પછી આહુતિ તૈયાર થઈ રસોડામાં જાય છે અને યજ્ઞેશ પણ પોતાની દિનચર્યા શરૂ કરે છે. થોડીવાર બાદ યજ્ઞેશના ફોનની રિંગ વાગે છે. આહુતિ ફોન રિસીવ કરે છે. સામેથી અવાજ આવે છે. હેલો હું યજ્ઞેશ વસાવડા સાથે વાત કરું છું ? ના હું તેમની વાઈફ બોલું છું, આહુતિ બોલી. હું પંકજ ગોયલ વાત કરું છું શું હું તેમની સાથે વાત કરી શકું ?
આહુતિ - ના એ કામમાં છે શું હતું ? મને કહો હું કહીશ તેમને.
ગોયલ - હું તેમની સાથે એક ડિલ સાઈન કરવા માંગુ છું.
આહુતિ - કંઈ ડિલ ? કેવી ડિલ ?
ગોયલ - એ હું રૂબરૂમાં અથવા યજ્ઞેશને જ ફોન પર જણાવી શકું.
આહુતિ - હમણાં તેમની તબિયત સારી નથી ડોકટરે તેમને આરામ કરવા કહ્યું છે.
ગોયલ - શું થયું તેમને ?
આહુતિ - તેમને કાર્ડિયાક એરેસ્ટ થયું છે.
ગોયલ - હવે તબિયત કેવી છે ?
આહુતિ - સારી છે.
ગોયલ - તમે તો ઠીક છો ને ?
આહુતિ - એટલે ? તમે કહેવા શું માંગો છો ?
ગોયલ - તમે મને તમારી ઓફિસમાં કેટલા વાગ્યે મળી શકશો ?
આહુતિ - હા ઠીક છે.
ગોયલ - તો હું તમને મળવા કેટલા વાગ્યે આવુ ?
આહુતિ - હું 10:00 વાગ્યે આવુ છું ઓફિસે એટલે તમે સવારે 11:00 વાગ્યે આવજો.
ગોયલ - ઠીક છે.
આહુતિ - ફોન કટ કરે છે.
યજ્ઞેશ- કોનો ફોન આવ્યો હતો ?
આહુતિ - પંકજ ગોયલ કરીને હતા તેઓ આપણી સાથે ડિલ કરવા માંગે છે, તેમને કાલે સવારે મેં ઓફિસે આવવાનું કહ્યું છે ચાલશે ને ?
યજ્ઞેશ - શું કીધું તે ? પંકજ ગોયલ
આહુતિ - હા કેમ શું થયું ?
યજ્ઞેશ - કંઈ નહિ.
આહુતિ - તમે આ નામ સાંભળીને એટલા હેરાન કેમ છો ?
યજ્ઞેશ - હું પણ કાલે તારી સાથે ઓફિસ આવીશ.
આહુતિ - બિલકુલ નહીં. તમને ડોકટરે આરામ કરવા કહ્યું છે એટલે તમે આરામ જ કરો હું એમને મળી લઈશ.
યજ્ઞેશ - પણ હું તારી સાથે આવુ તો તને શું તકલીફ છે ?
આહુતિ - મેં તમને ના કહ્યું ને ? મને પહેલા એ સમજાવો કે આ પંકજ ગોયલ નામ સાંભળ્યા બાદ શું વિચારમાં છો ? તમે આ નામ પહેલા સાંભળ્યું છે ? તમે ઓળખો છો તેમને ?
યજ્ઞેશ - પંકજ ગોયલને હું સારી રીતે ઓળખું છું. તે મારો સૌથી મોટો "બિઝનેસ રાઈવલ" હતો ? તે ગોયલ ગ્રુપનો મેનેજીંગ ડાયરેક્ટર છે. જે તે સમયે આપણી કંપની સારો પ્રોફિટ કરતી ત્યારે તે આપણો હરીફ હતો. તે વખતે તેંની કંપનીનું શેર માર્કેટ ડાઉન થઈ ગયું હતું. તેના કર્મચારીઓ છુટા થઈ ગયા હતા. તેની કંપની પર કેસ થયો હતો અને કંપનીએ નાદારી જાહેર કરી હતી. હવે તે કંઈ રીતે ફરી આટલો અમીર થયો તેને મારી સાથે કાંટાની ટક્કર હતી. મારો સૌથી મોટો હરીફ વ્યક્તિ હવે શું કામ આપણને મદદ કરવા ઈચ્છે છે ? મને લાગે છે કે આ પાછળ પણ તેનું કંઈક ષડયંત્ર હોવું જોઈએ. તું જ વિચાર કર કે જયારે આપણી કંપની સારો ધંધો કરતી હતી ત્યારે જે વ્યક્તિ એ હવનમાં હાડકા નાખ્યા હોય તે વ્યક્તિ મારી ખરાબ પરિસ્થિતિમાં મને શા માટે મદદ કરવાનો ?
આહુતિ - તમે પોઝિટિવ વિચારો કોઈપણ માણસનું નેચર કાયમી એક સરખું જ રહે એવુ જરૂરી તો નથી. કદાચ તેમનું માનસ હવે બદલાઈ ગયું હોય અને કદાચ ઈશ્વરે જ તેમને દેવદૂત બનાવી અને આપણી મદદ કરવા માટે મોકલ્યા હોય એમ પણ બને.
યજ્ઞેશ - તું લાગણીશીલ છે એટલા માટે કોઈપણ વ્યક્તિના ખરાબ ગુણો તું કદી ઘ્યાનમાં નથી લેતી. આપણે જેટલાં સીધા હોઈએ જેટલી લાગણી દાખવીએ એવી બધા જ લોકો દાખવે અને બધા જ લોકો સીધા હોય એવુ માનવું જોઈએ નહિ. આહુતિ - પણ પાક્કું હું કંઈ જ ગરબડ થવા દઈશ નહિ.
યજ્ઞેશ - મને તારા પર જરાય શંકા નથી. મને તારા પર ભગવાનથી પણ વધુ વિશ્વાસ છે. .
આહુતિ - તો પછી શું કામ તમે મારી વાત નથી સમજતા ?
યજ્ઞેશ - તું જેવું સમજે છે એટલો આ ગોયલ સીધો માણસ નથી એટલે હું પણ તારી સાથે આવીશ. હું ત્યાં શાંતિથી બેસી અને બધુ જ સાંભળીશ વાત બધી જ તું કરજે. ક્રમશ:
આલેખન - જય પંડ્યા