નીલમ અને વીહાન એમ કહો કે એક જીસ્મ દો જાન, બન્નેનો પ્રેમ એટલે રાધા અને કાન્હાનો પ્રેમ, જીસ્મ નહી પણ બે આત્માઓનું મીલન, હિર રાંઝા જેવો પ્રેમ. બન્નેના સમાજ અલગ અરે સમાજ તો સમજ્યા પણ બન્નેના પરીવારને બોલવા સુદ્ધાનો પણ સબંધ નહી. એક ઉત્તરાયણે વીહાને નીલમની પતંગ શું કાપી અને વીહાનના દિલની પતંગ પણ કપાઇ ગઈ. કેટકેટલા બંધન હોવા છતાંય તેમને આ બંધનની દિવાલ ક્યારેય ન રોકી ન શકી. નીલમના ઘરની પાછળ બે પથ્થરો રોપીને રોજ રાતે વીહાન બારીએ આવીને બેસતો અને પ્રેમની દુનીયામા એ પાગલપંખી ખોવાએલ રહેતા. "વીહાન હવે આ જનમદુરી સહન થતી નથી. મને તારા મલકમાં લઇ જા... આ તડપતા દિલને આ બંધનના સળીયા કોરી ખાય છે." નીલમ બારી માંથી વીહાનના હાથ પકડીને બોલી. વીહાન ફક્ત તેની આંખોમાં જોઈ રહ્યો હતો, "વીયોગ તો મારા મનડાને પણ સહન નથી થતો પણ, શું કરૂ? ચાર ચાર પેઢીથી ચાલતી દુશ્મની ખબર નહી આપણને ક્યારે ભેગા થવા દેશે!". વીહાન પોતાના હાથથી નીલમના ગાલ હળવેકથી પંપાળી રહ્યો હતો. અઢાર વર્ષની જોબનવંતી કાયા, હૈયે પ્રેમના હેત ભરેલ નાવડી અને ઘરની આબરૂ વચ્ચે પીલાતી નીલમનો જીવ રોજ ઘંટીના બે પૈડા વચ્ચે પીલાતો હતો. રોજ નીલમ અને વીહાનના મીલનની મીસાલ એવી એ બારી પણ હવે આ પ્રેમી પંખીડાને આમ તડપતા જોઇને કળસતી હતી.
ખબર નહી પણ આજનું ચોઘડીયું ફેર હતું. વીહાને નીલમનો હાથ પકડીને બારીએ આવ્યો, "હૈયે હિંમત હોય અને લડવાની તાકાત હોય તો આજ આ હાથ પકડ્યો છે તો મુકતી નહી. કે'તી હતીને કે તારા મલકમાં લઈ જા. તો બે દિવસ બાદ પુનમ છે ગમે તેમ કરીને રૅલવેના પાટે આવી જજે. ત્યાંથી આપણે વડોદરા જતા રહેશું અને પછી આ જીંદગીને છોડીને દુર જતા રહેશું." વીહાનના મોઢે આ શબ્દ સાંભળવા તડપતી નીલમને વિશ્વાસ ન હતો થતો. આજ મનનો માણીગર માથાની હેલ ઉતારવા રાજી હતો. કૉરી સેંથી આજે તેના નામના સિંદુર માટે તડપતી બંદ થવાની હતી. વીહાનના બે હાથ પોતાના હાથમાં લઇને ચુમતા એ ધરાતી ન હતી. પ્રેમીપંખીડા એક બીજાથી દુર થયા. પલંગ પર આડી પડેલ નીલમ એકલી એકલી શરમાઇ રહી. જાણે બાજુમાં મનનો માણીગર સુતા સુતા ચુટલી લેતો હોય એમ તડપી રહી હતી. કાન્હાની મુર્તી સામુ જોઇને વિનંતી કરતી હતી, જોજે તારી આ ગોપીને આડી આંચ પણ ન આવા દેતો હો! આજ સુધી ઢાલ બનીને પડખે રહ્યો છું તો હવે એકલી ન મુકતો. કાને શરણાઇના શુર સંભળાવા લાગ્યા. કેડે તલવારને માથે સાફો બાંધેલ ભરથાર દેખાયા કરે છે.
પુનમનો દિવસ આવી ગયો, લોકો મંદિરે જઈને પુજા પાઠ કરી આવ્યા. નિલમ ભેગા કરેલ પૈસા અને બાપાએ કરાવી આપેલ હાર એમ પીયરની બે વસ્તુઓ લઇને બધી છોકરીયો સાથે વ્રતમાં રમવા જવાનું બહાનું કાઢી ચાલતી નીકળી પડી રૅલવે તરફ. રેલગાડી પણ પાટા પર પેલા કાળોતરા સાપની જેમ ધરતીને અડકતી ત્યાં આવી પહોચી. આ તરફ કોરી આંખો દુર સુધી કોઇના આવવાની રાહ જોઇ રહી છે પણ કોઇ દેખાતું નથી. હૈયાને હામ આપી રહી છે આવશે જ એ. ત્યાજ સામેથી દોડીને આવતો વીહાન દેખાયો અને હૈયુ તેની જગ્યાએ હાશકારો લઇને બેઠુ, "થોડુક મોડું થયું હોત તો આ જીવ નીકળી જાત, આમ તડપાઈને શું મારે છે, ગોળી મારીશને તોય એક શબ્દ નહી નીકળે." વીહાનને ભેટી તેની છાતી પર માંથુ રાખીને નીલમ ફરિયાદ કરવા લાગી. એક મીનિટ થઇ પણ વીહાન કઇ બોલતો ન હતો એટલે નીલમની પણ અકળામણ વધી. તેનાથી દુર થઇ તેની આંખોમાં આંખો પરોવીને બોલી, "કેમ આજે ગરજતો સાવજ આમ ઢીલો પડ્યો? શું થયુ? કોઇની બીક કે મનડાએ મારગ બદલ્યો?"
મૌન તોડતા વીહાન બોલ્યો, "ખબર નહી પણ હું જે કહું તેના માટે હિમત રાખજે... મા-બાપનો એક નો એક દિકરો છું નીલમ. મારા જયા પછી કોઇ એમનું નથી. ગામનું નાક કહેવાય મારા બાપુ, આજ હું એક પ્રેમમાં હારીને તેમની આબરૂ કલંક લગાઉ તો મારો જનમારો લાજે..." વાત પુરી પણ ન હતી થઇ કે નીલમ બોલી, "આમ ગોળ વાત ન કર, જે હોય તે કે... મારૂ હૈયુ ફાટી જશે...."
"ઘણો વિચાર કર્યો મેં કે તારી સાથે આ જગતમાંથી ભાગી જઉ અને નવી દુનીયા વસાવું, પણ બીજી બાજુ ઘરનો વીચાર આવે છે. આમ કાયરની માફક ભાગી તેમના ધોળામાં કારો ડાઘ શું પાડું."
"એ બધું હું સમજી ગઇ, પણ મારુ દિલનું શું? ક્યા છે તારો સામાન કેમ એકલો... મોઢુ ઉઘાડ જે હોય એ જટ કે નઇતો આ જીવ ઘડીકમા જતો રહેશે." નીલમ બે હાથથી વીહાનું ગળુ પકડીને હલાવવા લાગી.
"નીલમ હું તારી જોડે નઇ આવી શકું, મારા સપના ભુલી જા, બાપુએ ગઇ કાલે મારી સગાઇ પણ કરી નાખી..." વીહાનની વાત પુરી પણ ન હતી થઇ કે નીલમે તેન શર્ટ પકડ્યો, "શું બોલે છે તેનું ભન છે! અને આબરૂદાર ખાલી તારા બાપુ જ છે! તું તો મરદની જાત પણ મારો તો વિચાર કર. પાસી જઈશને તો મારી નાખશે. અને મારુ શું!" પોતાનો હાથ વીહાનને આપતા બોલી.
"તારા માટે આમ વિશ્વાસ કરવો કઠિન છે પણ આ જ સત્ય છે. તારો અને મારો જન્મારો આટલા સુધીનો જ હતો, સાંજ થવા આવી છે ઘરે નહીં પહોચ તો બધા તને ગોતવા લાગશે. સંગીતા પણ તને ગોતતી અહીં પહોચી જવા આવી છે, જલદી કર અને તેની પાસે જા."
હજી પણ પોતાના કાને પડતા શબ્દ પર તેને વિશ્વાસ નથી પડતો. તેની આંખો એકબાજુ ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ છે તો બિજી તરફ આક્રંદ કરી રહી છે. છતાં પોતાની જાતને હિંમત આપીને બોલી, "બધાની ચીંતા છોડ, મને દુનીયામાં કોઇની સાથે નીસ્બત નથી સીવાય તારા... તારા વચનો પણ તુ ભુલી ગયો! આમ મને મધદરીયે એકલી ના મુક..." બે હાથ જોડીને તેના પગમાં પડી જાય છે પણ વીહાન ટસથી મસ નથી થતો. એક નીસ્તેજ જીવની જેમ ઉભો રહે છે. આમ અચાનક બદલાએલ રૂપ જોઇ નીલમને હજી પણ વિશ્વાસ નથી થતો કે આ એ જ વીહાન છે જેને તેણીએ પ્રેમ કર્યો છે! ના ના આ કોઇ બુરી આત્મા છે કા'તો તેની કોઇ મજબુરી હશે! તે મનાવતી જાય છે પણ વીહાન કોઇ વાત માનવા તૈયાર નથી અને પોતાના ગળામાં વિંટેલ નીલમના હાથ છોડાવી ચાલતો થાય છે. હમેશા એક સ્પર્શ માટે તડપતો આજે પોતાનાથી અળગી કરી રહ્યો હતો. કઈ ન બોલતા એક અજાણ્યાની જેમ એકવાર પણ જોયા વીના ચાલતો થયો. કોઇ ચેતના વીનાની એક જ જગ્યાએ ઉભી નીલમ જતા વીહાનને જોઇ રહી. તેના આંખના આંસુની ગતી પવનની ગતીથી પણ વધારે છે. અચાનક ભાનમાં આવતા તે પાછળ ભાગી પણ વીહાન જતો રહે છે. ત્યાજ નીલમની બહેનપણીયો ક્યારનીય ગુમ નીલમને ગોતતી આવી પહોચી. નીલમની હાલત જોઇને સંગીતા ચોંકી જાય છે અને તેને લઇ ને ઘર તરફ આવે છે. નિલમ પણ જેમ જેમ ઘર આવે છે તેમ તેમ પોતાની જાતને સંભાળતી જાય છે.
ગામના ચોરે લોકોની ભીડ જામેલી હતી. આમ આટલી ભીડ જોઇ બધા એકબીજાની તરફ તાકે છે અને શું થયું તેની ભાળ મેળવવા જાય છે. કોઈ ટ્રક ચાલક કલાક પહેલા ગામના જુવાનને ઍક્સીડન્ટ કરીને જતો રહ્યો હતો. તેનું પ્રાણ પંખેરુ ત્યાં જ ઉડી જાય છે. બાજુમાં છોકરાની માં પોતાના દિકરાનું નામ લઇને રડી રહી છે. લોકાના કાળજા માંના રડવાથી હલબલી ગયાં પણ વીહાનની યાદમા ખોવાએલ નીલમના ચહેરા પર કોઇ હાવભાવ નથી. કાને ફક્ત એક જ અવાજ સંભળાય છે વીહાન... વીહાન... વીહાન... બહેનપણીયો નીલમને હચમચાવી તેને સચેત કરવાની કોશીશ કરી અને તેને ભાનમાં લાવ્યા.
નીલમની આંખોમા ખારી નદીયો વહેવા લાગ્યો. નીલમ વીહાનના નામની ચીસ નાખવા જાય છે પણ સંગીતા પોતાનો હાથ નીલમના મોઢા પર દાબી એ બુમને ત્યાજ મારી નાખી. સંગીતા જાણતી હતી કે જો તે આમ નહીં કરે તો નિલમની આબરૂ જશે. રોડ પર પડેલી વીહાનની લાશ તેની આંખો સામે જોઇ નીલમ બેહોશ થઇને ઢળી પડી.
સવારના સુરજનો આછો તડકો મોઢા પર પડતા જ નીલમ ઉઠી. તેની માતા તેની બાજુમાં બેઠી હતી. બેભાન થઈ ગયેલ દિકરીને ટકોરતા બોલી, "એ તો પેલા હરામીનો દિકરો હતો. બાપ ભલે ગમે તેવો હતો પણ માંએ દિકરો ખોયો. ભુંડું થજો ઈ ડ્રાઈવરનું" માંના શબ્દો કાને પડતા જ નીલમને ગઇકાલનું દ્રશ્ય યાદ આવી ગયું ડુમો ભરાઇ જાય છે. વીહાનના નામની ચીસ નાખવા જાય છે પણ કઇ બોલી શકતી નથી. રૂમમાં બેઠી એક જ વીચારમાં છે કે તો પછી મને રૅલવે પર પાછુ વાળવા આવનાર કોણ હતુુ? તેને બારી પર વીહાન બેઠેલ જોવા મળે છે અને દોડતી તેની નજીક પહોચી તેને ચુમવા માંગતી નીલમ ભાગી પણ હવાના સુસવાટા સાથે જ વીહાન ગાયબ થઇ ગયો.
એ નદીકાંઠે જ્યાં તેઓ પ્રેમના મધુર ગીતો ગાતા હતાં ત્યા પણ તેને ફક્ત વીહાન જ દેખાયા કરતો. ગામના ડુંગરે, ખેતરે જ્યાં પણ નજર ફેરવે ફક્ત વીહાન દેખાતો. અનેશઅંતે વીહાનની રાહ જોતી નીલમ પોતે જ થાકતા સામેથી વીહાનની દુનીયામાં પહોચી ગઈ.