મારી બોર્ડની પરીક્ષા શરૂ થઈ. સાથે ભાઈની પણ શરૂ થઈ હતી. એની પરીક્ષા સવારે હોય અને મારી બપોરે. પરીક્ષા આપીને ઘરે આવું એટલે સાંજ પડી ગઈ હોય. પપ્પા રોજ આવતા મને મળવા. બસ, પરીક્ષા પતાવી ને હું મારા ઘરે પાછી ફરી. ભાઈ તો પરીક્ષા પતાવીને બસ આખો દિવસ રખળ્યા કરતો. આગળ શું ભણવાનો છે એ વિશે કંઈ જ વાત પણ ન કરતો. અને કંઈ પણ જોઈએ એટલે મને આવીને કહેતો કે પપ્પાને કહે કે મને આ અપાવે. હું ત્યારે એની લાગણી ના દુભાય એટલે પપ્પાને કહીને એને એ અપાવી દેતી. મને ત્યારે એમ ન ખબર હતી કે હું એને બગાડી રહી છું કે એ મારી લાગણી નો દુરૂપયોગ કરે છે. હું તો બસ એને ખુશ જોવા માગતી હતી. એ રડે તે મને બિલકુલ ગમતું ન હતું. બેન પણ મને એની વાતોમાં લાગણીથી ભોળવી દેતી અને એ પેલા છોકરાને મળે છે એ મારે ઘરમાં કોઈને કહેવાનું નહીં. વેકેશનમાં હું મમ્મી સાથે મામાના ઘરે રહેવા ગઈ. કંઈક એવી લાલચ હતી કે હવે વાંચવાનું ટેન્શન નથી. હું મન ભરીને એમને જોઈ શકીશ. અને મને એમના આવવાનો સાંજનો સમય ખબર હતી એ પ્રમાણે હું મામાના ઘરના ઓટલા પર બેસીને એમની રાહ જોતી હતી ને એ સામે ફળિયામાંથી આવતા દેખાયા. દર વખતની જેમ એમને જોઈ હું ખુશ થઈ ગઈ. એ મામાના ઘર પાસેથી આગળ ગયા કે તરત હું ઘરના પાછળન દરવાજા પાસે ગઈ જ્યાંથી એ મને સામે એમના માસીના ઘરમાં આવતા દેખાય. આ વખતે હું મામાને ત્યાં ગઈ ત્યારે મારી પાસે બહાર ઓટલા પર બેસી એમની રાહ જોવા સિવાય બીજું કોઈ કામ ન હતું. એટલે એ એમના માસીના ઘરે ગયા પછી પાછા એમના ઘરે ક્યારે જાય છે એ જોવા માટે હું બહાર ઓટલા પર જ બેસી રહી. અને લગભગ બે કલાક પછી એ ફરી એમના ઘરે ગયા અને મેં ત્યારે પણ એમને ફળિયામાં દેખાયા ત્યાં સુધી એમને જોયા જ કર્યુ. પછી હું પણ ઘરમાં ગઈ બધા સાથે ખાઈને ફરી પાછા અમે બધા મામા, મમ્મી, ત્યાંની મારી બહેનપણી મામાના ઘરની બાજુના વાડામાં બેઠા. થોડીવારમાં એ ફરીથી આવ્યા અને આગળ જતા જતા મામાને બોલાવતા ગયા. મામાએ કહ્યું હવે તમે બેસો હું મારા મિત્રો સાથે બેસવા જાઉં છું. એમ કહી મામા નીકળી ગયા. મેં મારી બહેનપણીને પૂછ્યું એ લોકો ક્યાં ગયા ? તો એણે કહ્યુંં કો એ તો બધા રોજ રાતે બાજુના ફળિયામાં બેસે ત્યાં ગયા. એટલે મને એમને જોવાનો બીજો સમય પણ મને ખબર પડી ગઈ. હું જરા વધારે પડતી જ ખુશ થઈ ગઈ. બીજા દિવસે સવારે જયારે હું મામાનું ઘર ની સફાઈ કરી રહી હતી અને બહાર ફળિયામાં કચરો વાળવા નીકળી ત્યારે પણ મેં એમને સામેથી આવતા જોયા પણ આ સમયે મને એમના હાથમાં ટિફિન જેવું દેખાયું મેં વાં જ ઉભા રહી એમને જતા જોયા તો આ સમયે એ એમના માસીના ઘરે ન ગયા પણ બીજા ફળિયામાંથી આગળના રસ્તા પર ગયા. એટલે મને થયું કે નક્કી આ સમયે એ નોકરી પર ગયા હશે. મામાના મિત્ર હતા પણ મામાને પણ એમના વિશે કંઈ પણ પૂછવાની મેં કોશિશ ન કરેલી કારણ કે મારે પહેલાં ભણવું હતું. એ દિવસે મોટા ભાગે હું કોઈ ને કોઈ બહાનું કરી બહાર જ રહી જેથી એ ક્યારે પાછા આવે છે એની મને ખબર પડે. એમની રાહ જોવા માટે હું ફળિયામાં મારા સાથે ક્રિકેટ રમી. આખો દિવસ. હું બિલકુલ થાકી નહીં પણ મને ક્રિકેટ રમવાનો શોખ થઈ ગયો. અને લગભગ સાંજ થતાં મેં એમને આવતાં જોયા. મને ક્રિકેટ રમતી જોઈ એ થોડી વાર ત્યાં ઉભા રહ્યા પણ એ ઉભા રહ્યા એ જોઈને હું તો રમવાનું મૂકીને સીધી ઘરમાં ચાલી ગઈ.