યજ્ઞેશ - તે મારા માટે જે કર્યું છે, અને અત્યારે પણ જે કરી રહી છે તે માટે હું સદા તારો ઋણી રહીશ. એક વાત કહું તને ? આહુતિ - હા કહો ને ? યજ્ઞેશ - આપણા લગ્નને હજી 2 વર્ષ જ થયા છે. છતાંતે આ કંપની અને ઘર બંને વચ્ચે જે બેલેન્સ રાખ્યું છે તે ખુબ જ અઘરું છે. આજે તારી પાસે એક વાતની પરવાનગી લેવા માંગુ છું, અથવા એમ સમજ કે હું આજે તારી પાસે એક હક્ક લેવા માંગુ છું તો તું શું આપીશ મને ?
આહુતિ - હા બોલોને હું પૂરો પ્રયત્ન કરીશ કે તમે જે માંગો એ હું આપી શકું અને જો ન આપી શકી તો ઈશ્વરને પ્રાર્થના કરીશ કે મને એ માટે કોઈ રસ્તો આપે જેથી હું તમને જે જોઈતું હોય તે આપી શકું. યજ્ઞેશ આહુતિનો હાથ પકડી ઉભો થાય છે અને થોડું ચાલે છે. તે એક નજરે આહુતિ સામે જુએ છે, સતત તેને જ જોયા કરે છે. તે કુદરતના અનુપમ સૌંદર્યને નિહાળી રહ્યો હોય તેવો અનુભવ પોતે કરી રહ્યો હતો. તે કંઈ જ બોલતો નથી બસ આહુતિની આંખોમાં આંખો પરોવી દે છે. અથવા એમ કહો કે સ્વયંને આહુતિમાં પરોવી દે છે. વાતાવરણ એકદમ મનોરમ્ય અને શાંત બની જાય છે. શરીરની નસોંમાં રુધિર પ્રવાહ જેમ ગતિ પકડે અને માણસનું શરીર સ્ફૂર્તિ અનુભવે એવી જ અનુભૂતિ યજ્ઞેશ કરી રહ્યો હતો. તેને આહુતિની આંખોમાં જાણે પોતાના જીવનની તમામ સમસ્યાનું સમાધાન દેખાય રહ્યું હતું. તે આહુતિને માત્ર પોતાની જીવન સંગીની નહિ પણ ઈશ્વર માનતો હતો. તેની આંખમાંથી વહેતા અશ્રુની ભાષા આહુતિ વાંચી શક્તિ હતી અને સમજી શકતી હતી. આહુતિને કદાચ આજે એ વાત સમજાતી હતી કે લોકો કહે છે કે ઘણીવાર કંઈ ન બોલીએ તો પણ બધુ જ સમજાય જતું હોય છે. આજે યજ્ઞેશ આહુતિને જુએ છે અને આહુતિ યજ્ઞેશને જાણે બંને એકબીજાની સામે હોવાં છતાં એકબીજામાં નિર્મળ જળની માફક પ્રવાહીત થતા હતા. તેઓ પોતાની એક અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા. જ્યાં ચિંતા ન હતી, પૈસા ન હતા, સંપત્તિની લડાઈ ન હતી, કોઈ પ્રકારની ઘેલછા ન હતી. જ્યાં સ્મિતની સરવાણી ન હતી કે ન તો આફતનું આડંબર હતું. બસ પ્રેમ જ હતો અને બે આત્માઓ એકબીજાને વળગી રહ્યા હતા. આજે તેમના રોમે રોમે અંકુર ફૂટ્યા હતા. બને એકબીજાને પામી ગયા હતા. અથવા આજે તેઓ પ્રેમના પરમ તત્વ અને તેની વાસ્તવિકતાને પામી ચૂક્યાં હોય તેવું તેમને લાગી રહ્યું હતું. મંદ- મંદ મધુર સંગીત સંભળાતું હોય તેવો તેમને અનુભવ થઈ રહ્યો હતો. બંને એકબીજાનો ચહેરો એકબીજાની આંખોમાં નિહાળી રહ્યા હોય છે. કુદરત અને સમય પણ આ દ્રશ્ય જોવા માટે થંભી ગયા હોય એવુ લાગતું હતું. કોઈ ટીવી સિરિયલ કે રોમેન્ટિક ફિલ્મ જેવું સોહામણું દ્રશ્ય અહીં જોવા મળતું હતું.
બોલો ને શું કહેવું છે તમારે ? આહુતિ કહે છે.
યજ્ઞેશને ક્યાં શુદ્ધા ભાન હતી કે આહુતિ શું બોલે છે ? આહુતિ વારંવાર એક જ વાત પૂછે છે બોલોને શું કહેવું છે તમારે ? તમે કેમ મારી સામે આવી રીતે એક નજરે જુઓ છો ? યજ્ઞેશ આહુતિની નજીક જાય છે અને તેને પોતાની તરફ ખેંચે છે. બંને એકબીજાની નજીક આવે છે. બંને વચ્ચે શ્વાશનું આદાન - પ્રદાન થાય છે. આહુતિ થોડી ગભરાતી હોય એવુ લાગી રહ્યું હતું. તે શરમાય જતી હતી. ચિંતા નહિ કર તું જે સમજે છે એવુ કંઈ જ નથી. યજ્ઞેશ બોલ્યો
આહુતિ - તમે કહેવા શું માંગો છો ? યજ્ઞેશ આહુતિને પગે લાગે છે. તેના ચરણ સ્પર્શ કરે છે હા આ દ્રશ્ય જોઇ આહુતિ સ્તબ્ધ થઈ જાય છે તે યજ્ઞેશને પકડી લે છે તમે આ શું કરી રહ્યા છો ? આહુતિ બોલી. યજ્ઞેશ બરાબર જ કરી રહ્યો છું તારા ચરણ સ્પર્શ કરું છું મારા ઘરને જેમણે મંદિર બનાવ્યું તે દેવીને હું વંદન કરું છું નમન કરું છું. "નમામિ દેવી આહુતિ" એવુ બોલે છે.
આહુતિ - તમે આવુ શું કામ કરો છો ? હું કોઈ દેવી નથી.
ક્રમશઃ
આલેખન - જય પંડ્યા