ઈ.સ ૨૦૨૮નો દિવસ અને કૅનેડામાં ભરાએલ ટેડ (TED) પ્રોગ્રામ."આપણી સમક્ષ ઉપસ્થિત છે પ્રાણ વાયુ પુત્ર અને રૅમન મેગસ્સેસ એવોર્ડ વિજેતા શ્રી મોહન રામપુરા." TED (ટેડ) હોસ્ટ કરી રહેલ ફેસબુકના માલીક એવા માર્ક જુકરબર્ગના આ શબ્દોની સાથે જ સહુ કોઈ ઉભા થયા અને મોહનનું સ્વાગત કર્યું. આ સાથે જ માર્કે કહાનીની શરૂઆત કરી.૧૨/૫/૨૦૨૦ "એ સર..... હું તમારા પગ પકડું છું. બચાવીલો મારા દિકરાને. ઓય બાપા મારો દિકરો. હે ભગવાન... " ચોધારા આંસુએ રડી રહેલ તે બાપ કશુ જ કરી શકતો ન હતો. કમજોરીને કારણે તેનું આખુ શરીર ધ્રુજતું હતું. પોતાના દિકરાને ગુમાવવાનો ભય તેને બોલવા માટે થોડુક ઝોર આપી રહ્યો હતો. પૃથ્વી પરના ભગવાન ગણાતા એવા ડૉક્ટર પણ આ કાળમુખા કોરોના સામે લાચાર હતા."અરે કાકા ઊભા થાવ. અમે અમારાથી બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. આમ રડો નહી અને સાચવો તમારી જાતને. જોવો તમે આમ વર્તન કરશો તો બીજાને આ ચેપ લાગી શકે છે." રાતદિવસ મહેનત કરી રહેલ હૉસ્પીટલના સ્ટાફનો એક માણસ તે ની:સહાય બાપને દિલાસો આપતા કહ્યું.વિશ્વના અનેક દેશો બાદ હવે કોરોનાએ ભારતની ધરતી પણ જન્મ લઈ લીધો હતો. લોકોમાં કોરોનાનો ખોફ તો એટલો બધો વધી ગયો હતો કે ઘરની બહાર નીકળતા પણ તેઓ ઘબરાતા હતા. અમદાવાદ શહેરની એક હૉસ્પીટલના બાકડા પર બેઠેલ લગભગ ૫૫-૬૦ વર્ષની આસપાસના પુરુષનો રીપોર્ટ નેગેટીવ આવી ગયો હતો પરંતું પોતાનો એકનો એક દિકરો જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. કોરોનાના શરૂઆતના એ દિવસો હોવાથી લોકો કોરોનાગ્રસ્ત લોકોને જોઈને એટલા તો ઘબરાતા કે તેમની સામે કોઈ રાક્ષસ ઊભો હોય તેમ દુર ભાગતા. કોરોનાની અસર કરતા લોકો દ્વારા કરવામાં આવતો આ વ્યવહાર લોકોને માનસીક રીતે તોડી નાખતો હતો."કાકા..." નર્સ તે પુરુષની સામે આવીને બસ એક જ શબ્દ બોલી શકી. છેલ્લા વિસ દિવસની મુલાકાતથી સ્ટાફ પણ હવે કાકાને ઓળખવા લાગ્યો હતો. એક અનાથ બની ગયેલ પિતાને કેમ કરતા કહેવું કે તમારો દિકરો હવે આ દુનીયામાં નથી રહ્યો એ તેમને સમજાતું ન હતું. જ્યારે પ્લાસ્ટીકના કવરમાં વિંટાળેલ દિકરાની લાશ જોવા માટે તેમને બોલાવવામાં આવ્યા ત્યારે તેમના રૂદનને સાંભળીને દવાખાનાની દિવાલો પણ ચોધારા આંસુએ રડી પડી. વ્હાલસોયા દિકરાને ગામનું બાપદાદાના વખતથી ચાલી આવતું પરંપરા વાળું સ્મશાન ગૃહ પણ નસીબ ન થયું. હૉસ્પીટથી જ્યારે સોસાયટીમાં ઘર મુક્યો ત્યારે ખંભા પર હાથ મુકીને હિમ્મત આપનાર એક પણ હાથ નજરે પડતો ન હતો. એક સુકા રણની અંદર ભુલા પડેલ મુસાફર જેવું આજે તેમને મહેસુસ થતું હતું. જીવન જીવવા માટેનો કાકાનો ઍક્સિજન આજે તેમનાથી વિખુટો પડી ગયો. અંતિમવાર પકડેલ પુત્રના હાથનો સ્પર્શ તેમને વારંવાર યાદ આવતો હતો. દિવસોના દિવસો પોતાની જાતને એક બંધ ઓરડામાં પુરુ દિધી.રામપુર ગામનો એક યુવાન, જે આંખોમાં આશાઓના ટોપલા લઈને મહેનતું નગરી અમદાવામાં આવ્યો હતો. રાતદિવસની મહેનતના પરિણામે પાંચ વર્ષમાં તે ખુબ જ સારૂ નામ કમાઈ ગયો. જોત જોતામાં જ શાકમાર્કેટમાં તેણે કાઠું કાઢી લીધું અને ક્યારે મોહનથી મોહનભાઈ બની ગયો એ સમજાયું જ નહી. પાત્રીસની ઉંમરે પહોચેલ તે યુવાન માટે બાજુના ગામમાંથી સારા ઘરનું માંગુ આવ્યું અને ખુબ જ ધામધુમથી તેના વિવાહ કરવામાં આવ્યા. પતિ પત્ની વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હતો પરંતું મોહનનો સ્વભાવ જ એવો હતો કે તેને મળનાર કોઈપણ વ્યક્તી તેની ઈજ્જત કર્યા વગર રહી ન શકે. મોહન પાત્રીસનો હતો તો તેની પત્ની હજી થોડાક દિવસો પહેલા જ ઓગણીસ વર્ષની થઈ હતી. મોહન સવારમાં જ પોતાના કામધંધે ચાલ્યો જાય તે રાત્રે ઘરે આવતો. આમ એક વર્ષમાં બન્ને વચ્ચે ખાસ કોઈ વાતચીત થતી નહી પરંતું મીરા પતિના સ્વભાવથી તેને વધારે કઈ કહી પણ ન શકતી. લગ્નના બે વર્ષમાં જ મીરાએ દિકરાને જન્મ આપ્યો. હવે તેનું જીવન એટલે બસ દિકરો સોહમ. સોહમને નવડાવવો, ખવડાવવો અને પીવડાવો બસ આ જ તેનું જીવન બની ગયું. સોહમ જ્યારે દસ વર્ષનો થયો ત્યારે પતિ મોહનની માફી માંગતો એક પત્ર લખીને મીરા ક્યાંક ચાલી ગઈ તે આજ સુધી પાછી ન આવી. મોહને ધંધા અને જીવન વચ્ચેની ડામાડોળ નૈયાને સંભાળતા સંભાળતા પણ દિકરાને મોટો કર્યો. જેવી ખુશીયો આવતી કે ખબર નહી કોની નજર લાગી જતી. આજે ફરીવાર તે પોતાની જાતને એકલી મહેસુસ કરતો હતો. સમયના પ્રવાહની સાથે સોહમને ઉછેર્યો અને મોટો કર્યો. વેરાન ઘર હવે ફરી હર્યુ ભર્યુ થઈ ગયું. પરંતું કિસ્મતને ક્યાં આ મંજુર હતું. આજે જીવથીએ વ્હાલા દિકરાને કોરોનાએ ભરખી લીધો. આમ તો બાપ દિકરો એક સાથે જ કોરોનાગ્રસ્ત થયા હતા. સોહમ એક નાઈટ ક્લબમાં મિત્રોની સાથે મહેફીલ કરતો હતો, જેના ત્રીજા જ દિવસે તેમાંથી તેરને આ ચેપ લાગી ગયો, જેમાંથી એક સોહમ પણ હતો. સોહમ દ્વારા તેના પિતાને પણ કોરોનાએ ભરડામા લઈ લીધા. હૅસ્પીટલમાં રીપોર્ટ થયા ત્યારે જ જાણવા મળ્યું કે સોહમને બ્લડ કૅન્સર હતું. ઘણા પ્રયાસ છતા પણ સત્તર વર્ષની ઉંમરે પહોચેલ દિકરાને તે બાપ બચાવી ન શક્યો. પળવારમાં તો મોહનનું સર્વસ્વ છીનવાઈ ગયું. મોહનને જીવવાનો કોઈ આધાર દેખાતો ન હતો, વારંવાર તેને બસ મરવાના જ વિચારો આવતા. તેનું જીવવાનું રમકડુ છીનવાઈ ગયું હતું. કાલ સુધી પુનમના ચાંદ જેવી પ્રકાશમય જીંદગી આજે અમાસની કાળી રાતમાં પરીવર્તીત થઈ ગઈ. ઘર બહાર નીકળવાની તેનામાં હિમ્મત જ રહી ન હતી. ઘરમાં તે ટીવીમાં જોયા કરતો કે ભારત કેમ કરતા આ કોરોનાની સામે લડી રહ્યું હતું. મરતા લોકો, વતન પરત ફરતા લોકો, રડતા અને મૃત્યું પામતા લોકોના આ સમચારો જ્યારે ઘણા લોકોને અંદરથી તોડી નાખતા હતા ત્યારે આ જ સમાચારોએ જાણે મોહનને નવું જીવન જીવવાની રાહ આપી. મોહન પોતાના સઘળા દુ:ખો ભુલીને દેશની ભાંગી રહેલ કરોડરજ્જુના ઈલાજ માટેનો એક અંશ બનવાનું પ્રણ લઈને નીકળી પડ્યો રણભુમીના આ મેદાનમાં.મોહને પોતાની સમગ્ર કમાણીમાંથી એક વેન ગાડી ખરીદી અને જરૂરી સેવાઓના સાધનો તથા પોતાની જેમ જ દેશ માટે મરી મટવા તૈયાર એવા બે યુવાનોને સેવામાં લીધા. આ સાથે જ તેણે એક ખાનગી કંપની પાસેથી ૧૦૦ ઑક્સીજન સીલીન્ડર ખરીદ્યા. પોતાના નામના કાર્ડ છપાવડાયા અને નાનકડા આ ટ્રસ્ટનું નામ રાખ્યું લેરીયું. જ્યાં પણ દુ:ખના પવન ફુંકાવવાના સમચાર મળતા કે આ લેરીયું ત્યાં પહોચી જતું અને લોકોની સેવામાં લાગી જતું. જોડે જોડે ગરીબોને અન્ન આપવાનું પણ તેમણે શરૂ કર્યુ. પોતાની જમાં પુંજી લોકોની સેવા કરવામાં ૬ મહિના પુરા થતા જ પુરી થઈ ગઈ. હવે સવાલ એ હતો કે આગળ આ ટ્રસ્ટને કેમ કરતા ચલાવવો?એક તરફ કોરોનાનો ખોફ વધતો જતો હતો, લોકો કીડી મકોડાની માફક બીમાર પડીને મરતા હતા. હૉસ્પીટલોમાં દર્દીને જગ્યાઓ પણ મળતી ન હતી તો ઘણાઓને જાણે આ રળવાનું સાધન મળી ગયું હતું. જેમ તેમ કરતા મોહને બીજા બે મહિના વિતાવ્યા પરંતું હવે તેની પાસે કંઈ રહ્યું નહી. તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૧નો દિવસ હતો. મોહને એક પાર્ટીને પોતાના ઘરે બોલાવી. મોહને અમદાવાદનું મકાન, ગાડી અને સમગ્ર રાંચલચીલું વેચી માર્યું. તેના માટે હવે આ બધું કંઈ મહત્વ ધરાવતું ન હતું. પોતાનાથી બનતા તમામ પ્રાયાસો તે બિમાર લોકોની સેવામાં કરવા માંગતો હતો. મહોને ફરીથી ૩૦૦ સીડલન્ડર ખરીદી લીધા અને ચાલી નીકળ્યો એક નવી સફર પર. જીવનમાં જ્યારે તેને ક્યાંય પણ જીવવાની આશા લાગતી ન હતી, ત્યારે આ લોકોના કલ્પાંતે તેનામાં એક નવી ઊર્જાનો સંચાર કર્યો. જ્યારે જ્યારે તેને જીવનમાં વિકટ પરિસ્થિતીનો સામનો કરવાનો આવ્યો ત્યારે હારવાની જગ્યાએ તે વધારે મજબુત બની આગળ વધતો જતો. શહેરથી દુર આવેલ પોતાનું ગામડું એવું રામપુરામાં આવીને તેણે જીવનની નવી શરૂઆત કરી. પોતાના અસ્ત્રો અને શસ્ત્રોને તૈયાર કરીને રાખી દિધા. જેમ પાંડવોની સેનામાં કૌરવોની સમકક્ષ સેના ઓછી હતી તેમ મોહન પાસે આંગળીના વેઢે ગણી શકાય તેવા પંદર મજબુત મનના સૈનીકો અને ૪૦૦ સિલીન્ડર હતા. પોતાની લેરીયુંને દિવસરાત જેવો કોઈ મદદ માંગનારનો ફોન આવતો કે તેમનો માણસ ત્યાં પહોચાડી દેતો. લોકોની સેવા કરવામાં તેઓ કોઈપણ રીતે પાછા પળતા ન હતા. સમયની સાથે ભારતમાં કોરોનાનો આતંક એટલો ફેલાઈ ગયો કે જ્યાં જોવો ત્યાં બિમાર લોકોની ભીડ જામેલ જોવા મળતી હતી. બિમાર લોકોની સંખ્યા એટલી વધી ગઈ કે હવે ઍક્સિજન પણ લોકોને મળતો ન હતો. લોકો ઍક્સિજન ન મળવાને કારણે મૃત્યું પામતા હતા. આવા સંજોગોમાં ઘણા લોકો જ્યાં સામેથી આગળ આવતા હતા મદદો માટે તેમાં લેરીયું પણ ખુબ જ સેવાનું કામ કરતું હતું. ગ્રામ્ય વિસ્તારમાં કોઈ આશાનું કિરણ હતું તો તે હતું મોહનનું લેરીયું. પરંતું, બિમારી ઠેર ઠેર એટલી વધી ગઈ કે લેરીયાના સેવાભાવી વોરીયર પણ ધીમે ધીમે બીમાર પડવા લાગ્યા. ૨૯ માર્ચ ૨૦૨૧નો દિવસ હતો, શહેરમાં ઑક્સીજનની તંગી વધી ગઈ. લેરીયાનો સંપુર્ણ સ્ટાફ બિમાર પડી ગયો હતો. આ સમયગાળામાં લોકોની દુઆઓ પણ કામ ન લાગી અને લેરીયું પોતાના એક વોરીયરને ગુમાવી ચુક્યું હતું. લેરીયાની નાનકડી ઑફિસમાં મોહન બેઠો હતો, લોકોના મદદ માટે ફોન પર ફોન આવતા હતા પરંતું મોહન લાચાર હતો.ભરબપોર થવા આવી હતી, સુરજ પણ તેજ વરસી રહ્યો હતો. મોહનના ફોનની રીંગ વાગી પરંતું સુવીધા વિના કેમ કરતા ફોન ઉઠાવે? સેવાભાવી મોહનનો જીવ રહી ન શક્યો અને તેણે ફોન ઉઠાવ્યો,"હેલ્લો..""નમસ્તે સર, હું થંભાળા ગામથી બોલું છું. સર હું અમદાવાદમાં રહેતો હતો પરંતું કેટલાક સમયથી ગામડે આવી ગયો છું. સર મારા પત્ની ખુબ જ બીમાર છે પરંતું તેમને લઈને કોઈ હૉસ્પીટલ આવવા તૈયાર નથી. સર પ્લીઝ અમારી મદદ કરોને." પેલા માણસે ખુબ જ દિલગીરીથી જણાવ્યું. તેના અવાજમાં મદદ ન મળવાની લાચારી સંભળાતી હતી. મોહન પાસે પણ કોઈ માણસ ન હતું પરંતું તે સામેવાળાને ના ન પાડી શક્યો."શું નામ છે તમારું?""હા સર, ગોવિંદ.. ગોવિંદ નામ છે મારૂ. સર તમે આવશોને?" ગોવિંદના શબ્દોમાં આશાની ભુખ હતી અને મોહને પણ તેને નીરાશ ન કરતા આવવાનું કહીને ફટાફટ નીકળી ગયો લેરીયાને લઈને. રામપુરાથી લગભગ અડધો કલાકનો રસ્તો હતો થંભાળા જવાનો. મોહન લેરીયાને આંખના પલકારે ગોવિંદના આંગણા આગળ ઉભું કરી દિધું. ફટાફટ તેણે પોતાની કિટ પહેરીને ગોવિંદને બોલાયો, પરંતું ગોવિંદના એકલાથી તેની પત્ની સંભાળી શકાતી ન હતી એટલે મોહન તેમની મદદે પહોચ્યો. બન્નેએ ગોવિંદની પત્નીને વૅનમાં બેસાડી અને શહેર તરફના માર્ગે આગળ વધ્યા. "ચીંતા ન કરશો તમને કંઈ જ નહી થવા દંઉ. " ગભરાઈ ગયેલ પતિપત્નીને હિમ્મત આપતા મોહને કહ્યું અને ગાડીમાં ઈમરજન્સી સેવા માટે તૈયાર કરેલ ઍક્સીજન દ્વારા તેમની મદદ શરૂ કરી. મોહને ગોવિંદની પત્નીનું જેવું માસ્ક હટાવ્યું કે તે ચોંક્યો પરંતું પોતાની જાતને સંભાળતા જ તે સ્વસ્થ થયો અને ફટાફટ આગળ વધ્યો. "ક્યારથી બિમાર છે મીરા?" મોહને પુછ્યું કે ગોવિંદ અને તેની પત્ની ચોંક્યા. "તમને કઈ રીતે ખબર કે તેમનું નામ મીરા છે?" ગોવિંદે મોહન સામે જોઈને પુછ્યું. ઊતાવળમાં નીકળી ગયેલ આ નામનો જવાબ આપતા મોહને કહ્યું કે, "તેમના હાથ પર દોરાવેલ મીરા અને ગોવિંદ લખેલ નામ પરથી."મીરા, હા આ એજ મીરા હતી જે સાત વર્ષ પહેલા મોહન અને તેના બાળકને છોડીને કંઈપણ કહ્યા વગર ચાલી ગઈ હતી. મોહનને સમજાતું ન હતું કે તે શું કહે? બસ તેને પોતાનો ભુતકાળ અચાનક કોઈ ફિલ્મની માફક દેખાવા લાગ્યો. તે એવી વ્યક્તીની મદદે નીકળી ગયો હતો જેણે પોતાના પતિનું કે દિકરાનું પણ વિચાર્યું ન હતું. સોહમ તેની અક્ષ સમક્ષ તરવરવા લાગ્યો. ન ઈચ્છવા છતા પણ જુના ઘા આજે તાજા થઈ ગયા. જીવવાની આશાઓ છોડ્યા બાદ જ્યારે દિકરાના પ્રેમે તેને નવું જીવન આપ્યું હતું ત્યારે ઈશ્વરને જાણે એ પણ મંજુર ન હોય તેમ આજે તેની સમક્ષ એ વ્યક્તીની સેવા કરવાની આવી જેણે પોતાની ઈચ્છાઓને પ્રાધાન્ય આપ્યું. ફક્ત પોતાની ઈચ્છાઓ ખાતર નાનકડા દિકરાનો પણ ત્યાગ કરી દિધો. એક એવી સ્ત્રી જેણે ફક્ત પોતાનું જ વિચાર્યું. એક પળ માટે પણ એવો વિચાર ન આવ્યો કે કેમ કરતા તેનો પુત્ર મોટો થશે? આજે એ જ સ્ત્રીની મદદ માટે નીકળી પડ્યો હતો મોહન. પરંતું જીવનના આ પડાવ સુધી અનેક ચોટ ખાઈ ચુકેલ મોહન હવે એક પહાડની માફક મજબુત બની ગયો હતો.પોતાની જાતને પળવારમાં જ સ્વસ્થ કરીને તે પોતાના કર્તવ્ય પર લાગી ગયો. વિચારોના સમુદ્રમાં તરતી આંખોએ એક હૉસ્પીટલ આગળ આવીને બ્રેક મારી અને ફટાફટ મીરાને હૉસ્પીટલમાં લઈ ગયા. સારવાર તરણ શરૂ થઈ ગઈ પરંતું શહેરમાં ઑક્સીજનની ખુબ જ તંગી હતી. ક્યાંય પણ ઑક્સીજન મળતો ન હતો. મોહને તાત્કાલીક ઑફીસ પર ફોન કર્યો પરંતું ત્યાં પણ ઑક્સિજન ન હતો. શું કરવું એ સમજાતું ન હતું. લોકોને ઑક્સીજન આપનાર આજે પોતે પોતાનાના માટે ઑક્સીજન શોધવામાં નીષ્ફળ હતો.લેરીયુંની ઑફિસ પર બેઠેલ મોહનનો ફોન રણ્ક્યો કે તેણે પોતાની જાતને ચીંતાના ઘરમાંથી બહાર કાઢી અને ફોન ઉપાડ્યો."હા બોલ મુકેશ... કેમ છે તારી તબીયત?" આજે મોહનના અવાજમાં એ જુસ્સો ન હતો જે જુસ્સો છેલ્લા એક વર્ષથી અડીખમ હતો. "સર... તમે મારો ઑક્સીજન સીલીન્ડર લઈ જાઓ. મને ખુબ જ સારૂ છે." મુકેશને તેના સોસીયલ મીડીયાપરના લેરીયાના ગ્રુપ પરથી ખબર પડી કે સરને કોઈકની માટે સિલીન્ડર જોઈએ છે જે તેમનું નજદીકનું છે. "પણ મુકેશ... તારી તબીયત ક્યા સારી છે? તને ખબર છે તું તારા માતાપિતાનો એકલોતો આધાર છે.""હા સર પણ મને ખરેખર સારૂ છે. તમે આવી જાવ..."ગોવિંદ ફટાફટ નીચે આવ્યો મોહન પાસે, પરંતું મોહન ત્યાં ન હતો. નીરાશ થઈને ગોવિંદ પાછો ફર્યો. મદદની આશાનું એક કિરણ પણ ઝાંખુ પડી ગયું. ઉપર પત્ની તડપતી હતી અને નીચે ગોવિંદ લાચાર હતો. આંખના ખુણાંમાં આવેલ આંસું ચહેરા પરના પરસેવામાં ક્યાંય ગાયબ થઈ ગયું. હવે તો ઉપર પત્નીને મળવા પણ જઈ શકતો ન હતો. હૉસ્પીટલના એક બાકડા પર લાચાર ગોવિંદ લમણે હાથ રાખીને વિચારોમાં ખોવાઈ ગયો."ગોવિંદ હું નહી જીવી શકું તારા વિના." ચોધારા આંસુંએ રડી રહેલ મીરા કેમેય કરતા ગોવિંદનો હાથ છોડવા માંગતી ન હતી. પરંતું ગોવિંદ ભાગીને મીરા સાથે લગ્ન કરી શકે તેમ ન હતો. ગરીબાઈએ તેના ઘરની કમર એટલી તો તોડી નાખી હતી કે તે ક્યાં લઈ જાય મીરાને? દિલ પર પથ્થર રાખીને પણ તેણે મીરાથી અલગ થવું પડ્યું અને લાચાર મીરાએ પોતાની ઈચ્છાઓનો દમ ઘુંટીને પોતાનાથી બમણી ઉંમરના મોહન સાથે સાત ફેરા ફરવા પડ્યા.મીરાના માતાપિતા તેના બાળપણમાં જ સાથ છોડીને ભગવાનના ઘરે ચાલ્યા ગયા હતા. કાકાકાકીના ઘરમાં ઉછરેલ મીરાના લગ્ન તેમણે મોહન સાથે કરી નાખ્યા. હા, મોહન તેનાથી ખુબ જ મોટો હતો પરંતું પૈસે ટકે સુખી હોવાથી કાકાએ ભત્રીજીનું સુખ વિચારીને તેની સાથે લગ્ન કરાવી નાખ્યા. સમયની સાથે મીરાને તાલ પુરાવતા સમય લાગ્યો, જેમ તેમ કરીને પોતાની હાલાતને તે સ્વીકારતી ગઈ. મોહનનો સ્વભાવ તેને પોતાનો ભૂતકાળ ભુલવામાં મદદ કરતો હતો પરંતું મીરા ગોવિંદને કેમેય કરતા ભુલી શકતી ન હતી. બે વર્ષના આ સમયગાળામાં તે એક પુત્રની માતા પણ બની ગઈ. અંધકારમય બની ગયેલ જીવનને જીવવાનો તેને એક આધાર મળી ગયો, ઉજ્જડ જમીનમાં જાણે ગુલાબનો છોડ ઊગી નીકળ્યો હોય તેમ તેના જીવનને પસાર કરવાની એક રાહ તેને મળી ગઈ. સોહમ ચાર વર્ષનો હતો અને એક દિવસ તે બિમાર પડ્યો. તેણે તરત જ મોહનને ફોન કર્યો પરંતું હંમેશની માફક આજે પણ મોહન કોઈ મિટીંગમાં હતો અને તેને એકલીએ જ દિકરાને હૉસ્પીટલ લઈ જવો પડ્યો. દવા લઈને બહાર નીકળેલ મીરા પોતાના ઘર તરફ જતી હતી કે પાછળથી મીરા... નામની બૂમ સંભળાઈ.વર્ષો બાદનું આ મિલન હતું. આટલા વર્ષો બાદ પણ તેમના પ્રેમમાં રતીભાર પણ ઉણપ આવી ન હતી. મીરાના ગયા બાદ ગોવિંદ શહેરમાં આવી ગયો જ્યાં તેને એક કંપનીમાં જોબ મળી ગઈ. ઘરના લોકો તેને ખુબ સમજાવતા પરંતું તે દિલ કે જે હંમેશા મીરા માટે ધડકતું હતું તેને બીજાનું કરવા માંગતો ન હતો. તેણે ક્યારેય લગ્ન જ ન કર્યા અને બસ આમ જ જીવનને માણતો હતો. આજે આકસ્મીત રીતે તેની મુલાકાત મીરા સાથે થઈ ગઈ અને વર્ષો બાદની પોતાની તપસ્યા સફળ થતી લાગી. તેણે મીરાને પોતાના જીવનમાં ફરીવાર આવવા કહ્યું પરંતું એક પુત્રની માતા બની ચુકેલ મીરા કેમ કરતા પોતાના પુત્રને એકલો મુકે? આવી જ રીતે તેઓ એકબીજાને મળતા રહ્યા અને સોહમ દસ વર્ષનો થઈ ગયો, પોતાની રીતે શાળાએ જતો થઈ ગયો ત્યારે મીરા મોહનને ચીઠ્ઠીમાં આટલા વર્ષનો દિલનો ભાર લખીને ગોવિંદ સાથે ચાલી ગઈ. ગોવિંદ અને મીરાએ ક્યારેય લગ્ન કર્યા ન હતા. બસ તેમને પોતાના પ્રેમ પર ભરોસો હતો. મીરા પણ ક્યારેય માતા ન બની, તે પુત્રના પ્રેમને વહેચવા માંગતી ન હતી. પોતાના સંતાન માટે ગોવિંદે પણ ક્યારેય દબાણ કર્યું નહી."ગોવિંદ....." પોતાના નામની બુમ સંભળાતા જ ગોવિંદે વિચારમાયામાંથી પોતાની જાતને પાછી વાળી અને જોયું તો મોહન ઑક્સીજન સીલીન્ડર સાથે ઉભો હતો. ગોવિંદની આંખોમાં હર્ષના આંસું આવી ગયા. કેમ કરતા તે મોહનનો ઉપકાર માને એ સમજાતું ન હતું. એક પારકો વ્યક્તિ તેમના માટે આટલું બધી કરી રહ્યો હતો એ જ તેને માનવામાં આવતું ન હતું.થોડાક દિવસો બાદ મીરાને હૉસ્પીટલમાંથી રજા મળી ગઈ. આ પળે પણ મોહન તેમની સાથે જ હતો. મોહને પોતાના લેરીયાને ચાલુ કર્યું અને ગાડી સીધી જ ગોવિંદના ગામડે થંભાળા આવીને ઊભી રહી. મીરાએ પોતાના કમજોર શરીરને સંભાળ્યું અને મોહનના ચરણ સ્પર્શ કર્યા."અરે! આ શું કરો છો? રહેવા દો." મોહનના મુખેથી શબ્દો સરી પડ્યા.મીરાએ જ્યારે ઘર છોડ્યું હતું ત્યારે ચીઠ્ઠીમાં લખ્યું હતું કે તમે ખુબ જ સારા મણસ છો, મેં આટલા વર્ષો પોતાની જાતને તમારા માટે પ્રમાણીક રહેવા ખુબ જ સમજાવી પરંતું હવે મારા માટે એ અશક્ય થઈ પડ્યું છે. મને ખબર છે તમે ભલે પોતાની વ્યસ્ત જીંદગી માંથી અમને વધારે સમય ન આપી શક્યા પરંતું તમે દુનીયાના સૌથી શ્રેષ્ઠ પિતા બનશો તેની મને ખાતરી છે. ઈશ્વરે ચાહ્યું તો આ જીવનમાં ક્યારેક તો અનાયાસે તમને મળવાનું થશે જ અને ત્યારે તમારા ચરણ સ્પર્શ કરીને મારા પાપોનું પ્રાયાશ્ચીત કરીશ.મીરાએ બાજુમાં ઉભેલ ગોવિંદને જણાવ્યું કે આ એ જ મોહન છે ગોવિંદ. કેવું વ્યક્તિત્વ? આટલો બધો ત્યાગ? એક એવી વ્યક્તિની સેવામાં પોતે હતો કે જે તેને જ છોડીને ક્યાંક ચાલી ગઈ હતી. ગોવિંદ પણ બે હાથ જોડીને મોહનની માફી માંગવા લાગ્યો. મોહનનો ઉપકાર ક્યારેય ભુલાય તેમ ન હતો."સોહમ...." મીરા બસ આટલું જ બોલી શકી. પુત્ર માટે ક્યારેય ફરીથી માતા બનવાનું સુખ પ્રાપ્ત ન કરનાર તે માતા દિકરાના સમાચાર સાંભળવા આતુર હતી. તેનાથી હવે ઉભુ રહેવાતું ન હતું એટલે બાજુના બાકડા પર બેસી ગઈ. મોહનથી એ પણ ન બોલાયું કે હવે સોહમ આ દુનીયામાં નથી. બસ તેની રડતી આંખોએ મીરાના તમામ જવાબ આપી દિધા. મોહન ત્યાંથી ચાલ્યો ગયો અને મીરાની રડતી આંખો તેને જોઈ રહી. જ્યાં સુધી કોરોના નામની મહામારી ભારતમાં રહી ત્યાં સુધી મોહનનું લેરીયું દિવસ રાત સેવામાં ફરતું રહ્યું. મીરા માટે સીલીન્ડરનો ત્યાગ કરનાર મુકેશ પણ શહિદ થઈ ગયો. નવા નવા સેવા ભાવી લોકો લેરીયામાં જોડાતા રહ્યા અને લેરીયું ગરીબ ગામડાના લોકોની સેવા કરતા ક્યારેય થાક્યું જ નહી. લોકોએ મોહનનું નામ બદલીને પ્રાણ વાયુ પુત્ર કરી નાખ્યું.તો આપણી સમક્ષ હાજર છે પ્રાણ વાયુ પુત્ર મોહનજી. તાળીયોના ગડગડાટ સાથે ટેડ (TED) હોલ ગુંજી ઉઠ્યો. મોહન તેમની સમક્ષ ઉભો હતો પરંતું મોહનની નજર સામેની દિવાલ પર સુંદર સ્મિત સાથે સેલ્યુટ આપતા દિવ્ય પ્રકાશ તરફ હતી જે બીજુ કોઈ નહી પરંતું સોહમ હતો.સમાપ્ત.