અહીં 2 દિવસ બાદ યજ્ઞેશ પોતાના ઘરે આવે છે.
ઘરે આવ્યા બાદ પણ તેના મનને નિરાંત ન હતી. એટલા સુખ સાહ્યબી ભર્યાં બંગલામાં તેને અકળામણ થતી હતી. બંને જણા સતત ગુમસુમ રહેતા હતા. સતત એ જ વિચાર કરતા હતા કે આ બધી જ સમસ્યાઓનો અંત ક્યારે ? કોણ અમને મદદ કરશે ? અમે આ બધામાંથી કંઈ રીતે બહાર આવશુ ? અમારું જીવન નોર્મલ ક્યારે થશે ? શું ખરેખર અમારા દિવસો બદલશે ? શું અમે ફરી સારું જીવન જીવતા થાશું ? શું ભગવાન અમારા પર મહેરબાની કરશે ? જો અમે આ બધામાંથી ન નીકળી શક્યા તો મારી પાછળ આહુતિનું ભવિષ્ય શું ? અત્યારે મારી પછળ આહુતિનું ભાવિ દાવ પર લાગી ગયું છે. પણ કંઈક તો કરવું જ પડશે.
આહુતિ - આ તરફ તે પણ આ જ બધી વાતનો વિચાર કરતી હોય છે. હે ભગવાન હવે તું જે કરે તે ઠીક. પછી આ જ વિચાર કરતા કરતા બંને સુઈ જાય છે. આ તરફ યજ્ઞેશ પોતાના હોલમાં બેસી ન્યુઝ પેપર વાંચતો હોય છે. આહુતિ રસોડામાં કામ કરતી હોય છે. ત્યાં અચાનક તેને કંઈક અવાજ આવે છે. તે ઉભો થઈ અને બહાર જાય છે. બહાર આવી અને જુએ છે તો તેની કંપનીના શેર હોલ્ડર અને કંપનીના કર્મચારીઓ તેના ઘરની બહાર ઉભી હોબાળો કરતા હોય છે. યજ્ઞેશ બહાર આવી તેમને શાંત પાડવા પ્રયત્ન કરે છે.તમે લોકો શાંતિ જાળવો જે કંઈ પણ વાત છે તે આપણે સાથે બેસી અને તેનો નિર્ણય કરીએ આ રીતે આ બધુ જ કરવાનો શું મીનિંગ ? મને ખ્યાલ છે કે તમને તમારા પૈસા અને પરિવારની ચિંતા છે પણ એનો અર્થ એવો નથી કે હું અહીં આરામથી જીવું છું. હું અને મારી વાઈફ બંને સતત તમારા લોકો માટે પ્રયત્ન કરીએ છીએ. હું પણ એ જ ઈચ્છું છું કે તમે હું આપણે બધા આ પ્રોબ્લેમમાંથી બને તેટલા ઝડપથી નીકળી જઈએ. અને એ માટે મારાથી જે થાય છે તે હું કરું છું અને જે થશે તે હું કરીશ. તમે લોકો એટલા ટાઈમથી અમારી સાથે જોડાયેલા છો. તમે તો બધુ જ જાણો છો કે અમે ક્યારેય તમે છેતર્યા નથી. તમારા બધાના ડિવિડન્ડ અત્યાર સુધી રેગ્યુલર હતા. આ બધાથી તમે અને અમે સૌ ખુશ હતા. હવે મારા ભાગ્યમાં આ તકલીફ લખાયેલી હશે એ હું જાણતો ન હતો તમે લોકો પણ જાણતા ન હતા. હવે જો આપણે સાથે મળીને સુખ ભોગવી શકીએ તો દુઃખમાં સાથે ન રહી શકીએ. આ પ્રોબ્લેમ તમારો મારો આપણો બધાનો છે એમાં આપણે એકબીજાને આધાર પૂરો પાડી મદદ કરવી જોઈએ અને જેટલું ઝડપથી આ બધામાંથી નીકળી શકીએ એવુ કંઈક કરવું જોઈએ.મારા પરિવારમાં હું અને આહુતિ જ નથી તમે બધા પણ મારો પરિવાર છો. અને જયારે પરિવારના કોઈ એક સભ્ય પર સમસ્યા આવે તો તે પરિવારની સમસ્યા ગણાય. આવા સમયે આપણે એકબીજાથી દુર ભાગવાની જગ્યાએ એકબીજાને પડખે ઉભું રહેવું જોઈએ. હું તો તમને અલગ ગણતો નથી તમને મારા પરિવારની જેમ જ ગણું છું શું તમે મને પારકો ગણો છો ?સામેથી એક વ્યક્તિ બોલ્યા સર તમારી બધી વાત સાચી પણ અત્યારે અમે તો તમને શું મદદ કરી શકીએ અમારા જીવનની જે કંઈ કમાણી હતી તે બધી અત્યારે તમારી કંપની પાસે છે. અત્યારે અમે અમારું પૂરું કરી શકતા નથી તો તમને કંઈ રીતે ? મદદ માત્ર પૈસાથી જ થઈ શકે એવુ નથી. તમે બધા જ હોશિયાર અને મહેનત કરનારા છો. તમે બધા આ માટે મને સારો આઈડિયા આપી શકો છો. એક કામ કરો તમે બધા અંદર આવો આપણે હોલમાં બેસી સાથે ડિસ્કશન કરીએ. એવામાં પોલીસની ગાડી ત્યાં આવે છે. યજ્ઞેશ ગભરાય જાય છે. પેલી ભીડમાંથી એક વ્યક્તિ કહે છે કે સાહેબ તમારે જે વાત કરવી હોય એ આપણે હવે ડાયરેક કોર્ટમાં કરીશું. અમે તમારા વિરુદ્ધ કેસ કર્યો છે. ઇન્સ્પેક્ટર આમને લઈ જાઓ તે વ્યક્તિ બોલે છે. યજ્ઞેશ કંઈ સમજી શકતો નથી તે આહુતિના નામની બુમ પાડે છે. આહુતિ ઝડપથી બહાર આવે છે બધુ જ દ્રશ્ય જોઇ તે હેરાન થઈ જાય છે. તે ઇન્સ્પેક્ટરને યજ્ઞેશને છોડી દેવા વિનંતી કરે છે પણ પોલીસ યજ્ઞેશને લઈ જાય છે. આ તરફ આ સમાચાર મીડિયામાં વાઇરલ થઈ જાય છે. આહુતિની સમસ્યા વધતી જાય છે. તે ટેરેસ પર ઉભી હોય છે અને અચાનક તેને ચક્કર આવે છે, તે નીચે પડી જાય છે. ત્યાં અચાનક યજ્ઞેશ ચીસ પાડે છે. તેની આંખ ખુલે છે. આહુતિ પણ ઉઠી જાય છે.
આહુતિ - શું થયું તમને ?
યજ્ઞેશ - ઓહ તો આ સપનું હતું ? ભગવાન સૌનું ભલું કરે.
આહુતિ - શું થયું કંઈ ખરાબ સપનું આવ્યું ?
યજ્ઞેશ આહુતિને ભેટીને રડવા લાગે છે.
આહુતિ - શું થયું તમને ? મને વાત તો કરો.
યજ્ઞેશ - મને સ્વપ્ન આવ્યું કે કંપનીના વર્કર્સ આપણી પર કેસ કરે છે, અને પોલીસ મારી ધરપકડ કરે છે. તું ટેરેસ પર ઉભી હોય છે તને ચક્કર આવે છે અને તું નીચે પડી જાય છે.
આહુતિ - જોર જોરથી હસવા લાગે છે.
યજ્ઞેશ - તને હસવું શાનું આવે છે ?
આહુતિ - તમે જે સ્વપ્ન જોયું તે કદી સાચું નહિ થાય અને હા હું આટલી ઝડપથી તમને મુકીશ નહિ. હું એવી સમસ્યા છું જેને તમારે હજી ઘણી સહન કરવાની છે.
યજ્ઞેશ - તું મારા જીવનની સમસ્યા નહિ સમાધાન છે.
ક્રમશ:
આલેખન - જય પંડ્યા