Sangharsh - 9 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 9

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 9

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

 

પ્રકરણ – ૯ ધૂળીચંદનું રહસ્ય

 

‘અમે મૂળ અહીંયાના નહીં. ના ના...’ ધૂળીચંદે વાત આગળ વધારી.

રાજકરણને આ આખી વાત સાંભળવી હતી એટલે એણે પોતાના કાન સરવા કર્યા.

‘મારું મૂળ વતન રાજથાણાના રણપ્રદેશની એકદમ વચ્ચે આવેલું ગામ સીસોમેર. અમે ભલે સાવ સુખી ભઠ્ઠ જમીન પર જન્મ્યા, પણ અમારી અકલ બહુ ફળદ્રૂપ. છેલ્લી સાત-આઠ પેઢીથી જ વેપાર-ધંધામાં કુશળ અને આખા રાજથાણામાં અમારા દાગીના ખૂબ વખણાય. મારા વડવા જાતેપોતે ઘરેણા બનાવે પછી આખા આર્યવર્ષમાં વેચવા નીકળે. 

‘રાજથાણાની બહાર એક જ નિયમ રાજા-મહારાજા અને શ્રીમંતોને જ દાગીના વેચવાના એટલે દામ પણ ઊંચા મળે અને બીજા રાજાઓ અને શ્રેષ્ઠીઓના સંપર્ક પણ થાય. એક બીજો નિયમ અમારા વડવાઓએ બનાવેલો. દાગીનાના બદલામાં દ્રમ્મ ઓછા લેવાના અને બાકીનું મૂલ્ય જે-તે રાજ્યના રાજા કે શ્રેષ્ઠીને માલ વેચ્યો હોય તેમની બહુમૂલ્ય જમીન લખાવી લઈને લેવું.’

‘આ ન સમજાયું! તમે રાજા-મહારાજાઓ અને શ્રીમંતોને ઘરેણા વેચતા તો પછી એના બરાબર મૂલ્ય લઈને છૂટા થઇ જવાયને? જમીન સાથે ક્યાં બંધાવું, એ પણ આટલે દૂર?’ રાજકરણને આશ્ચર્ય થયું.

‘મેં કીધું ને કે અમારી અકલ ખૂબ ફળદ્રૂપ. તું જ હમણાં બોલ્યોને કે બરાબર મૂલ્ય લઇ લેવું? લઇ તો લે પણ પછી મૂલ્ય લઈને સુરક્ષિત ગામ પાછું કેમનું આવવું? રસ્તામાં ચોર-લુંટારા, ઠગ કેટલા મળે? જાય તો સઘળું જાય ને? એટલે ખપ પૂરતા, ઘર આરામથી ચાલે એટલા જ દ્રમ્મ, કે રત્નો લેવાના અને બાકીના મૂલ્યની જમીન અંકે કરી લેવાની. જ્યારે વધારે માલની જરૂર પડે કે ઘરમાં લગન હોય ત્યારે એકાદી જમીન વેચી દઈને ખર્ચો કાઢી નાખવાનો!’ ધૂળીચંદના ચહેરા પર એના વડવાઓની હોશિયારીનું સ્મિત હતું.

‘જો આટલી બધી જાહોજલાલી હતી તો પછી એ બધું મૂકીને આ ગુજરદેશમાં કેમ આવવું પડ્યું તારા દાદાને?’

‘એ જ તો વાત કરવાની છે તને કરણ. મારા દાદા જ્યારે જુવાન હતા ત્યારે રાજથાણા પર આના બાપદાદા કૃષ્ણદેવ આવી ચડ્યા ને કટ્ટપથીને ત્યાંનો દંડનાયક બનાવ્યો. શરૂઆતમાં તો કટ્ટપથીનો વ્યવહાર રાજના સહુથી શ્રીમંત વ્યક્તિ સાથે સારો રહ્યો, પણ પછી એની નજર અમારી જમીનો ઉપર પડી. કૃષ્ણદેવ તો હતા જ દયાળુ અને એમને માનવતા પર વધુ વિશ્વાસ એટલે જ્યાં જ્યાં અમારી જમીન એમણે જીતેલા રાજાઓએ આપી હતી એને એમણે યથાસ્થિતિ જાળવી રાખવાનું ફરમાન કરી દીધું, પણ કટ્ટપથીને એમાંથી ભાગ જોતો હતો.’

‘પછી?’

‘પછી મારા દાદાએ એને માટે સામ,દામ,દંડ ભેદની નીતિ અપનાવી પણ બધી નિષ્ફળ ગઈ. રોજ રાતે શરાબ પી ને કટ્ટપથી દાદાને પોતાના મહેલમાં બોલાવે અને નીતનવી માંગણીઓ કરે. દાદાએ બનતો પ્રયાસ કર્યો પણ કોઈ ફાયદો નહીં. પણ એક દિવસ એણે મારી ફઇનો હાથ માંગ્યો ને દાદાની છટકી! એમણે બધા જ રત્નો, હીરા-જવેરાત, માણેક અને બધી જમીનના કાગળિયાં ભેગા કર્યા અને રાતોરાત કટ્ટપથીના સેનાપતિને છેક પૂર્વના અરણદેશની જમીન એના નામે કરી અને એની મદદથી જ રાજથાણા છોડીને ભાગ્યા.’

‘તો અહીં જ કેમ?’

‘રસ્તામાં એમણે નક્કી કરી લીધું કે કૃષ્ણદેવનું રાજ તો નથી જ છોડવું, પણ રાજા કૃષ્ણદેવના કાને વાત જરૂર નાખવી. એટલે એ આશાવન આવ્યા. કમનસીબે દાદા જે દિવસે આશાવન પહોંચ્યા એ જ રાત્રે રાજા કૃષ્ણદેવ બીજે લોક સિધાવી ગયા. દાદાને નસીબ હજી કામ નથી કરતું એવું લાગ્યું. એટલે આશાવન નજીક આ પલ્લડી ગામ પર કળશ ઢોળ્યો. સાત પેઢીનાં ઘરેણાના કારોબારને તે જ દિવસે વિદાય આપી દીધી.’ ધૂળીચંદ શ્વાસ લેવા રોકાયો.

‘કેમ? અહીં એ ધંધો શરુ કરવામાં શો વાંધો હતો? આખરે એક વિશિષ્ટ કળા એમની પાસે હતી!’

‘દાદાને એમ લાગ્યું કે એમનાં ઘરેણાના ધંધાને જ કોઈની નજર લાગી ગઈ હતી. એથી, હવે એ ધંધો જો અહીં પણ શરુ કરશે તો એ સફળ નહીં જ થાય. આ માનવાના એમની પાસે બે કારણો હતા. બધું સરખું ચાલતું હતું એવામાં રાજથાણાનું કૃષ્ણદેવના હાથે પડવું, કટ્ટપથીનું દંડનાયક બનવું એ પહેલું. બીજું કટ્ટપથીની ફરિયાદ લઈને હજી આશાવન પહોંચ્યા ને ત્યાં જ કૃષ્ણદેવનું સીધાવું. આ બે ઘટના એવી બની કે દાદાને થયું કે જો કમનસીબને બીજું આમંત્રણ ન આપવું હોય તો મૂળ ધંધો બદલવો જ રહ્યો.

‘આટલું જ નહીં, જોડે અઢળક ધનસંપત્તિ અને આખા આર્યવર્ષમાં ફેલાયેલી કરોડો દ્રમ્મના મૂલ્યની જમીન હોવા છતાં દાદાએ નિર્ણય લીધો કે હવે સાવ સામાન્ય લોકોની જેમ જીવવું અને માંડમાંડ ગુજરાન ચાલતું હોય એવો દેખાડો કરવો. તો જ, કમનસીબી પીછો છોડશે. એટલે દાદાએ બધી જ અણમોલ વસ્તુઓ, ઘરેણાઓ અને જમીનના કરારો મારા ઘરમાં એક સુરક્ષિત જગ્યાએ છુપાવી દીધા. મારા બાપાને એમણે કડક સૂચના આપી અને મારા બાપાએ એ સૂચના મને પધરાવી.’

‘કઈ સૂચના?’ 

‘આમ તો એ સૂચના નહીં પણ મારી દ્રષ્ટિએ તો એ મારા દાદાનો આદેશ હતો અને એ પણ એકદમ સમજદારીથી ભરેલો આદેશ. જે રીતે મારા દાદાને રાતોરાત ભાગવું પડ્યું હતું એક અન્યાયી અને ક્રૂર શાસકને લીધે એમણે મારા બાપાને કીધું કે, જો તું મારું સાચું રતન હોય તો આ ખજાનાને ત્યાં સુધી હાથ ન લગાડતો જ્યાં સુધી ગુજરદેશને સ્વતંત્ર કરનારો, એને સાચવવાની ચિંતા કરનારો, પ્રજા વિષે વિચારનારો શાસક તને ન દેખાય. અને જે દી’ તને વિશ્વાસ થાય તે દી’ આ સઘળું એને સોંપી દેવું! આપણે રાજ કરવા નથ જન્મ્યા, એ કોઈક બીજું કરશે, આપણે ધંધાધાપામાં ધ્યાન આપવું. ધન તો કાલે પાછું આવશે, પણ રાષ્ટ્રની ગુમાવેલી સ્વતંત્રતા તરત પાછી આવવી જોઈએ. મારા બાપાએ આ શબ્દેશબ્દ મને કીધો. એમણે મારા દાદાનો શબ્દેશબ્દ પાળ્યો અને આજ લગી હું મારા બાપાનો શબ્દ પાળી રહ્યો છું.’

‘એટલે તું એમ કહેવા માંગે છે કે તારી પાસે લાખોના મૂલ્યના ઘરેણા છે, કરોડો દ્રમ્મના મૂલ્યવાન રત્નો છે, અને એનાથી પણ વધુ મૂલ્યવાન જમીનો સમગ્ર આર્યવર્ષમાં પથરાયેલી છે?’ રાજકરણને પોતે જે અત્યારસુધી સાંભળ્યું તેના પર વિશ્વાસ ન પડ્યો.

‘હું ફક્ત કહી નથી રહ્યો મિત્ર, હું જાણું છું કે મારી પાસે એ બધું છે!’

‘તો...’

‘તો, મેં અત્યાર સુધી તારાથી, મારા શ્રેષ્ઠ મિત્રથી આ સત્ય કેમ છુપાવ્યું, બરાબરને?’

‘ના, મારે એ પૂછવું છે કે ભલે તારા દાદા અને પિતાજીના શબ્દોનું મહત્વ હોય, પણ તે તારી જાતને આ સંપત્તિના આકર્ષણથી બચાવી શી રીતે?’

‘એ જ ને ભાઈ! જ્યારે મનમાં દેશની ખરાબ સ્થિતિ વિષે પીડા હોય ને? ત્યારે ધનસંપત્તિ કરતાં દેશની સુરક્ષા માટે આપેલા વચનના બોલ વધુ આકર્ષે. છેલ્લા અમુક દિવસોની તારી દોડાદોડીથી અને જે રીતે તે આશાવનને સ્વતંત્ર કરવાનો પડકાર ઝીલ્યો છે એ જોઇને મને લાગ્યું કે મારા દાદાએ જે માટે એ ધનસંપત્તિ ભેગી કરી છે, એને યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે યોગ્ય હેતુ માટે ખર્ચ કરવાનો સમય આવી ગયો છે.’ 

‘તું મને એટલો બધો યોગ્ય માને છે ધૂળિયા?’

‘જો બાળપણથી આપણે જોડે છીએ. તારી રગરગ જાણું છું કરણ. કદાચ મારા ઉપર વિશ્વાસ નથી એટલો વિશ્વાસ મને તારા ઉપર છે. અને હું તો વીર ભગવાનને રોજ પ્રાર્થના પણ કરતો કે મારા દાદા અને મારા બાપા જેટલો બદનસીબ મને ન બનાવતા, મને મારા જીવનમાં આ સંપત્તિ યોગ્ય હાથમાં સોંપવાનું સદ્ભાગ્ય જરૂર આપજો.’

રાજકરણની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. ધૂળીચંદને એ મિત્ર નહીં ભાઈ માનતો હતો પણ એ આટલું ગહન વિચારતો હતો અને જીવન પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે આટલો ગંભીર હતો તેના વિષે તેને આજે ખબર પડી. 

‘મારી આવી ગરીબડી સ્થિતિ જોઇને વિશ્વાસ નથી થતો ને?’ ધૂળીચંદ એના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી રહેલા મિત્રને જોઇને જરા હસીને બોલ્યો.

‘ના એવું ક્યારેય બન્યું છે?’ 

‘તોય, આ રહ્યું મારું ઘર, ચાલ તને સ્વતંત્ર આશાવનનું ઝળહળતું ભવિષ્ય દેખાડું.’

આટલું કહીને ધૂળીચંદ એના ઘોડા ઉપર બેઠો, રાજકરણ પણ એના ઘોડા ઉપર સવાર થયો. બંને જણા ગામના પાદરથી જ દેખાતા સાવ સામાન્ય કહી શકાય એવા અને ગામના અન્ય ઘરોથી સાવ દૂર એવા ધૂળીચંદના ઘર તરફ ગયા. 

ધૂળીચંદના ઘરમાં એ એકલો જ રહેતો. પોતાની સંપત્તિ વિષે પત્ની રતન જાણી ન જાય એટલે એને રાજથાણામાં આવેલા રાજયપૂરમાં આવેલા એના પિયરમાં જ રાખી હતી. મહીને બે-મહીને ધૂળીચંદ એને મળી આવતો. આ મેળમિલાપને લીધે ધૂળીચંદને બે સંતાન એક પુત્ર અને એક પુત્રી હતા. મા-બાપ સાથે રહેવાનું મળતાં રતન પણ ખુશ રહેતી. બાકી, માતા-પિતા તો એને કિશોરાવસ્થામાં જ છોડીને જતા રહ્યા હતા.

ધૂળીચંદ ગોળ પણ અહીં જ એના ઘરમાં બનાવતો. એ અને રાજકરણ ગોળ બનવાની જગ્યાએ પહોંચ્યા. ધૂળીચંદે શેરડીનો રસ કાઢવાના લાકડાના સંચાને ઉંધો ફેરવ્યો અને રસ જ્યાં ગરમ કરવામાં આવતો એ ખાડો અચાનક ખસવા લાગ્યો. રાજકરણ આશ્ચર્યચકિત થઈને આ દ્રશ્ય જોવા લાગ્યો. 

થોડી જ પળ વીતી અને એ આખો ખાડો એની જગ્યાએથી ખસી ગયો અને નીચે અનેક હીરા, જવેરાત, માણેક વગેરે સૂર્યના સીધા પ્રકાશમાં ચમકવા લાગ્યા. આ તમામની વચ્ચે એક લોખંડની મોટી પેટી હતી.

રાજકરણ આ બધું છક્ક થઈને જોઈ રહ્યો.

‘પેલી પેટીમાં બધી જ જમીનોના હકદાવાના કાગળિયાં છે.’ ધૂળીચંદે રાજકરણ સામે સ્મિત કરતાં જોયું.

રાજકરણની સ્થિતિ એક શબ્દ પણ બોલી શકે એવી ન હતી. એ ભીની આંખે આશાવનને સ્વતંત્ર કરવાના પોતાના સપનાને સાકાર થતું જોઈ રહ્યો અને બે-પળ વધુ વિચાર કર્યા વગર જ મિત્ર ધૂળીચંદને ભેટી પડ્યો!