બીજા દિવસે સવારે મનન અને આરવ બન્ને અગાશીમાં બેઠા બેઠા રેડિયો સાંભળી રહ્યા હતા. થોડા સમયથી ગીતોના શોખીન આરવે એકપણ વાર ફોન ખોલીને ગીતો તો શું એકપણ એપ્લીકેશન પણ ખોલી નહોતી. કામ સિવાય એ એના ફોનને અડતો જ નહોતો. એ જયારે પણ ફોન જોતો તો થતું કે હમણાં અદીનો મેસેજ આવશે અને એને મળવા બોલાવશે. આટલા દિવસના મેસેજના ઇન્ત્ઝાર કર્યા પછી છેવટે એણે ફોન તરફ જોવાનું જ માંડી વળ્યું હતું.
મનન આજે પરાણે આરવને અગાશી પર લઇ આવ્યો હતો. પહેલા જયારે પણ બંને મળતા ત્યારે આ રીતે અગાશી પર જઈને રેડિયો સાંભળતા રહેતા.
રેડિયો પર પણ આજે જાણે આર.જે. દુખી હોઈ એમ દુખ ભર્યા ગીતો જ વાગી રહ્યા હતા. છેવટે અરિજિત સિંઘે ગાયેલું સોંગ રેડિયો પર શરુ થયું. અરિજિત સિઘ નું નામ આવતાજ આરવને અદિતિ યાદ આવી ગઈ. અદિતિ અરિજિત સિંઘની બોવ મોટી ફેન હતી. લગભગ બધાજ સોંગ એણે સાંભળ્યા હતા.
रंग थे, नूर था, जब क़रीब तू था
एक जन्नत सा था ये जहाँ
वक्त की रेत पे कुछ मेरे नाम सा
लिख के छोड़ गया तू कहाँ?...
જાણે આ સોંગ આરવની હાલની પરિસ્થિતિ જણાવતું હોય એમ ‘હમારી અધુરી કહાની’નું આ ગીત આરવના મન પર સ્થાન જમાવી રહ્યું હતું.
મનને રેડિયો ચાલુ ગીતે જ બંધ કરી દીધો. “સાવ, આ આર.જે.નું પણ આજે બ્રેકઅપ થયું લાગે છે. કેવા કેવા સોન્ગ્સ વગાડે છે.” મનન ફરિયાદ કરતો હતો.
આરવ પણ બધું યાદ કરવા નહોતો માંગતો એટલે એણે મનનને કહ્યું, “ચલ, હોસ્પિટલ જઈએ. રુશી એકલી બધું સંભાળતી હશે. એની પાસે એનું હોય એવું કોઈ તો હોવું જોઇશે ને.”
મનન વિચારમાં પડી ગયો. ગઈકાલ સુધી જે આરવ રુશીને અદિતિની દોષી માનતો હતો એણે અચાનક રુશી માટે આવો વિચાર કેમ આવ્યો? એ વિચારતો હતો એ કળી જઈને આરવ બોલ્યો, “દોસ્ત, મેં અદિતિને સમજવાનો ટ્રાય કર્યો હોત તો એણે મને બધું કીધું હોત. મારે એ ભૂલ હવે નથી કરવી. રુશી મારી બહેન છે. જો એ ગુનેગાર હશે તો એને એની સજા મળશે જ. પણ...” થોડું અટકીને એ ફરી બોલ્યો, “જો એ ગુનેગાર નહિ હોઈ તો અત્યારે એ એકલી બધું હેન્ડલ કરે છે. જો હું એની સાથે પણ આવી રીતે રહીશ તો એ બિચારી ક્યાં જશે? અદિતિ અને ધવલ સિવાય હું જ તો છું એના માટે. મારે જવું છે, એની પરિસ્થિતિમાં મારે એનો સાથ આપવો જોઈએને દોસ્ત?” આરવ પ્રશ્નાર્થ ભાવે મનનને પૂછી રહ્યો હતો.
મનન પણ આરવની સાથે ઉભો થઈને બોલ્યો, “હા કેમ નહિ, એ હજુ દોષી સાબિત નથી થઇ અને મને એને જોઇને એવું નથી લાગતું કે એ દોષી હશે. જે પણ હોય તે, અત્યારે તો એને તારી જરૂર છે એટલે તારે જવું જ જોઈએ.”
“કેમ? તું નહિ આવે?” આરવે પાછું વળીને મનનને પૂછ્યું.
“ના..અમમ..હું..” મનન શું બોલવું એ વિચારતો હતો.
“ડાયરી ત્યાં જઈને વાંચજે” આરવ મનન સામે કોઈપણ ભાવ વગર બોલી ગયો.
મનન ફાટી આંખે તેને જોઈ રહ્યો. “અમમ..તને? તને કેમ ખબર?” પછી ખોટું થઇ ગયું હોય એમ નીચું જોઇને બોલ્યો, “સોરી દોસ્ત, મારે આમ પૂછ્યા વગર નહોતી વાંચવા જેવી”
“ના, એમાં સોરી શું? મને પણ કાલે રુશીને મળીને લાગ્યું કે આ ડાયરી પોલીસસ્ટેશનમાં આપી દેવા જેવી હતી. મને તો કાઈ લાગ્યું નહિ, કદાચ પોલીસને કાઈક મળી જાય.” આરવે પોતાના મનની વાત કહી દીધી.
મનનના મનમાં હજુ પણ પ્રશ્ન હતો જેનો જવાબ આરવે વગર પૂછે આપી દીધો, “તું રીંગ વિષે વિચારે છે ને? મને પણ આ જ વિચાર આવ્યા કરે છે.” કાઈક વિચારીને આગળ બોલ્યો, “એક કામ કરીએ, મોડું તો મોડું પણ આ ડાયરી આપણે પોલીસને સબમિટ કરી દઈએ.”
“હા પણ તે જે પાછળ લખવાનું શરુ કર્યું છે એનું શું?” ટીખળ કરતા મનને આરવની ખેચી, “તું તો યાર જબરું લખે છો હો... શું લખ્યુતું તે પેલું..??” યાદ કરવાનું નાટક કરતો એ બોલ્યો,
"તું આવ હવે,
તારા સનીન્ધ્ય વગર મારા શ્વાસ પણ હવે સુના લાગે,
તું કહેતી મને, તને યાદ છે?
હું નહિ હોય ત્યારે તું ઝુરીશ મારી માટે,
સાચું છે અદી, એક એક ક્ષણ ઝૂરું છું હું તારા માટે...
તારું મને બોલતું રહેવું,
મારું તને સાંભળતા રહેવું.
તું વિચારનો દરિયો,
હું તારું નાવડું.
તું લઇ જાયે મને ખેચીને તારા પ્રવાહ માં,
અને હું ડૂબતો જાવ તારા પ્રેમમાં..
તું સાંજની દીવાની,
અને હું તારો.
તું નિહાળે આથમતા સૂર્યને,
અને હું નિહાળું તારી આંખોને ..
તું આવને હવે,
આ સંધ્યા પણ હવે આથમી ગઈ,
આ દીવો પણ હવે સળગતો થયો.
પણ...
પણ તારા વગર હવે હું બુઝાતો રહ્યો."
“મનનીયા, તે આ બધું પણ વાંચ્યું?” મનનને મારતો હોય એમ એ હાથ ઉચો કરી અને એની પાછળ પાછળ દોડ્યો. “ઉભો રે તું હવે તને ના મુકું હું... સાલા, મારી મદદ કરવા આવ્યો છે કે મારી ડાયરી વાંચવા હે?”
મનન દોડતા દોડતા હસીને આરવને બોલવા લાગ્યો, “પણ સાચે હો આરવિયા, ગજબ લખે છે તું... તારે તો આ ફાર્મા બાર્માં કરતા કવિ કે લેખક બનવા જેવું છે હો.”
***
શું આરવ પોલીસને ડાયરી સોપશે? રુશી આગળથી એ સત્ય જાણી શકશે?