Bhool chhe ke Nahi ? - 53 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 53

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 53

આ એ સમયગાળો હતો જ્યારે મને મારો ભૂતકાળ બિલકુલ યાદ ન હતો. જ્યારથી મને હું મા બનવાની છું એ ખબર પડી હતી ત્યારથી જાણે મારી દુનિયા આપણા સંતાનની આસપાસ ફરતી હતી. બસ, દિકરાના જન્મતાની સાથે મને ફક્ત આપણો સુખી સંસાર દેખાતો હતો. આમ તો જ્યારથી આપણા લગ્ન નક્કી થયા ત્યારથી મેં કોઈ દિવસ ભૂતકાળ યાદ કર્યો જ ન હતો કે ન મને ક્યારેય યાદ આવ્યો હતો. પણ જ્યારે આપણા દિકરાનો જન્મ થયો ત્યારે મને સતત એક વિચાર આવતો હતો કે મારા જીવનની આ સૌથી મોટી ખુશી હું એમની સાથે વહેંચું. મારે મારી ખુશી ની વાત એમને કરવી હતી કેમ ખબર નથી પણ મને આ વિચાર આવ્યો. આ સાથે બીજો પણ એક વિચાર આવ્યો કે ભગવાન એવું કંઈક કરે કે હવે એમને ત્યાં દિકરીનો જન્મ થાય અને એ દિકરીને હું મારા ઘરે વહુ બનાવીને લાવું. આપણા દિકરાને જોઈને મને સૌથી પહેલો આ વિચાર આવ્યો હતો જે કંઈક વધારે પડતો હતો. આપણા લગ્ન નક્કી થયા પછી ક્યારેય મેં ભૂતકાળ યાદ કર્યો ન હતો પણ આપણા દિકરાને જોઈને જે વિચાર મને આવ્યો એ સાબિત કરતું હતું કે મારા હૃદય માં ક્યાંક ને ક્યાંક એ હજી છે. મને પોતાને નવાઈ લાગી હતી કે મને કેમ આવો વિચાર આવ્યો. મારી પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો. પણ મેં એ વિચાર કાઢી નાખ્યો મારા મગજમાંથી. બે દિવસ હોસ્પિટલ રહ્યા પછી મને ઘરે રજા આપવામાં આવી. હું આપણા દિકરાને લઈને મારા ઘરે ગઈ. હોસ્પિટલમાંથી કહ્યું હતું કે અગિયારમા દિવસે દિકરાને રસી મુકાવવા હોસ્પિટલ પર લઈને આવવું પડશે. ઘરે ગયા પછી મમ્મીએ કહ્યું કે અગિયારમા દિવસે તો દિકરાને રમાડવા તારા ઘરેથી આવશે તો કેવી રીતે જવાશે ? પણ મેં કહ્યું કે એ તો સવારે સાત વાગ્યે જવાનું છે. એટલે આવી જઈશું મારા ઘરેથી આવે તે પહેલાં. અમારા ઘરે ફરી પાછી એ જ દુવિધા હતી કે દિકરાને રમાડવા આવે ત્યારે શું વ્યવહાર કરવાનો હોય ? મેં એક દિવસ મમ્મીને ઘરે ફોન કરીને પૂછેલું તો એમણે મને એમ કહી દીધું કે આપણે ત્યાં બેનના દિકરાને રમાડવા આવેલા ત્યારે જેમ કર્યું હતું એમ કરવાનું. પણ એ સમયે તો બેનના સાસરાવાળાને જમાડ્યા હતા અને મમ્મીએ વ્યવહાર કરેલો એ મને તો ખબર જ નહીં કે શું કરેલો. કારણકે એમણે મને તો કંઈ વાત કરી જ ન હતી કે આ રીતે વ્યવહાર કરવો પડે કે આપણે કર્યો છે. હવે હું કોને પૂછું એ પણ મને ખબર પડતી ન હતી. એવામાં એક દિવસ બેનના સાસરાની બાજુમાં પપ્પાના જે માસી રહેતા હતા એ આવ્યા હતા ઘરે આપણા દિકરાને રમાડવા. મમ્મીએ એમને પૂછયું કે વ્યવહાર શું કરવું પડશે ? ત્યારે એમણે કહ્યું કે આમ તો જે આવે તે બધાને કવર આપવા પડે. હવે એ લોકો કેટલા આવવાના છે તે પૂછી લેજો અને તે પ્રમાણે કવર બનાવજો. તમારો વધારે કવર તો આપવાના જ પણ સાથે એક પદનું કવર જુદું આપવાનું. એ ભૂલવાનું નહીં. વળી, એમ પણ કહ્યું કે તારા સસરા નથી એટલે તારા સાસુ કદાચ એ દિવસે ન પણ આવે ફક્ત તારી નણંદ બીજા બધાને લઈને આવશે અને તારા સાસુ પાછળથી આવશે. આવું તો અમને ખબર જ ન હતી. એટલે મેં પાછો મમ્મીને ફોન કર્યો હતો કે રમાડવા કોણ કોણ આવશે ને કેટલા આવશે ? ત્યારે મમ્મીએ કહ્યું હતું કે અત્યારે તો બેન અને એની સાથે આપણા કુટુંબી કાકીઓ અને મામી આવશે. પછી પાછળથી હું, બા અને બીજા ઘરડા કાકી છે તે આવીશું. મેં ત્યારે પણ એમને પૂછ્યું હતું કે શું વ્યવહાર કરવાનો તો એમણે એમ જ કહ્યું કે જે આગળ કહ્યું હતું.