઈ થાય મારે જવું જોઈએ પણ મમ્મીએ ના પાડી. એટલે મારી મમ્મીએ પણ કહ્યું કે રહેવા દે. તારા સાસુએ ના પાડી છે પછી તું ખોટી જવાની જીદ ન કરતી. મેં પણ પછી કંઈ વધારે નહીં કહ્યું. બે ત્રણ દિવસ પછી આપણા ગામ બેસણું રાખ્યું હતું. મારા મમ્મી પપ્પા ત્યાં આવ્યા હતા. ત્યારે લગભગ આપણા બધા જ સગા ત્યાં ભેગા થયા હતા. મમ્મીને બધાએ કહ્યું પણ ખરું કે તમારે એને આ સમયે અહીં લઈ આવવાનું હતું. પણ મારી મમ્મીથી એવું થોડું કહેવાય કે તમારી મમ્મીએ ના પાડી હતી. પણ ત્યારે તમારી મમ્મીએ એમ કહી દીધું કે એને અત્યારે બોલાવતે તો મારે પાછું એ મા દિકરાને કંઈ આપવું પડતે એટલે મેં ના પાડી કે તું સીધી ત્રીજા કે પાંચમા મહિને જ આવજે. મારી મમ્મીએ ઘરે આવીને મને વાત કરી કે તારા સાસુ તો આવુ કહેતા હતા કે અત્યારે તમને તેડાવતે તો તમારા માટે એમણે કંઈ લેવું પડતે. એટલે અત્યારે ની તેડાવ્યા. મને ત્યારે દુઃખ થયું કે તમે અમને ઘરે તેડાવીને કંઈ ની આપતે તો પણ અમે કંઈ કહતે થોડા ? એમણે આપણા લગ્ન વખતે પણ આમ જ કહ્યું હતું કે મારી શાતક સમયે તમારી શાતક પણ કરાવી એટલે મને શાતકમાં બોલાવવી ન પડે અને કંઈ આપવું ન પડે. પણ મેં તો કોઈ દિવસ કંઈ માંગ્યુ જ ન હતું. ને અમને તો કોઈ રીત રિવાજ પણ ખબર ન હતી કે તમે કંઈ ન કરતે તો અમને ખબર પડે. પણ પછી મેં આ બાબતે વિચારવાનું છોડી દીધું. મેં આપણા દિકરા પર ધ્યાન કેન્દ્રિત કરી દીધું. તમે અઠવાડિયામાં બે વાર આવતા મારા ઘરે. કોઈ વખત રોકાઈ પણ જતા.