World's short Gost stories (folktales) part-1 Jade's statue in Gujarati Short Stories by Bhaveshkumar K Chudasama books and stories PDF | વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ

૧. જેડની મૂર્તિ

આજથી ૮૦૦ વર્ષ પહેલાં, જ્યારે ચીનમાં સોંગ રાજવંશનું શાસન હતું, ત્યારે યુનાન પ્રાંતમાં વર્તમાન ડાલી શહેરની નજીક શિલીન નામનું એક ગામ હતું. રમણીય પર્વતો અને જંગલોથી ઘેરાયેલું આ ગામ તેની આસપાસના જંગલમાં મળતા જેડના પથ્થરો માટે જાણીતું હતું. અનેક કલાકારો અને મૂર્તિકારો આ પથ્થરો લઈ આવતા, તેમાંથી કલાત્મક વસ્તુઓ કે મૂર્તિઓ ઘડતા અને તેનો વેપાર કરી પોતાનું જીવન ચલાવતા હતા.

લી ઝેન પણ એક આવો મૂર્તિકાર હતો. તે આ પથ્થરોમાંથી મૂર્તિઓ બનાવી બે પૈસા કમાતો અને પોતાનું પેટ ભરતો. એક દિવસ લી ઝેનને ગુફામાં એક સુંદર લીલા રંગનો પથ્થર મળ્યો. તેને જોઈને તે ખુશ થઈ ગયો અને તેણે તેમાંથી એક સુંદર પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું. પણ પથ્થર એટલો મોટો હતો કે તેને ઘરે લઈ જવો શક્ય નહોતું. આથી તેણે પોતાનાં ઓજારો લઈને ગુફામાં જ કામ શરૂ કર્યું. દિવસ-રાત મહેનત કરી, પોતાની શિલ્પકલાનું તમામ જ્ઞાન અને આવડત રેડી દઈ, કેટલાક દિવસો પછી તેણે તે લીલા પથ્થરમાંથી એક સુંદર સ્ત્રીની મૂર્તિ બનાવી. તે મૂર્તિની આંખો જેડની ચમકથી ઝળહળતી હતી અને તેના હાથમાં જેડનું એક ફૂલ હતું.

લી ઝેન તે મૂર્તિના અનુપમ સૌંદર્યથી મોહિત થઈ ગયો. તેણે તેને વેચવાને બદલે ઘરે લઈ જઈને રાખવાનો નિર્ણય કર્યો. એક દિવસ તે યાક ગાડી લઈને મૂર્તિને ઘરે લઈ જવા તૈયારી કરતો હતો. તેને ગાડીમાં ગોઠવતી વખતે એક ક્ષણ માટે એવું લાગ્યું કે મૂર્તિની આંખોમાંથી અનોખો પ્રકાશ નીકળી રહ્યો છે. એ બાબતને અવગણી, તેણે મૂર્તિને ઘરે લઈ જઈ એક ખૂણામાં મૂકી દીધી.

તે રાત્રે તેને સ્વપ્નમાં એક સ્ત્રી દેખાઈ, જે બિલકુલ તેની જેડની મૂર્તિ જેવી હતી. તે સ્ત્રી કહેતી હતી, "મને મુક્ત કરો." ઝેન સફાળો જાગી ગયો અને તેણે મૂર્તિ સામે જોયું. તેને લાગ્યું કે કામના થાક અને દિવસે મૂર્તિને સતત નિહાળતા રહેવાથી આવું સ્વપ્ન આવ્યું હશે.

જ્યારે ગામલોકોને મૂર્તિની વાત ખબર પડી, તેઓ તેને જોવા આવવા લાગ્યા અને તેના વખાણ કરવા લાગ્યા. પણ ત્યારથી વિચિત્ર ઘટનાઓ શરૂ થઈ. જે લોકો મૂર્તિને જોવા આવતા, તેઓ બીમાર પડવા લાગ્યા. કેટલાક તો કોઈ અજાણ્યા કારણોસર ગાયબ થઈ જતા.

ગામલોકોએ લી ઝેનને કહ્યું,

"તારી મૂર્તિ શ્રાપિત છે. તેમાં કોઈ પ્રેતાત્મા છે. તેને પાછી ગુફામાં મૂકી આવ."

પણ લી ઝેને તેમની વાત પર ધ્યાન ન આપ્યું. તે મૂર્તિના સૌંદર્ય પર મોહી પડ્યો હતો. તે રોજ દિવસે-રાત્રે મૂર્તિ સાથે વાતો કરતો અને તેની તેજસ્વી, ઊંડી આંખોમાં એકીટશે જોતો રહેતો.

એક દિવસ તેને મૂર્તિની આંખોમાં એક સુંદર સ્ત્રી દેખાઈ, જેનું નામ 'આશીમા' હતું. તેની બાજુમાં તેનો પ્રેમી 'આહેઇ' ઊભો હતો.

ઝેનને યાદ આવ્યું કે આ તો તેમના જંગલ સાથે જોડાયેલી એક પૌરાણિક દંતકથાનાં પાત્રો છે. તે આશીમાનું સૌંદર્ય જોવા મૂર્તિની આંખોમાં વધુ ઊંડો ઉતર્યો અને ખોવાઈ ગયો!

હા, તે ખોવાઈ ગયો. ઘણા દિવસો સુધી જ્યારે તે ગામમાં દેખાયો નહીં, ત્યારે ગામલોકોએ તેના ઘરે જઈને જોયું. તે ત્યાં નહોતો. તે ગાયબ થઈ ગયો હતો, કદાચ મૂર્તિની આંખોમાં! તેના ઘરમાં ફક્ત તે મૂર્તિ જ હતી.

ગામલોકોએ તે મૂર્તિને જંગલમાં લઈ જઈ એક ગુફામાં મૂકી દીધી અને ગુફાનું મોઢું મોટા પથ્થરોથી ઢાંકી દીધું.

આજે પણ શિલીન ગામની આસપાસ રહેતા લોકો દાવો કરે છે કે રાત્રે જંગલમાંથી કોઈ સ્ત્રીનો અવાજ આવે છે,

'મને મુક્ત કરો.'

આ વાર્તા ચીનના મુખ્ય પ્રવાહમાં નથી, પણ શિલીન ગામની આસપાસ એક લોકવાયકા તરીકે ચર્ચાતી રહે છે. લોકવાયકાઓ ઘણીવાર આવી જ રીતે જન્મે છે—કોઈ એક મુખ્ય સ્ત્રોતથી અલગ થઈ, સ્વતંત્ર કથા બનીને ફેલાતી હોય છે. જેમ નદીમાંથી અનેક શાખાઓ નીકળી પ્રવાહિત થાય, તેમ આ પણ!

શિલીન ગામની આસપાસના જંગલોમાં જેડના પથ્થરો મળે છે, અને તે જંગલો સાથે ચીનની મુખ્ય દંતકથા જોડાયેલી છે. આ દંતકથામાં એક સ્ત્રી પાત્ર 'આશીમા' છે, જે અંતે પથ્થર બની જાય છે.

ગામલોકોએ કદાચ આ મૂર્તિ સાથે બનેલી વિચિત્ર ઘટનાઓને આ દંતકથાની નાયિકા 'આશીમા' સાથે જોડી દીધી અને આ રીતે એક લોકવાયકાનો જન્મ થયો.

લોકવાયકાઓનું સ્વરૂપ એવું હોય છે કે તેમાં ભાગ્યે જ કોઈ સ્પષ્ટ સંદેશ, સંવેદના કે બોધ હોય. મોટાભાગે તે ભૂતકાળની કોઈ રહસ્યમય ઘટનાના પડઘા કે પુનરાવર્તન રૂપે ઉભરી આવે છે. કેટલીક લોકવાયકાઓ ભયાનક હોય છે, જેમ કે આ વાર્તા, જ્યારે કેટલીક પ્રેમ, બલિદાન કે હાસ્યની ભાવનાઓથી ગૂંથાયેલી હોય છે. આ શ્રેણી દ્વારા હું આપ વાચકો મિત્રોને વિવિધ પ્રકારની ભૂત, પ્રેત કે ચમત્કાર તત્વ સામાન્ય હોય તેવી લોકવાર્તાઓ પીરસીશ, આપણે તેને માણીશું અને તેમાં સમાયેલા તત્વો—જેમ કે રહસ્ય, ભય, પ્રેમ કે પૌરાણિકતા—ની ઓળખ અને આનંદ બંને મેળવીશું.

અહીં મેં લોકવાર્તાનું મૂળ સ્વરૂપ અકબંધ રાખ્યું છે. માત્ર જેડના પથ્થરો સાથે જોડાયેલી દંતકથાનાં પાત્રોને ઝેનના ગાયબ થવા સાથે જોડ્યાં છે. આવી જ બીજી લોકવાર્તાઓ સાથે ફરી મળીશું..."