Sangharsh - 12 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 12

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 12

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

પ્રકરણ – ૧૨ – પ્રથમ પ્રયાસ

રાજકરણ થોડી વાર તો મૂંઝાયો. વર્ષોથી ચાલી આવતી વણલખી પરંપરાને તોડવાની આ વાત હતી. અહીં આવ્યા અગાઉ લોકોને તે પોતાની સાથે ગુજરદેશની સ્વતંત્રતાના સંગ્રામમાં કેવી રીતે જોડશે તેની તમામ યોજના એ મનમાં ગોઠવીને આવ્યો હતો. પરંતુ તેની યોજનામાં આ પ્રદેશની સ્ત્રીઓ તો સામેલ હતી જ પરંતુ તેમના પ્રત્યેની મોટાભાગના પુરુષોની અવગણનાની લાગણીને દૂર કેમ કરવી એ સામેલ ન હતું એટલે એ હવે મૂંઝાયો હતો. 

આમ છતાં તેણે વાત તો શરુ કરવાની જ હતી, કારણકે આખું ગામ એની તરફ આંખ માંડીને જોઈ રહ્યું હતું. 

‘મારી એટલી આશા છે કે માતાઓ અને બહેનો જરીક વાર બેસે, પછી જો એમને મારી વાત ન ગમે તો ચોક્કસ અહીંથી જતી રહે.’ રાજકરણે ગામના પુરુષોના વાંધાનો સીધો જવાબ ન આપતા ગોળગોળ શરૂઆત કરી. 

‘પણ એ લોકોને બેસવાની જરૂર જ શું છે, ભાઈલા? જ્યારે એક મરદ બીજા મરદ સાથે વાત કરવાનો હોય તો બૈરાઓ શું કામ અહીંયા હોય જ?’ પેલા વડીલે ફરી પોતાનું ગાણું ગાયું. 

વડીલની વાત સાંભળીને સભામાં બેસેલા અનેક માથાઓ હકારમાં ધૂણ્યા. 

‘બસ થોડીવાર? વડીલ? આ દીકરાની લાગણી સ્વીકારી લો!’ રાજકરણે એ વડીલ સામે પોતાના હાથ જોડ્યા.

‘ઠીક છે, પણ કઉં છું? વધુ વખત બેસવાની જરૂર નથી, આને પુરતું માન અપાઈ જાય એટલે ઘેરભેગા થઇ જજો.’ પેલા વડીલે એની પત્નીને ઉદ્દેશીને કહ્યું. 

રાજકરણે રાહતનો શ્વાસ ખેંચ્યો. 

 

‘ચાલો, હવે વાત શરુ કરો એટલે પછી કામે વળગીએ.’ એક ઉતાવળિયો યુવાન બોલી પડ્યો. 

રાજકરણે ફરીથી એક નજર આખી સભા ઉપર ફેરવી દીધી. એણે જોયું કે સભાના મોટાભાગના લોકોની આંખોમાં કુતુહલ હતું કે પોતે તેમને શું વાત કરવાનો છે, પરંતુ અમુક લોકોના ચહેરાને આ બધી વાત કરતા ખેતરે પાછા જઈને કામ શરુ કરવાની ઉતાવળ પણ હતી. 

‘મિત્રો, માતાઓ બહેનો અને વડીલો. હું જે વાત કરવા જઈ રહ્યો છું એ ખૂબ મહત્વની છે એટલે ધ્યાનથી સાંભળશો એવી મને આશા છે. મારી વાત સાંભળ્યા પછી તમારો જે કોઈ પણ નિર્ણય હશે એ મારા આવનારા ભવિષ્યનો પણ નિર્ણય કરશે એ પણ ધ્યાનમાં રાખજો. વાત છે આપણી સ્વતંત્રતાની. આપણા ગુજરદેશને વિદેશીઓની પકડમાંથી છોડાવવાની.’

રાજકરણના પહેલા જ વાક્યે સભામાં ચણભણ શરુ કરી દીધી. લોકોનું ધ્યાન રાજકરણ પરથી હટીને એકબીજા ઉપર ચાલી ગયું. 

‘તારું ફરી ગયું છે દીકરા? સ્વતંત્રતા? આપણે ક્યાં ગુલામ છીએ?’ પેલા વડીલે જોરથી કહ્યું.

‘આપણા પર રાજ કરે છે એ લોકો શું આપણા છે?’ રાજકરણે વડીલ સામે પ્રશ્ન કર્યો. 

‘લે! આ વળી નવું આયું. કરસનરાય, પરસાંત રાય અને હવે વિસદેવ રાય આ બધા અહીંયાના જ તો છે?’

‘કાકા, શું આ બધા દોઢસો વર્ષ પહેલા પણ હતા? શું આમની ત્રણ પેઢી અગાઉ ફતેસિંહનો ગઢ આશાવનનો ભાગ હતો?’

‘ના, એટલે...’ વડીલને આ દલીલનો તોડ મળ્યો નહીં. 

‘આપણું આ ફતેસિંહનો ગઢ કે મારું પલ્લડી કે જુહાજીપૂરા આપણા આસપાસના બધા ગામો આજથી દોઢસો વર્ષ પહેલા રાજા કનકમોહનના રાજપુરા શાસન હેઠળ આવતા હતા. અમારું પલ્લડી એની રાજધાની હતી. હા, રાજ એમનું નાનું પણ તમારું ગામ અને બીજા સાત ગામ એના તાબા હેઠળ. વડીલ, તમને કદાચ તમારા દાદાએ કીધું હશે કે એ સમયે ફતેસિંહનો ગઢમાં એમનો સુબો શાસન ચલાવતો હતો.’

વડીલે જવાબમાં હકારમાં ડોકું હલાવ્યું. 

‘તો આપણે હવે આશાવનમાં કેમ આવીએ છીએ?’ એક  યુવાને પ્રશ્ન કર્યો.

‘આશાવન એ સમયે ભીમાદેવા નામના વનવાસીના કબજા હેઠળનું એક નાનકડું ગામ માત્ર હતું. વનવાસીઓ ભલે સંખ્યામાં નાના હતા પરંતુ એમની આક્રમકતા આપણા રાજપુરા જેવા નાનામોટા રાજ્યોને ભય પમાડતી, એટલે કોઈ એમની વાતમાં માથું ન મારતું. આજથી લગભગ સવાસો-દોઢસો વર્ષ પહેલા કૃષ્ણદેવ રાય હલ્લી છેક રાધેટકથી અહીં પોતાનો વિસ્તાર વધારવા આવ્યા હતા જે આ વિષદેવ રાયના દાદા થાય. 

‘એમનું વિશાળ સૈન્ય જોઇને ભીમાદેવાના મંત્રી ચતુરે તેને કૃષ્ણદેવ રાય સાથે સંધિ કરી લેવાની સલાહ આપી. એટલે પછી આશાવન હલ્લીના રાધેટક સામ્રાજ્યનો એક ભાગ બની ગયું. પછી આપણા આ ફતેસિંહનો ગઢ અને પલ્લડી જેવા નાના મોટા ગામો ધરાવતા રાજપુરા શાસને કૃષ્ણદેવરાયની સત્તાને સ્વીકારી લીધી અને અહીંના રાજા પોતે એમના જ રાજ્યમાં સૂબા બની ગયા.

‘અત્યારના આપણા રાજાના મૂળિયાં અહીંના નથી, એ દૂર દક્ષિણ આર્યવર્ષમાં આવેલા રાધેટકમાં આવેલા છે. કૃષ્ણદેવરાયના મનમાં આશાવન અને હિરણમતી એટલા વસી ગયા કે એમણે આશાવનને જ પોતાની રાજધાની બનાવી દીધી. પરંતુ કૃષ્ણદેવરાય અને પ્રશાંતદેવ રાયના રાજમાં એમના પ્રજા પ્રત્યેના પ્રેમ અને વાત્સલ્યને કારણે આપણને ખબર પણ ન પડી કે એ લોકો વિદેશી છે. હવે આ વિષદેવરાય એના નામ પ્રમાણે પોતાની સત્તા દ્વારા વિષ ફેલાવી રહ્યો છે. એમાં એને સાથ આપે છે એનો મંત્રી શ્રીરામૈય્યા.’

‘ચાલો આ તો સમજી ગયા કે રાજા આપણો નથી, પણ... એટલે તારે કરવું શું છે?’ વડીલે પ્રશ્ન પૂછ્યો.

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ધૂળીચંદે જોયું કે સ્ત્રીઓ પણ એટલા જ રસથી રાજકરણ અને અન્યો વચ્ચેની ચર્ચા સાંભળી રહી હતી. પુરુષોના મનમાંથી સ્ત્રીઓને ઘરે મોકલી દેવાની વાત જાણેકે અદ્રશ્ય જ થઇ ગઈ હતી. શરૂઆતની મુશ્કેલી ટળી ગઈ હતી એ જાણીને એ મંદમંદ સ્મિત કરી રહ્યો. 

‘જુઓ કાકા, આ સવાસો-દોઢસો વર્ષમાં આશાવન ઘણું ફેલાઈ ગયું છે. આપણે બધા પણ એના એક હિસ્સા બની ગયા છીએ. પણ મારી વાત તો તેનાથી પણ આગળ છે. કાકા, આપણા દેવો જ્યારે આ પૃથ્વી પર વાસ કરતા ત્યારથી આપણો આ વિસ્તાર એક વિશાળ ગુજરદેશનું કેન્દ્ર હતું. પશ્ચિમમાં મરુદેશ તો દક્ષિણમાં છેક વ્યાપી સુધી, તો બીજી તરફ ચંદ્રનાથના હિલોળા લેતા સમુદ્રથી સમાસ નદી સુધી ગુજરદેશ તરીકે ઓળખાતો. 

‘કૃષ્ણદેવ રાયે એક કામ સરસ કર્યું. નાના નાના રાજ્યો જે સમય જતા છુટા પડી ગયા હતા તેને એક કરીને ફરીથી આખો અને એક ગુજરદેશ બનાવ્યો, ભલે નામ અત્યારે રાધેટક સામ્રાજ્ય હોય, પરંતુ મારી ઈચ્છા એવી છે કે આપણે એ જ જૂના ગુજરદેશની અસ્મિતા ફરીથી સ્થાપિત કરીએ. ગુજરદેશની ભૂમિ તો એક થઇ ગઈ છે પણ આપણે હવે માનસિક અને ભાવનાત્મક રૂપે આશાવન, ફતેસિંહનો ગઢ, પલ્લડી કે જુહાજીપૂરા વગેરેથી ઉપર ઉઠીને એક વિશાળ ગુજરદેશનો ભાગ બનીએ.’

‘તલવાર, રાજકરણ આ બધું તલવાર ઉપાડ્યા વિના શક્ય છે ખરું? વિષદેવ આમ તાસકમાં તને ગુજરદેશ આપી દેશે?’

‘એટલા માટે જ તો અહીં આવ્યો છું કાકા.’

આ સાંભળીને સભામાં સોપો પડી ગયો. આ જીવ લેવા અને જીવ દેવાની વાત હતી. અમુક પળો વીતી ગઈ કોઈ કશું ન બોલ્યું.

‘પારકા રાધેટક સામ્રાજ્યને અનેક વીર આપનાર ફતેસિંહનો ગઢના લોકોને પોતાની સ્વતંત્રતા માટે તલવાર ઉપાડવા માટે વિચાર કરવો પડે?’ રાજકરણે ચારેતરફ નજર કરી અને બધાને આ એક જ પ્રશ્ન પૂછ્યો. 

‘વિચાર તલવાર ઉપાડવાનો નથી દીકરા, વિચાર તેં ઉભી કરેલી અગ્નિમાં વગર વિચારે સમાધી લેવી કે નહીં એ નક્કી કરવાનો છે.’

‘સ્વતંત્રતાની અગ્નિ તો કાકા આહૂતિ માગે જ છે. હું એકલો આ આહૂતિ આપીને શું કરું? એટલે જ મારે તમારા બધાના સહકારની જરૂર છે.’

‘આ સહકાર તો ભારે કહેવાય! વગર લેવા કે દેવા મરી ફીટવાનું?’

‘વિષદેવ અને શ્રીરામૈય્યાના સૈનિકો અગાઉની જેમ વર્ષના નક્કી દિવસને બદલે ગમે ત્યારે આવીને કર માગે છે એની સાથે તમારે કોઈ લેવા દેવા નથી? અરે! રાધેટકની અંદર જ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઈએ ત્યારે એના સીમા પર કેટલા બધા શૂલ્ક આપવા પડે છે?

‘તમે તો વડીલ છો કાકા, તમે જૂનો જમાનો પણ  જોયો છે. શું પ્રશાંતદેવના શાસનમાં દરેક પ્રદેશની સીમા પર ગાડા ઉપર શુલ્ક, મુસાફરોની સંખ્યા ઉપર શૂલ્ક, માલ સમાન ઉપર શુલ્ક, અરે! માલ સમાનની કિંમત શૂલ્ક અધિકારી અડસટ્ટે લગાવીને વસૂલ કરતો? જે આજે કરી રહ્યો છે?

‘એ તો રાજા બદલાય, રાજ બદલાય એટલે નીતિ તો બદલાય વળી. એમાં તું કે હું શું કરીએ? પેલું કહેવાય છે ને કે રાજા, વાજા અને વાંદરા, એમનું કશું નક્કી નહીં.’

‘રાજા ફક્ત રાજ કરવા માટે નથી હોતો કાકા, એને પ્રજાની ચિંતા પણ હોવી જોઈએ. કૃષ્ણદેવરાય કેમ સમગ્ર આર્યવર્ષના અત્યારસુધીના ઇતિહાસના શ્રેષ્ઠ રાજાઓમાંથી એક ગણાય છે? કારણકે એ ફક્ત યુદ્ધ જ નહોતા કરતા, ફક્ત દેશો જ નહોતા જીતતા. કૃષ્ણદેવરાય જીતેલા રાજાઓ પ્રત્યે પણ સન્માન દાખવતા અને જીતેલા દેશોની પ્રજા પર પ્રેમ વરસાવી અને ન્યાયનું શાસન સ્થાપિત કરતા. મેં ગણાવ્યા એ બધા શૂલ્ક શું રાજના અધિકારીઓ કે શ્રીમંતો આપે છે? આ શૂલ્ક તો આપણા જેવા ગરીબ ખેડૂતો, મજૂરો અને દાડો કરીને ઘર ચલાવતા લોકો પર જ લાગુ પડે છે.

‘ચાલો એ જવા દો. તમે મને એમ કહો કાકા આ સ્ત્રીઓને તમે હમણાં ઘરે જવાનું કહ્યું, કારણકે આ પુરુષોની સભા છે એવું તમારા નાનપણમાં થતું ખરું? કૃષ્ણદેવ રાયની મહિલા સેનાની સેનાપતિ ધનલક્ષ્મી દેવી વિષે તો બધા જાણીએ જ છીએને?

ધનલક્ષ્મી દેવીનું નામ આવતા જ ફરીથી સભામાં ચણભણ શરુ થઇ ગઈ. પેલા વડીલનું મોઢું સિવાઈ ગયું. ધૂળીચંદને લાગ્યું કે રાજકરણે કદાચ એક મોટો દાવ રમી લીધો છે. એ પણ ધનલક્ષ્મી દેવી વિષે રાજકરણ શું બોલશે એ સાંભળવા આતુર થઇ ગયો.