સૂર્ય તક્ષશિલાની ગગનચુંબી ઇમારતોની પાછળ ઢળી રહ્યો હતો. ગોલ્ડન પ્રકાશના કિરણો શહેરી ગલીઓ અને વિશાળ ગ્રંથાલય પર પડતાં, આ વિદ્યા અને જ્ઞાનના પવિત્ર સ્થળે એક અજાણી ચિંતા વ્યાપી રહી હતી. એક શહેર, જે વિદ્યા માટે જાણીતું હતું, હવે તલવાર અને તીરો માટે તૈયાર થવા મજબૂર હતું.
અચાનક, ઉત્તર તરફની ટેકરીઓ પાછળ ધૂળનો મોટો વમળ ઉઠતો દેખાયો. ગમે ત્યારે સંકટ ત્રાટકી શકે એ ભાવનાએ શહેરમાં અશાંતિ પેદા કરી. કેટલાક વેપારીઓએ પોતાનું સામાન ભેગું કરીને સુરક્ષિત સ્થળે જવાનું શરૂ કર્યું, જ્યારે શિક્ષકો અને વિદ્વાનો પોતાના અનમોલ ગ્રંથો સાચવવાના ઉપાયો શોધી રહ્યા હતા.
તક્ષશિલા માત્ર એક શહેર નહોતું; તે વિદ્યા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક હતું. દુનિયાભરના શિષ્યો અહીં ભણવા આવતા. યુનાનના દાર્શનિકો, પર્ષિયાના વૈદ્યો અને ભારતભરના સંસ્કૃત વિદ્વાનો આજે તમામ લોકો એકઠા થયા હતા વિશ્વની સૌથી મોટી જ્ઞાનસભામાં જે સમગ્ર વિશ્વની સંસ્કૃતિ, વિચારો અને જ્ઞાન ના આદાન-પ્રદાન નો શ્રેષ્ઠ મોકો હતો. તેમની પાસે રહેલી વિદ્યા અને જ્ઞાનને આજે ગ્રંથ સ્વરૂપમાં રાખીને તેનો લાભ સમગ્ર વિશ્વને મળે તેવી આશા ઉત્સાહ ની સાથે ભવિષ્યની ચિંતાઓ તેમના ચેહરા ઉપર સાફ દેખાય આવી રહી હતી.
શહેરના હૃદયસ્થાને આવેલા મહાન ગ્રંથાલયમાં, તક્ષશિલાના અગ્રણીઓ એકત્ર થયા હતા. આ બેઠકમાં ત્રણે મહાન શખ્સો હાજર હતા—આચાર્ય વરુણ, તક્ષશિલાના મુખ્ય વિદ્વાન, યુવરાજ આર્યન, શહેરનો રક્ષક અને ભવિષ્યનો શાસક, અને વીર, એક ભટકતો યોદ્ધા, જે યુદ્ધ અને શિક્ષા બંનેમાં પારંગત હતો.
આચાર્ય વરુણ એક ઊંડા શ્વાસ સાથે બોલ્યા, “આ પવિત્ર ભૂમિ શસ્ત્રોથી નહીં, પણ જ્ઞાનથી જ જીતવામાં આવી છે. પરંતુ, આજે, આપણે જ્ઞાન સાથે શસ્ત્ર પણ ઉઠાવવો પડશે.”
યુવરાજ આર્યન, એક તાકાતવર અને દીર્ઘદ્રષ્ટિ વાળો યુવાન, ટેબલ પર મુઠ્ઠી મારતાં બોલ્યો, “આ શહેર માત્ર મારા માટે નહીં, પણ સમગ્ર ભારતીય સંસ્કૃતિ માટે મહત્વપૂર્ણ છે. હું તેને પડતું મૂકી શકતો નથી. જો યુદ્ધ થવાનું જ હોય, તો અમે સંઘર્ષ માટે તૈયાર છીએ.”
વીર, જે એક સ્તંભ સાથે આરામથી ઉભો હતો, હવે આગળ આવ્યો. “આ શહેર માત્ર ઈમારતો અને ગ્રંથોથી ભરેલું નથી. તે એક વિચાર છે, જેની રક્ષા કરવી એ આપણા ધર્મ છે.”
આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક પરિસ્થિતિવશ દૂત હાંફતો અંદર આવ્યો. શરીર લોહીથી ભીંજાયેલું, શ્વાસ ભયથી ભરાયેલો.
“મહારાજ... શત્રુઓએ ઉત્તર તરફના દરવાજા ઘેરી લીધા છે!”
આ શબ્દો સાથે સમગ્ર હોલમાં સન્નાટો છવાઈ ગયો. શત્રુએ પ્રથમ પ્રહાર કરી દીધો હતો.
યુવરાજ આર્યન તરત જ ઊભા થયા. “અમે શત્રુઓનો વિનાશ કરી નાખીશું.”
વીરે તરત જ પોતાની તલવાર સાફ કરી અને બોલ્યો, “તમારા સાથીઓ તૈયાર છે?”
આચાર્ય વરુણે એક ક્ષણ વિચાર્યું અને કહ્યુ “યુદ્ધ જીતવા માટે માત્ર હિંમત પૂરતી નથી. આપણી પાસે એક રણનીતિ હોવી જોઈએ. આપણે માત્ર લડવા જ નહીં, પણ આપણા જ્ઞાનને પણ સુરક્ષિત રાખવું છે.”
યુવરાજ આર્યન અને વીર બન્ને શહેરની દિવાલોની તરફ દોડ્યા. ત્યાં પહોંચતાં જ તેમને એક ભયાનક દૃશ્ય નજરે પડ્યું. શત્રુઓએ તીરો અને અગ્નિથી આખા આકાશને અંધકારમય બનાવી દીધું હતું. તક્ષશિલાના રક્ષકો હિંમતપૂર્વક લડી રહ્યા હતા, પણ દુશ્મન સેનાની સંખ્યા ખૂબ મોટી હતી.
વીરે તરત જ એક દુશ્મનને લક્ષ્ય બનાવી, ઝડપથી તલવાર ચલાવી. આર્યન પણ પાછળ રહ્યો નહીં. બંનેએ મળીને એક પછી એક શત્રુને જમીન પર ઠાર કર્યા.
આચાર્ય વરુણ ઉપરથી જોઈ રહ્યા હતા. તેમના મગજમાં એક વિચિત્ર વિચાર ચાલતો હતો—તક્ષશિલાની અંદર, પ્રાચીન ગ્રંથાલયમાં, એક એવો રહસ્યદાયક ગ્રંથ હતો, જેમાં ગુપ્ત યુદ્ધની રીતો લખેલી હતી. જો તે માહિતીને યોગ્ય રીતે વાપરી શકાય, તો કદાચ, તક્ષશિલાને બચાવી શકાય.
પણ શું એ ગુપ્ત જ્ઞાન સાચા હાથે પહોંચશે? અને શું તક્ષશિલા આ યુદ્ધમાં ટકી શકશે?જાણવા માટે જોડાયેલા રહો : તક્ષશિલા- સિટી ઓફ નોલેજ સાથે...