Sangharsh - 11 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 11

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 11

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

 

પ્રકરણ – ૧૧ – પ્રથમ ગ્રાસે મક્ષિકા:

જયમંગલસિંહના ઘરે પહોંચ્યા ત્યારે તેની પત્ની રાધાએ જમાઈ માટે બધી વ્યવસ્થા કરી રાખી હતી. આંગણામાં વડ નીચે ઢોલીયો ઢાળી દીધો હતો. એના ઉપર ગાદી, તકિયા અને ચાદર પથરાઈ ગઈ હતી. સામે હુક્કો પ્રગટેલો હતો. 

જેવા રાજકરણ, ધૂળીચંદ અને જયમંગલ આવ્યા અને ઢોલીયા પર બેઠા કે તરત જ રાધા પાણી અને ગોળ લઈને આવી. ત્રણેયે પાણી પીધું અને ગોળ ખાધો. રાધા ઘરના મુખ્ય દરવાજાના ઉંબરે નીચે જ બેસી ગઈ.

આ બધું તો યાંત્રિક રીતે થયું પરંતુ ચિત્રાના ભાગી ગયા બાદ પહેલી વાર આ રીતે ચિત્રાના જ ઘરે આમનેસામને થવાથી કોણ શું બોલે એની કોઈને ખબર ન હતી. જો કે રાજકરણના મનમાં એણે અહીં શું કરવાનું હતું એ સ્પષ્ટ હતું, પરંતુ એ વડીલના કશું કહેવાની રાહ જોઈ રહ્યો હતો. 

ઘણી પળ એમનેમ મૂંગી મૂંગી વીતી ગઈ પરંતુ આંગણામાં બેઠેલા ચારેય જણાએ એકબીજા સામે જોયું પણ નથી. છેવટે જયમંગલની ધીરજ ખૂટી...

‘જમાઈરાજ, મારી દીકરી આવી ન હતી. હા, એનામાં થોડું તોફાન હતું, નાનપણમાં એ વડના વાંદરા ઉતારી લાવતી પણ આમ કોઈ સાથે...’ જયમંગલની આંખોના બંને ખૂણા ભીના થઇ ગયા.

‘બાપુ, મારા માટે હવે એ બધું ઈતિહાસ થઇ ગયું છે આથી તમારે કોઇપણ ચોખવટ કરવાની જરૂર નથી. મારું લક્ષ્ય હવે મારાથી, મારા પરિવારથી, મારા મિત્રોથી, મારા ગામથી કે મારા ભૂતકાળથી ઘણું મોટું બની ગયું છે.’ રાજકરણે જયમંગલે જોડેલા બંને હાથ પકડી લીધા. 

‘હા, પણ હું તો દીકરીનો બાપ, તમે આ બધું થયા પછી પણ મન મોટું રાખીને આવ્યા એટલે મારે મારો પક્ષ...’

‘પક્ષ હવે આપણા બધાનો એક જ છે બાપુ. ગુજરદેશને આ વિદેશી રાજાથી મુક્ત કરવો અને સ્વતંત્રતાની હવામાં શ્વાસ લેવો.’

‘વિદેશી રાજા? પણ આ વંશ તો આપણા પર ત્રણ પેઢીથી રાજ કરે છે.’

‘બસ! ત્રણ જ પેઢી બાપુ? તમે જે હમણાં કહ્યું એના પર જ ધ્યાનથી વિચાર કરોને, તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે.’ 

અભણ જયમંગલ રાજકરણના કહેવાનો મર્મ સમજી ન શક્યો એટલે બઘવાઈને રાજકરણ સામે જોઈ રહ્યો. રાધાને તો આ બાબતે કોઈજ ખબર ન પડી, એ તો એની દીકરીના છોડવા છતાં પોતાના જમાઈરાજાના મનમાં એમનાં વિષે કોઈજ ઝેર નથી એ જાણીને મનમાં સંતોષ પામી રહી હતી. 

જયમંગલ પોતાનો મુદ્દો નથી સમજ્યો તે એના ચહેરા પર સ્પષ્ટ વંચાતું હતું. પરંતુ આ વાત એ બપોરના ભોજ સમયે અન્ય ગ્રામવાસીઓને કરે ત્યારે જ જયમંગલને એની ખબર પડે એવું એ ઈચ્છતો હતો. આ પાછળનું કારણ એ હતું કે જો તે અત્યારે સ્વતંત્રતાની વાત કે તેની આવનારી લડાઈની વાત પોતાના સસરાને કહી દે તો એ કદાચ ભય પામે અને પોતે જ આ યોજનામાંથી દૂર થઇ જાય તો અન્ય ગ્રામવાસીઓ પણ તેને સાથ ન આપે. 

જયમંગલસિંહ ફત્તેસિંહનો ગઢ ગામનો નાયક હતો, આથી એનો નિર્ણય સ્વાભાવિકપણે અન્ય ગ્રામવાસીઓ માથે ચડાવે. રાજકરણ આ હકીકત જાણતો હોવાથી મૂંગો જ રહ્યો. બે પળ ફરીથી શાંત વીતી ગઈ જયમંગલને પોતાની ગૂંચવણનો ઉકેલ જોઈતો હતો પરંતુ તે જમાઈરાજાને ફરીથી પૂછી ન શકે એવા સંસ્કાર એને મળ્યા હતા એટલે એ રાહ જોતો રહ્યો. 

છેવટે શાંતિનું વાતાવરણ લાંબુ ચાલ્યું એટલે જયમંગલે એની એ જ વાત આદરી...

‘મેં એને એવા સંસ્કાર નહોતા આપ્યા. મને હજીય ખાતરી છે કે એ એના મન વિના ગઈ છે. એને ઓલાએ ઉપાડી લીધી હશે. જો એમ ન હોત તો એક વખત તો મને મળવા એ અહીં આવત? અરે! સેનાપતિની પત્ની તરીકે એનો અહીં આવવાથી માનમરતબો ન જળવાતો હોય તો મને તો બોલાવી શકતને? હું ત્યાં જાત, એને સમજાવત કે આપણા જમાઈરાજા ભગવાનના માણસ છે, એને આમ હેરાન કરીને તને શું મળ્યું? પણ ના! ન તો એને અહીં આવવું છે કે ન તો અમને ત્યાં બોલાવવા છે.’

‘બાપુ... હશે. હશે એની કોઈ લાચારી. મેં તો ચિત્રાને માફ પણ કરી દીધી છે અને સાચું કહું તો એને ભૂલી પણ ગયો છું.’ રાજકરણને આ વાતમાં જરાપણ રસ ન હતો એટલે એ વાત ટાળવા માંગતો હતો.

‘તમે ભૂલી શકો જમાઈરાજા, અમે માવતર રહ્યા, અમે અમારી દીકરીએ તમને આપેલો છેહ કેમથી ભૂલી શકીએ? અમારે તો બાકીની જિંદગી એ પથ્થર અહીં મૂકીને જ જીવવાનીને?’ જયમંગલે છાતીએ હાથ મૂકતાં કહ્યું.

‘તમારી છાતી પર પડેલો એ પથ્થર હમણાં કરણ દૂર કરી દેશે બાપુ. જરીક બપોર થાવા દ્યો, લોકોને જમવા દ્યો. લ્યો આ રસોઈયા મહારાજ આવતા લાગે છે.’ ધૂળીચંદ દૂરથી આવી રહેલા એક બળદગાડા તરફ ઈશારો કરીને બોલ્યો. 

સૌ એ તરફ જોઈ રહ્યા. એક મોટા બળદગાડા ઉપર રાંધવાના અઢળક વાસણો, વસ્તુઓ, શાકભાજી અને બે-ત્રણ માણસો દેખાતા હતા. આ ગાડાને એક જાડો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. થોડીવારમાં ગાડું જયમંગલના આંગણે આવીને ઉભી રહ્યું. 

‘રામરામ બાપુ, રામરામ જમાઈરાજા!’ રસોઈયો ગુલાબચંદ ગાડા પરથી ઉતરીને તરત આ બંને તરફ આવ્યો અને પોતાના બંને હાથ જોડીને બોલ્યો. 

‘રામરામ મહારાજ! તમારે શું રાંધવાનું છે એ આ ધૂળીચંદ તમને સમજાવી દેશે. ધૂળીચંદ...’ રાજકરણે ધૂળીચંદ તરફ ઈશારો કરીને ગુલાબચંદને કહ્યું. 

ધૂળીચંદ ગુલાબચંદને થોડે દૂર લઇ ગયો. 

‘મહારાજ, ગરમાગરમ દાળ, ભાત, શાક, અને લાડુ બનાવી નાખો. બપોરના પહોરે આપણે ત્યાં ગ્રામભોજન છે. આટલી જ બીજી ભોજ પત્યા પછી આપીશ, કોઈ કચાશ નહીં રહેવી જોઈએ.’ ધૂળીચંદે અમુક સોનામહોરો ગુલાબચંદના હાથમાં પકડાવતા કહ્યું. 

‘જરાય નહીં સેઠ. એટલે તો ત્રણ માણસો ભેગા લાવ્યો છું. દરેક પોતપોતાનું અલગ કામ કરશે. હું શું કઉ? જોડે થોડાક ગાઠીયા રાખીએ તો?’ ગુલાબચંદ સોનામહોરો ગણતા બોલ્યો, એની આંખમાં ચમક હતી. 

‘એમાં, ઝાઝો સમય તો વ્યર્થ નહીં થાય ને?’ 

‘જરાય નહીં સેઠ. હું પહેલા ભાત રાંધી નાખીશ અને પછી જેવો જમવાનો પો’ થાશે એટલે ગરમાગરમ ગાંઠીયા વણવા માંડીશ. હેયને લોકોને આનંદ આનંદ થઇ જશે.’ ગુલાબચંદના ચહેરા પર આત્મવિશ્વાસ હતો. 

‘તો થાવા દો, બીજું શું!’ ધૂળીચંદે હસીને કહ્યું. 

ગુલાબચંદ રાજી થતો થતો અને ફરીથી સોનામહોરો ગણતો ગણતો ગાડા તરફ ચાલવા લાગ્યો. એ ગાડા સુધી પહોંચ્યો ત્યાં તેના માણસોએ બધો સમાન ગાડા પરથી ઉતારી નાખ્યો હતો. 

આ તરફ રાજકરણ, ધૂળીચંદ, જયમંગલ અને રાધા ઘરનું ચોગાન સાફ કરવા માંડ્યા. ત્યારબાદ ગામના અમુક જુવાનો જયમંગલની સૂચના અનુસાર પાથરણાનો ઢગલો લઇ આવ્યા અને એ લોકો આ બધા સાથે મળીને પંગત પાડતા પાથરણા પાથરવા લાગ્યા. થોડીવારમાં તો બધું એકદમ તૈયાર થઇ ગયું. 

હજી આ બધું પત્યું જ હતું ત્યાં તમામના નાકમાં દાળ અને મોહનથાળની સુગંધ આવવા લાગી. દરેકના ચહેરા ઉપર સ્વાદિષ્ટ ભોજન જમવા મળશે એવી ઉત્કંઠા આવેલી જોઇને રાજકરણ અને ધૂળીચંદ એકબીજા સામે જોઇને સંતોષનું સ્મિત કરવા લાગ્યા. 

હજી થોડી પળ વીતી ને ગ્રામજનો એ તરફ આવવા લાગ્યા. શું શ્રીમંત, શું મધ્યમવર્ગીય, શું ગરીબ. ધંધો કરતા કે કોઈને ત્યાં કામ કરતા બધા પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધું મળીને લગભગ ચારસો-સાડા ચારસો લોકો આવી પહોંચ્યા. જયમંગલનું ઘર અને એનું ચોગાન આમ પણ વિશાળ એટલે આટલા લોકોને સમાવવામાં કોઈ વાંધો ન આવ્યો. 

વળી, પુરુષો પહેલી પંગતમાં બેઠા જ્યારે સ્ત્રીઓ અને બાળકો બીજી, એટલે બધું વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું. ગુલાબચંદ રસોઈયાની રસોઈમાં આમ પણ કશું કહેવા જેવું ન હતું. એ ફક્ત ફતેસિંહનો ગઢ જ નહીં પરંતુ આસપાસના દસ ગામમાં પોતાની રસોઈ માટે પ્રખ્યાત હતો.  રાજકરણને એની જાણ હતી અને એટલે જ એણે એનું નામ લીધા વગર સવારે ગામના ‘શ્રેષ્ઠ રસોઈયાને બોલાવવાનું’ કહેણ નાખ્યું હતું.

ગ્રામવાસીઓ એ રસોઈને ચટકા લઈને જમી રહ્યા હતા. ગુલાબચંદની સ્વાદિષ્ટ દાળના સબડકા લાંબા સમય સુધી અહીં સંભળાતા રહ્યા. રાજકરણ, ધૂળીચંદ અને જયમંગલ પુરુષોની પંગતમાં જ્યારે રાધા સ્ત્રીઓ અને બાળકોની પંગતમાં જમવા બેઠા. 

થોડા સમય બાદ આ મહાભોજ પૂર્ણ થયું. ગામના જુવાનોએ સાફસૂફીની જવાબદારી ઉપાડી લીધી. થોડીવારમાં એ પણ પતી ગયું. બધા જ ઘરની બહાર આવેલા વડ નીચે જે ઢોલીયા ઉપર રાજકરણ અને જયમંગલ બેઠા હતા એની સામે બેસવા લાગ્યા. ધૂળીચંદ ઢોલીયા પાછળ ઉભો રહ્યો. 

‘બોલો જમાઈરાજા, શું કે’તાતા?’ ગામના એક વડીલ બોલ્યા.

‘ઉભા રહો કાકા, બૈરાઓને તો ઘેર જવા દો?’ એક યુવાન અચાનક વડીલની વાત કાપતા બોલ્યો.

‘હા, એ બરાબર. કહું છું, તમે લોકો નીકળો ઘરે.’ વડીલે પોતાની પત્નીને ઉદ્દેશીને કહ્યું.

‘ના, મારે એમની હાજરીમાં આ વાત કરવી છે.’ રાજકરણે સ્ત્રીઓ તરફ હાથ ઉંચો કરીને તેમને રોકાઈ જવાનો ઈશારો કર્યો. 

‘લે, ભાયડાઓની વાતમાં બાયડીઓનું શું કામ?’ પેલો યુવાન બોલ્યો. 

‘આ વાતમાં એમનું મહત્વનું કામ છે, જુવાન!’ રાજકરણે એની સામે સ્મિત કરતા કહ્યું.

‘એ નહીં બને. એ આપણી પરંપરાની વિરુધ છે.’ 

‘વાત, તો એની સાચી છે જમાઈરાજા. આપણા કામમાં બૈરાઓ હું કરશે?’ વડીલે જુવાનના સૂરમાં સૂર પુરાવ્યો.

પ્રથમ ગ્રાસે મક્ષિકા: રાજકરણ અને ધૂળીચંદ એકબીજા સામે જોઈ રહ્યા.