એસપી ઝાલા એમની કેબીનમાં બેઠા બેઠા કોન્સ્ટેબલ અર્જુન સાથે અદિતિના કેસની ફાઈલ બનાવી રહ્યા હતા. ધવલે આ કેસમાં પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો એટલે એ જેલમાં હતો જયારે રુશીની આ કેસમાં ખાસ કોઈ અગત્યની ભૂમિકા ના લગતી હોઈ તેને જામીન મળી જતા એ તેના ઘરે હતી.
કોન્સ્ટેબલ અર્જુનના ચહેરા પર ખુશી હતી કે આટલો અગત્યનો કેસ એમણે સોલ્વ કર્યો હતો. એટલે આટલા દિવસની આકરી મહેનત બાદ એ ભવિષ્યની રજાઓનું મનમાં ને મનમાં પ્લાનિંગ કરી રહ્યા હતા.
‘સર, કુલ્લુ મનાલી કેવું રહેશે? હું વિચારું છું કે મિત્રો સાથે ૫-૬ દિવસની રજા લઈને ફરતો આવું.’ થોડું બીકમાં એમણે એસપી ઝાલાની પરમીશન લેવા માટે વાત આગળ વધારી. એ એવું માનતા હતા કે હવે અદિતીનો કેસ સોલ્વ થઇ ગયો છે તો એસપી ઝાલા ખુબ ખુશ હશે અને આ કેસમાં એમણે સરની ખુબ હેલ્પ કરી છે એટલે સર રજા તો કોઈ આનાકાની વગર આપી જ દેશે.
એસપી ઝાલાના મોઢા પર થોડી નારાજગી કોન્સ્ટેબલ અર્જુને જોઈ. કદાચ રજાની વાત આવી એટલે આમ મોઢું બગડ્યું હશે એવું એમને લાગ્યું. મનમાં થોડું બોલી પણ દીધું કે કામ કરાવતી વખતે રાત-દિવસ પણ જોવડાવતા નહિ અને હવે રજાનું નામ સાંભળશે એટલે મોઢું બગાડીને આખી રજાની પથારી ફેરવી દેશે.
‘સારું સર, હમણાં હું નહિ જાવ, કોઈ બીજું કામ હોય તો કયો બાકી હું થોડું બહાર બીજા કામ જોતો આવું’ એમ કહી અને કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલા સામું જોવા લાગ્યા.
હજુ એ જ નારાજગીનો ભાવ? ખબર નહિ આ સરને શું થયું છે? આટલો મોટો કેસ સોલ્વ કર્યો તો મને શાબાશી તો દૂરની વાત છે પણ પોતે પણ ખુશ નથી જણાતા. પેલો મધુકાન્તા વાળો કેસ સોલ્વ કર્યો ત્યારે રાજકીય રીતે દબાણ આવી ગયું હતું તોઈ એ એકદમ ખુશ હતા, અમને બધાને ભજીયાની પાર્ટી પણ આપી હતી. તો આ કેસતો એમના માટે કેટલો અગત્યનો હતો તોઈ કેમ ખુશ નથી? મનમાં કોન્સ્ટેબલ અર્જુન આ બધું વિચારી રહ્યા હતા.
એસપી ઝાલાને એકલા મૂકી અને કોન્સ્ટેબલ અર્જુન બહાર લટાર મારવા નીકળી પડ્યા.
આ બાજુ એસપી ઝાલા હજુ વિચારોમાં જ ખોવાયેલા હતા. એમને ખબર નહિ કેમ પણ આ કેસ હજુ પણ પૂરો નથી થયો એવું લાગતું હતું. ધવલે પોતાનો ગુનો કાબુલી લીધો છતાં પણ એમનું મન અને એમનો આ ફિલ્ડનો એક્સપીરિયંસ એમને આ વાત ના માનવા પર મજબુર કરી રહ્યો હતો.
‘કાઈક હજુ રહી જાય છે’ એમ બબડતા એ જ્યાં ધવલને રાખવામાં આવ્યો હતો તે લોકઅપ પાસે આવ્યા.
સતત ૩ દિવસથી જેલમાં હોવાને લીધે ધવલ હવે ઓળખાતો બંધ થઇ ગયો હતો. વધી ગયેલી દાઢી, જેલનું ખરાબ જમવાનું, સતત થતા ટોર્ચર અને કદાચ પોતાની જાતને કરેલું માનસિક ટોર્ચર અત્યારે ધવલ પર દેખાઈ આવતું હતું. જેલમાં જ્યારથી એને રાખવામાં આવ્યો હતો ત્યારથી એ એકપણ શબ્દ બોલ્યો નહોતો બસ એક જ વાતનું રટણ કરતો હતો કે ‘હું જ દોષી છું અદીતીનો’ બસ આ સિવાય એ જાજુ બીજું કશું બોલતો નહોતો. એમાય જ્યારથી એના ફેમીલીવાળાઓને ખબર પડી ત્યારથી એના પપ્પાએ તો પોલીસસ્ટેશન આવી અને જાહેરમાં કહી દીધું હતું કે ‘મારો છોકરો હવે મરી ગયો છે. હવે આની સાથે મારે કોઈ સંબંધ નથી, આજથી હું એના નામનું નાઈ નાખું છું.’ આટલું બોલતા એ રડી પડ્યા હતા.
આટલું બધું ધવલ સામે થયું હોવા છતાં એની આંખમાં એક આંસુ નહોતા આવ્યા. ખબર નહિ કેમ પણ એસપી ઝાલાને વળી વળીને ધવલ માટે હમદર્દી જાગતી હતી. કાઈક ખોટું થયું છે એવું એમને લાગી રહ્યું હતું પણ જયારે ધવલે આખો ઘટનાક્રમ સમજાવ્યો કે કઈ રીતે એણે એના કોમ્પ્યુટરમાંથી અદિતીનો વીડિઓ એના ફોનમાં મોકલ્યો, કઈ રીતે નંબર ફક્ત ‘૦૬૦૮’ આવ્યો આખા નંબરની જગ્યાએ એટલે એમને વિશ્વાસ કરવો પડ્યો કે અદિતિને બ્લેકમેલ કરવાવાળો ધવલ જ છે.
ધવલ અત્યારે પણ એ જ રીતે ગોઠણ વાળીને એના પર માથું ઢાળીને બેઠો હતો. એસપી ઝાલાએ ધવલનું નામ લીધું ત્યારે એણે ફક્ત ઉચું જોયું પણ ચહેરા પર કોઈ જાતના ભાવ એમણે ના જોયા. ધવલના ચહેરા પરથી સ્પષ્ટ લાગતું હતું કે એ છેલ્લા થોડા દિવસોથી સુતો નથી. આંખમાં કુંડાળા અને ચહેરો પણ એકદમ નિસ્તેજ જણાતો હતો.
એસપી ઝાલાએ ત્યાં ઉભેલા હવાલદારને દરવાજો ખોલી આપવા જણાવ્યું. દરવાજો ખુલતા એસપી ઝાલા ધવલ જ્યાં બેઠો હતો ત્યાં આવીને ઉભા રહ્યા અને એને ઉભા થવાનું સુચન કર્યું. ધવલ ચુપચાપ ઉભો થઇ અને નીચું જોવા લાગ્યો. એની આંખ, એનો નિસ્તેજ ચહેરો જોઇને એસપી ઝાલાને દયા આવી ગઈ.
આ પેલા પણ એમણે ઘણા કેસ સોલ્વ કરેલા હતા. ક્યારેય કોઈ દોષીને જોઇને એમને ક્યારેય દયા નહોતી આવી. ઉલટાનું એ વધુ કઠોર થઇ જતા. એટલે જ આરોપીને ખબર પડે કે એમનો કેસ એસપી ઝાલાના હાથમાં છે તો આરોપી બીકમાં જ ફટાફટ સાચું બોલવા માંડતા.
કાઈક વિચારીને એસપી ઝાલાએ ધવલને કહ્યું, ‘ધવલ, તું દોષી તો નથી જ. તારે મને સાચે સાચું જણાવવું પડશે કે આ બધું કોણે કર્યું છે.’
આટલા દિવસોમાં અત્યાચાર, પોતાના પિતા તરફથી બોલવામાં આવેલા શબ્દો, એની રુશીનું ના ઇચ્છવા છતાં પણ ઘસીટવામાં આવેલું નામ અને એથી વધુ આરવ જેવો મિત્ર ગુમાવ્યો એનું દુખ. આ બધું ચુપચાપ ધવલે સહન કરી લીધું હતું. રુશીનું નામ આ કેસમાં આવ્યું ત્યારે એને પહેલી વખત રડતા એસપી ઝાલાએ જોયો હતો અને એક આજે જયારે એસપી ઝાલાએ ધવલને કહ્યું કે ‘તું દોષી તો નથી જ.’ ત્યારે.
***
શું ખરેખર ધવલ દોષી નથી? તો એણે ગુનો કેમ કબુલ કરી લીધો?