અર્જુન ક્રિષ્નવી સમક્ષ ઊભો હતો અને ખૂબ ખુશ લાગતો હતો.
"આન્ટી, ઈશાન ક્યાં છે? એ અંદર દુકાનમાં ટોયઝ લઈ રહ્યો છે?"
જવાબની રાહ જોયા વિના, એ દુકાનની અંદર જવા દરવાજા તરફ વળ્યો. એ ખૂબ ઉત્સાહી હતો ઈશાનને ઘણા સમય પછી મળવા માટે.
"અર્જુન સ્ટોપ. અંદર નહીં જતો.", વનરાજે થોડું જોરથી બોલીને અર્જુનને રોકવાનો પ્રયત્ન કર્યો.
"ઈશાન અંદર નથી", ક્રિષ્નવીએ દુઃખી અવાજે કહ્યું.
"તો ક્યાં છે એ આન્ટી? તમારી સાથે નથી આવ્યો? તમને ખબર છે હું એને દરરોજ યાદ કરું છું. એણે મને બાય પણ ન કહ્યું અને સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું. બર્થડેમાં ન આવ્યો તો આટલું બધું ગુસ્સે થઈ જવાનું? મેં પપ્પાને મોકલ્યાં જ હતા તમારાં ઘરે સોરી કહેવા.", અર્જુને નિરાશ ચહેરે ક્રિષ્નવીને કહ્યું.
ક્યારેક, જે ગુમાવી ચૂક્યા હોય તેને પાછું જોવા માટે પ્રકૃતિ એક અજાણી પદ્ધતિ અજમાવે છે.
તે દુકાનમાં ઊભી હતી, પણ લાગણીઓ જાણે ૬ મહિના પાછળ ખેંચાઈ ગઈ. ફરી એ જ ઘટના તેની નજર સમક્ષ પસાર થઈ ગઈ. એ તો એમ જ શૂન્યમનસ્ક થઈને ઊભી હતી અને અર્જુન એના જવાબની રાહ જોઈ રહ્યો હતો.
"બેટા, તું અંદર જઈને રમકડા જો, હું હમણા આવું છું", વનરાજે અર્જુનને સમજાવીને અંદર મોકલ્યો.
"માફ કરજો, અર્જુનને ઈશાન...એના વિશે મેં કશી જાણ નથી કરી. એ મૃત્યુ વિશે જાણવા-સમજવા માટે હજી થોડો નાનો છે. એટલે મારે અર્જુનને થોડું ઝૂઠું કહેવું પડ્યું કે, તમે બીજે શિફ્ટ થઈ ગયા છો એટલે ઈશાન સ્કૂલમાં નથી આવતો. તેની મમ્મી વિશે પણ હજી તેને જાણ નથી. તેની મમ્મી પણ બે વર્ષ પહેલા આમ જ... ક્રિષ્નવી, તમે ઠીક છો ને?", ક્રિષ્નવીને બેધ્યાન જોઈને વનરાજે પૂછ્યું.
વનરાજે જ્યારે તેનું નામ લીધું, ત્યારે સમય એક ક્ષણે અટકી ગયો. આવા સમયે શું કહેવાનું હોય?
"હું સારી છું?"
"હું જીવી રહી છું?"કે
"હું હજીપણ ત્યાં અટવાઈ ગઈ છું?"
એટલામાં અર્જુન દુકાનની બહાર હાથમાં એક કાર લઈને આવ્યો. એ જ કાર, જે તે ઈશાનનાં જન્મ દિવસે તેના ખરીદવામાટે ખરીદવા માંગી રહી હતી.
અર્જુનનો અવાજ સાંભળતાં એનું હૃદય દ્રવી ગયું.
"આ તમે લેવાના છો? ઈશાન માટે?"
"ના... હવે નહિ."
આ શબ્દો તેના હોઠ પરથી સરકી ગયા. ક્યારેક જીવન એવા સવાલો પૂછે છે કે જેમના જવાબ માટે શબ્દો ગમે તેટલા હોય, પણ ઓછા પડી જાય.
પોતાનાં આંસુઓ છુપાવવા તે લગભગ દોડીને, બીજું કશું પણ કહ્યા વિના ત્યાંથી જતી રહી.
ક્રિષ્નવી ઘરે આવીને પણ રડી રહી હતી. આજે ઈશાનની બહુ યાદ આવી રહી હતી. એટલામાં પાડોશમાં રહેતા મંજુલાબેન ક્રિષ્નવીને બે ઘડી મળવા આવ્યા.
"કોઈ ઘરમાં છે?", અંદર પ્રવેશ કરતા મંજુલાબેન બોલ્યા.
ક્રિષ્નવીની લાલ આંખો અને સોજાએલું મોઢું જોઈને મંજુલાબેન સમજી ગયા કે તે હમણાં રડી રહી હતી.
"માફ કરજે બેટા, તું અહીં રહેવા આવી તેને ઘણો સમય થયો પણ હું તને મળવા આવી શકી નથી. ઘરઙી છું, એકલા દીકરા અને પૌત્રનું કામ કરીને થાકી જાવ છું. ક્યારેક તો ઘણી વાતો ભૂલી જાઉં છું. તું પણ દિવસે ઘરે વધુ હોતી નથી એટલે તને મળવાનો મોકો આજે છેક મળ્યો છે."
"હું પણ કામમાં એટલી વ્યસ્ત રહું છું કે કોઈને મળવા જ નથી ગઈ. સારું કર્યું કે તમે આવ્યા."
"બેટા, જાણું છું કે હજી પહેલીવાર જ આપણે મળ્યાં છીએ પણ પૂછી શકું કે તું શું કામ રડી રહી હતી?"
ક્રિષ્નવીની આંખોમાં ફરી આંસુ આવી ગયા. "કંઈ નહીં બા, બસ મારા દીકરાની આજે બહુ યાદ આવી રહી છે.", એમ કહીને ક્રિષ્નવીએ દિવાલ પર લગાવેલા ઈશાનના ફોટા સામે જોયું.
"અરે ભગવાન. કેવો ફુલ જેવું બાળક છે. વિધાતાની કેવી કરુણતા. 'મૃત્યુ ક્યાં કોઈના રોકે રોકાયું છે', એવું બધાં કહેતા રહે છે પણ જેને પોતાનું માણસ ખોયું હોય એનું દુઃખ એ ખોનાર વ્યક્તિ જ જાણી-સમજી શકે છે. મારી વહુ પણ...", બાના આંખોના ખૂણા ભીના થઈ ગયા.
"શું થયું હતું તમારી વહુને?"
"મારી જુવાન-જોધ વહુ, એક કાર અકસ્માતમાં મૃત્યુ પામી છે. દીકરો છે જે બીજા લગ્ન કરવા તૈયાર નથી, એને લાગે છે કે સોતેલી માઁ મારા પૌત્રને સારી રીતે નહીં રાખે. હું તો છું પાનખરનું પાન, ક્યારે ખરી જાઉં એ ઈશ્વર જાણે. પાછળ મારા દીકરા અને પૌત્રનું કોણ ધ્યાન રાખશે એ ચિંતા મને રાત-દિવસ કોરી ખાય છે."
"ચિંતા ના કરશો બા. જ્યારે કશું આપણાં હાથમાં ન હોય ત્યારે બધું સમય પર છોડી દેવું જોઈએ."
"હા દીકરા, આપણે તો ઉપરવાળાના હાથની કઠપુતલી, એ નચાવે એમ નાચવાનું."ક્રિષ્નવીને આજે ઘણાં સમય પછી હળવું લાગ્યું. અજાણ્યાં હોવા છતાં ઘણાં સમય પછી કોઈ પોતાનું મળ્યું હોય તેવું અનુભવ્યું.
બા તેની સામે એકીટશે જોઈ રહ્યાં હતા.
"શું જુવો છો બા?", ક્રિષ્નવીએ પૂછ્યું.
"તું મને બહુ ઓળખાયેલી લાગી છે. ક્યાંક તને જોઈ હોય એવું લાગે છે. તું પહેલેથી સુરતમાં જ રહે છે?"
"ના બા, નાનપણ તો મારું વડોદરામાં વિત્યું. મમ્મી-પપ્પા ના મૃત્યુ પછી કાકા-કાકી સાથે સુરત આવી જવું પડ્યું. અને..."
"એક મિનિટ... તારી મમ્મીનું નામ ચંદ્રિકાબેન છે?"
ક્રિષ્નવી પોતાના મમ્મીનું નામ સાંભળીને બહુ નવાઈ લાગી. તેની જીભ જરા થોથવાઈ, "હં..હા..હા.. તમને કેવી રીતે ખબર?"
"અરે બેટા, આપણે તો જુના પાડોશી છીએ. વડોદરામાં બાજુબાજુમાં તો રહેતા હતા."
શોકનો માહોલ જાણે હર્ષમાં ફેરવાઈ ગયો. બાની ખુશીનો કોઈ પાર નહતો.
"હું પણ ભૂલકણી. તને ક્યાંથી યાદ હોય. તું પણ તો નાની હતી. ૬-૭માં ધોરણમાં ભણતી હોઈશ. તું મને ક્યાંથી ઓળખે. તું ક્યારેક ઘરની બહાર નીકળી હોય તો તને આ મંજુલામાસી યાદ હોયને. હંમેશાં રૂમમાં પોતાની ચોપડીઓમાં માથું નાખીને વ્યસ્ત રહેતી."
ક્રિષ્નવી હજુપણ થોડી મુંજવણમાં જ હતી. તેને હજુય બા નો ચહેરો કે મુલાકાત યાદ આવી રહી નહતી.
તેને અસમંજસમાં જોઈને બાએ યાદ કરાવવાનો પ્રયત્ન કર્યો, "યાદ છે. એકવાર મારો તોફાની દીકરો તારી એક ચોપડી લઈને અમારા ઘેર દોડી આવ્યો હતો, અને તને હેરાન કરવા એ ચોપડી ફાડી નાંખી હતી. કેટલું રડી હતી એ દિવસે તું."
અમુક પ્રસંગો હોય છે તો નાના, પણ ક્યારેક અજાણતાં જ હંમેશા માટે આપણી યાદોના પટારામાં સચવાઈ જાય છે. વાત તો હતી નાનકડી, પણ આ પ્રસંગ પરથી ક્રિષ્નવીને બધું જ યાદ આવી ગયું.
હર્ષથી તેણે પણ મંજુલામાસીને ગળે લગાવી લીધા. એક પ્રસંગે ઘડીભરમાં બા ના સંબંધને 'માસી' કરી નાખ્યો.
"માફ કરશો માસી, હું તમને ઓળખી ના શકી."
"વાંધો નહીં દીકરી. ઘણા વર્ષો થયા. હું અને તારી મમ્મી પાક્કી બહેનપણીઓ હતા. જ્યારે તારા મમ્મી અને પપ્પા બંનેવનું અચાનક મૃત્યુ થયું ત્યારે બહુ દુઃખ થયું. તેનાથી વધારે દુઃખ ત્યારે થયું, જ્યારે તારી કાકી તને તેના ઘેર લઈ ગઈ. તારી મમ્મીએ એમના ક્રૂર સ્વભાવથી હેરાન થતાં કાકા વિષે ઘણીવાર કહ્યું હતું મને. મેં તો વિચાર્યું હતું કે હું તને મારી દીકરીની જેમ સંભાળીશ, પણ તારા કાકાના આગ્રહના કારણે હું કંઈ કહી ના શકી. આખરે તારા પપ્પા પછી, તું તારા કાકાની જ જવાબદારી કહેવાયને. એ તારું ધ્યાન તો રાખતાં હતા ને?"
"માસી, કાગડો ગંગામાં ડુબકી મારે, તો પણ કાળો જ રહે ને. એમ અમુક માણસનો સ્વભાવ ક્યારેય નથી બદલાતો."
"અરે રે મારી દીકરી", મંજુલાબેનનું કાળજું દ્રવી ઊઠ્યું.
"દુઃખી ના થાવ માસી. તમે ફરી મળી ગયા છો ને, એટલે મને કોઈ ચિંતા નથી. હવે મને કોઈ લઈ જઈ નહીં શકે.", ક્રિષ્નવીએ હસતાં કહ્યું.
"વિધાતા પણ ગજબની કરામત કરે છે ને? કેટલા વર્ષો પહેલા આપણે એક અલગ જ શહેરમાં પાડોશી હતા અને ભગવાનનો ખેલ જો, ફરી પાડોશી બની ગયા.", મંજુલાબેન ખૂબ જ ખુશ હતા.
"હા માસી, બધાની ડોર એના હાથમાં છે ને એટલે મન ફાવે ત્યારે બધે આપણને ફેરવ્યા કરે છે."
"જીવન છે. ચાલતું રહે છે. તું કહે તો ખરા કે તું કામ શું કરે છે કે, અહીં ઘણા દિવસોથી રહેતી હોવા છતાં આજે પ્રથમવાર મને મળી શકી."
"ઈશાન ના ગયા પછી, મારું મન ક્યાંય લાગતું નહોતું. જૂની નોકરી મેં છોડી દીધી. જ્યારે આપણું કોઈ ન હોય ત્યારે કેવી લાગણી થાય, કેટલું એકલું લાગે એ મેં અનુભવ્યું હતું. અને હવે હું ઈચ્છતી હતી કે મારી જેવા થોડાં-ઘણાંને પણ હું અંગત અને પોતીકું મહેસુસ કરાવી શકું તો મારા અંતરાત્માં અને દૂર આકાશમાંથી જોઈ રહેલા મારા ઈશુને ખુશી થશે. એટલે હું એક અનાથ બાળકોની સંસ્થા સાથે જોડાઈ ગઈ. ત્યાં રહીને મને સારું લાગે છે, એટલે હું મારો મોટાભાગનો સમય ત્યાં જ સેવામાં વિતાવું છું."
"એ બહુ સરસ કામ શોધ્યું તે. જ્યારે કોઈ આપણું ના હોયને, ત્યારે આપણે કોઈનું થઈ જવું જોઈએ."બંનેવની વાતો ચાલુ હતી ત્યાં,
"દાદી, તમે અહીં છો?", અર્જુનએ ઘરમાં પ્રવેશ કરતા પોતાની દાદી મંજુલાબેનને પ્રશ્ન કર્યો. અને પછી એની નજર બાજુમાં બેઠેલી ક્રિષ્નવી પર પડી. તેણે તરત દોડીને તેની પાસે જઈને પ્રશ્નોનો વરસાદ કર્યો, "આન્ટી તમે અહીં પણ? આ તમારું ઘર છે? ઈશાન ક્યાં છે?"
"તમે એકબીજાને ઓળખો છો? કેવો ગજબનો સંયોગ રચ્યો છે ઈશ્વરે આજે.", મંજુલાબેને કહ્યું.
"હા માસી. મારો ઈશાન અને તમારો અર્જુન એક જ સ્કૂલમાં ભણતા હોવાથી મિત્રો હતા. અર્જુન બેટા, હા આ મારું ઘર છે.", ક્રિષ્નવીએ ફક્ત એક જ પ્રશ્નનો જવાબ આપ્યો."
અરે વાહ, તો હું અને ઈશાન દરરોજ સાથે જ રમીશું અને જમીશું. મજા આવશે. પણ આ ઈશાન છે ક્યાં?"
"ઈશાન તેના દૂરના અંકલ પાસે રહેવા ગયો છે.", ક્રિષ્નવીને વનરાજની કહેલી વાત યાદ આવતા, ઈશાનના મૃત્યુ વિષે ના કહયું.
અર્જુન નિરાશ થઈ ગયો. "એ પણ મારી મમ્મીની જેમ દૂરના ઓળખીતા ના ઘરે ગયો છે. મારી મમ્મી તો મને ક્યારેય ફોન પણ નથી કરતી અને ઘરે પાછી પણ નથી આવતી. એમ ઈશાન પણ નહીં આવે?"
"આવી જશે બેટા. એમાં સમય લાગે. હવે આપઙે ઘરે જઈએ?", વનરાજએ આવીને કહ્યું.
"આન્ટી ઈશાન ના આવે ત્યાં સુધી હું દરરોજ તમારી સાથે વાતો કરવા આવતો રહીશ. બાય.", અર્જુનએ જતા જતા કહ્યું.
અચોક્કસ વાતાવરણમાં અજાણી લાગતી કડીઓ હળવે હળવે એકબીજાને જોડાઈ રહી હતી.