Sangharsh - 10 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 10

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

 

પ્રકરણ – ૧૦ ફત્તેસિહનો ગઢ

 

રાજકરણ અને ધૂળીચંદ આંખમાં સ્વતંત્રતાનું સપનું લઈને એમનાં સહુથી પહેલા ગંતવ્ય એવા ફત્તેસિંહનો ગઢ ગામ તરફ પોતપોતાના ઘોડા હંકારી ગયા. 

ફત્તેસિંહનો ગઢ પલ્લડી કરતાં તો ક્યાંય નાનું ગામ. વસ્તી પણ પલ્લડી કરતા પાંચમાં ભાગની, પરંતુ ફત્તેસિંહનો ગઢ એના વીર પુરુષો માટે વધુ જાણીતો હતો. ગામમાં આમતો માંડ પાંચસો ઘર હતા પણ દરેક ઘરનો રાજના સૈન્યમાં એક પુત્ર તો હોય જ એવો એનો ઈતિહાસ હતો. ઘરમાં જો એક માત્ર પુત્ર હોય તો પણ તે રાજના સૈન્યમાં જ જોડાતો. ફત્તેસિંહનો ગઢ પોતાના ઇતિહાસમાં અસંખ્ય વિરલાઓને સમાવીને બેઠો હતો. 

પોતાની સ્વતંત્રતાની લડાઈમાં સૈનિકોને જોડવા માટે શરુ કરેલા પોતાના અભિયાનમાં રાજકરણે પહેલી પસંદગી આ ગામ પર ઉતારી એની પાછળ એનો ઈરાદો આ ભૂમિની વિરાટ વીરતા જ હતી. એને વિશ્વાસ હતો કે પાંચસો કુટુંબના ગામમાંથી એને નહીં નહીં તો સો એવા વીર તો મળી જ જશે જે ગુજરદેશને સ્વતંત્ર જોવા માટે તલપાપડ થઇ રહ્યા હશે પરંતુ યોગ્ય પ્રોત્સાહનના અભાવે પોતાના મનની મનમાં રાખીને બેસી રહ્યા હશે.

પરંતુ આ કાર્ય રાજકરણ માટે પાર પાડવું એટલું સહેલું ન હતું, કારણકે ફત્તેસિંહનો ગઢ એ રાજકરણનું સાસરું હતું. અહીંની સીમમાં જ એણે ચિત્રાને સાવ નાની ઉંમરે જોઈ હતી અને એના પ્રેમમાં પડી ગયો હતો. બંનેના લગ્ન સરળતાથી થઇ ગયા હતા અને એ પણ બંને તરફના વડીલોના આશીર્વાદથી. પરંતુ પછી ચિત્રા સેનાપતિ સાથે ભાગી ગઈ અને રાજકરણનું જીવન વેરવિખેર થઇ ગયું. આ પાછળ આ ગામના લોકો પોતાને જવાબદાર ગણતા હતા. ખાસ કરીને ચિત્રાના પિતા, જયમંગલસિંહ. 

ચિત્રા સેનાપતિ સાથે ભાગી ગઈ તેના બીજા દિવસે એ રાજકરણના ઘરે આવ્યા હતા. તે દિવસ અને આજનો દિવસ તે ફરીને રાજકરણને દેખાયા ન હતા. રાજકરણને પણ તેની પાછળનું કારણ ખબર હતી. તેને ખબર હતી કે તેના સસરા શરમના માર્યા એને મોઢું નથી દેખાડી રહ્યા. પરંતુ હવે રાજકરણ માટે ચિત્રા કે તેનું ભાગી જવું એ કોઈ કારણ ન હતું. તેનું બીજું કારણ હવે મોટું થઇ ગયું હતું, એટલું વિશાળ કે તેમાં અન્ય તમામ કારણો સમાઈ જતા હતા. 

આ વિશાળ કારણ હતું ગુજરદેશની સ્વતંત્રતા!

ગામના પાદરે પહોંચતા જ રાજકરણ અને ધૂળીચંદના ઘોડા ઉભા રહ્યા. પાદરે પાણીની પરબ હતી ત્યાં બંનેએ ઘોડા નીચે ઉતરીને પાણી પીધું અને થોડી વાર ગામના દરવાજા તરફ જોઇને ઉભા રહ્યા કે કોઈ હલનચલન છે કે નહીં.

‘લાગે છે આપણે થોડા વહેલા આવી ગયા.’ ધૂળીચંદે ગામ સામે જોઇને કહ્યું.

‘હમમ.. મનેય હવે તો લાગે છે. તારા ઘરનો ખજાનો જોવામાં જે સમય ગયો એ પછી લાગતું હતું કે કદાચ આપણે અહીં પહોંચીશું ત્યારે ઘરના પુરુષો કાં તો ખેતરે જવા તૈયાર થતા હશે કે ખેતરે જતા રહ્યા હશે.’

‘પલ્લડી અને આ ગામ વચ્ચે અંતર જ કેટલું? ઘોડાને હજી ખબર પડે કે એમણે દોડવાનું શરુ કર્યું છે ત્યાં તો અહીંયા પહોંચી જઈએ.’

‘હમમ... એ પણ સાચું. કદાચ ખેડૂતો ખેતરે વહેલી સવારે પણ પહોંચી ગયા હોય! ચાલ હવે રાહ નથી જોવી, આપણે અંદર જઈએ.’

‘રાજ, વાંધો તો નહીં આવે ને?’

‘શેનો વાંધો?’

ધૂળીચંદે આગળ કશું કહ્યું નહીં. એનો ઈશારો ચિત્રાના સસરા અને એના સાસરાના ગામ અંગે હતો. રાજકરણ સમજી ગયો.

‘દેશ કરતા મોટું બીજું કોઈ ખરું ધૂળિયા?’

ધૂળીચંદ સમજી ગયો, એણે સ્મિત સાથે ડોકું નકારમાં ધુણાવ્યું અને બંને પોતપોતાના ઘોડાઓની લગામ પકડીને ગામ તરફ ચાલવા લાગ્યા.

ફત્તેસિંહનો ગઢ ખરેખર એક નાનકડા ગઢથી ઘેરાયેલો હતો. વર્ષો અગાઉ અહીં ફત્તેસિંહ રાજ કરતો હતો. આશાવનના વનવાસીઓ સાથે આ વિસ્તારમાં જો કોઈએ મિત્રતાભર્યો સંબંધ જાળવ્યો હોય તો એ ફત્તેસિંહ જ હતા. આથી આ ગામે ક્યારેય તકલીફનો સામનો કર્યો ન હતો. 

રાજકરણ અને ધૂળીચંદ હજી તો ગઢના દરવાજાની અંદર પગ મૂકે છે કે એમની સામે આવેલો એક વ્યક્તિ રાજકરણને જોઇને જરાક ગૂંચવણમાં પડી ગયો. પોતે રાજકરણ સામે જાય કે પોતાનો માર્ગ બદલી નાખે કે પછી પાછો વળી જાય એ સમજવામાં સમય પસાર કરવા લાગ્યો.  

જો કે રાજકરણનું ધ્યાન એના તરફ ન હોવાની એને ખાતરી થતા એ પોતાના માર્ગે પાછો વળ્યો અને દસ પંદર ડગલાં માંડ્યા બાદ એણે રીતસર દોટ મૂકી. એ વ્યક્તિ સીધો જયમંગલસિંહના ઘરે જઈને જ ઉભો રહ્યો.

‘બાપુ...બાપુ... બાપુ...’ પેલો વ્યક્તિ આગળ બોલી ન શક્યો.

‘સું થ્યું કુંડા? કુતરું પાછળ પડ્યું કે શું?’ જયમંગલ પોતાના ગાડાના પૈડાની સફાઈ કરતો બોલ્યો.

‘જમાઈરાજા... ગામને દરવાજે...’ કુંડો હજી પણ હાંફી રહ્યો હતો. તેણે ગામના દરવાજાની દિશા તરફ પોતાનો હાથ લંબાવીને ઈશારો કર્યો.

‘સું?’ જયમંગલ તરત ઉભો થઇ ગયો. 

એ ઘરમાં ગયો, પહેરણ પહેર્યું, હાથમાં ડાંગ ઉઠાવી અને બીજું કશું વિચાર્યા વગર કુંડાએ જે દિશામાં હાથ કર્યો હતો એ તરફ ઝડપથી ચાલવા લાગ્યો. એના મનમાં હજારો પ્રશ્નો આવી રહ્યા હતા, પરંતુ તેમાંય મુખ્ય પ્રશ્ન એ હતો કે ચિત્રાએ આપેલા છેહ બાદ આટલા બધા સમય બાદ એનો જમાઈ ગામમાં કેમ આવ્યો હશે?

જયમંગલ ગામને દરવાજે પહોંચ્યો ત્યાં તો તેણે એક ટોળું જોયું. ટોળું પંદર-વીસ ગ્રામવાસીઓનું હતું. 

‘નક્કી આ લોકો જમાઈરાજાને ટોળે વળીને ઉભા હશે.’ વિચારીને જયમંગલ એ ટોળાને ચીરતો ચીરતો આગળ વધ્યો. 

પોતાની સામે રાજકરણ અને ધૂળીચંદને જોઇને જયમંગલના પગ સ્થિર થઇ ગયા. એનું ગળું સુકાઈ ગયું. કપાળે પરસેવો વળી ગયો. નક્કી જમાઈરાજા આટલે વખતે પોતાનું નાક આખા ગામ વચ્ચે કાપવા આવ્યા હશે એવા વિચારે તેનું મન ઘેરી લીધું.

રાજકરણે પોતાના સસરાને જોયા. એને જોઇને એનો ચહેરો એકદમ નિર્મળ થઇ ગયો. એક સ્મિત સાથે એ જયમંગલ તરફ આગળ વધ્યો અને એની સાવ નજીક પહોંચી જઈને એને પગે લાગ્યો. જયમંગલ સાવ બઘવાઈ ગયો હતો, કોઈ નાનું જ્યારે પગે લાગે ત્યારે મોટાએ આશીર્વાદ આપવાના હોય એવી સામાન્ય વાત પણ એ અત્યારે ભૂલી ગયો હતો.

રાજકરણને એ ખ્યાલ આવી ગયો. એ પ્રણામની મુદ્રામાંથી ઉભો થયો અને જયમંગલને ભેટી પડ્યો અને કાનમાં બોલ્યો, ‘ગઈગુજરી ભૂલી જાવ પિતાજી, હું એક મોટા કામે અહીં આવ્યો છું. હું હમણાં આ લોકોને એમ જ કહી રહ્યો હતો.’

આટલું સાંભળતાં જ જયમંગલને અચાનક શાંતિનો અનુભવ થવા લાગ્યો.

‘લ્યો હવે તો ગામના નાયક પણ આવી ગયા. હવે મુદ્દાની વાત કરીએ?’ ટોળામાંથી એક વૃદ્ધે જયમંગલને જોઇને કહ્યું.

આ સાંભળીને ગામના લોકો રાજકરણ, ધૂળીચંદ અને જયમંગલ સામે બેસી ગયા અને રાજકરણ શું બોલે છે એની રાહ જોવા લાગ્યા.

‘મિત્રો, આજે બપોરે પિતાજીના ઘરે આપણે બધાએ ભોજ માટે મળવાનું છે. મને વિશ્વાસ છે કે આજનું આ ખાસ ભોજ આ ગુજરદેશનો ઈતિહાસ બદલી નાખશે. મારી તમને વિનંતી છે કે આ ગામના દરેક ઘરમાંથી એક વડીલ અને એક યુવાન આ ભોજમાં સામેલ થાય. હું, મારો આ મિત્ર ધૂળીચંદ અને જયમંગલ બાપુ ખેતરોમાં ભાતાનો સમય થાય કે પછી તરતજ આપ તમામની આ ભોજ માટે રાહ જોઈશું. આ સંદેશ અને આ ગામના શ્રેષ્ઠ રસોઈયાને થોડા સમય બાદ પિતાજીના ઘરે પહોંચવાનો સંદેશ આપવાનો છે, તે કોણ અપાશે?’ રાજકરણે મૂળ વાતને ન કહેતાં લોકોમાં ઉત્કંઠા જગાવી. 

‘જમાઈરાજા, હું ગામના બધા ખેતરોમાં આ વાત પહોંચાડી દઈશ અને ગુલાબચંદ રસોઈયાને પણ બાપુને ઘેર મોકલી આપીશ.’ એક લબરમૂછિયો ઉત્સાહ સાથે બોલ્યો. 

‘બસ, તો તું અત્યારે જ ઉપડ. આપણે બધા ભાતાના સમયે મળીએ.’ રાજકરણે એના ખભે હાથ મુક્યો અને પછી બધા સામે હાથ જોડ્યા.

ટોળું આજે બપોરના ભોજન સમયે શું વાત થશે તેની અટકળો કરતું છુટું પડ્યું. ટોળા કરતા જયમંગલની માનસિક સ્થિતિ જરાય અલગ ન હતી.

‘પિતાજી! ઘરે જઈએ?’ રાજકરણે માનસિક અથડામણમાં વ્યસ્ત એવા જયમંગલને કહ્યું.

જયમંગલ ઊંઘમાંથી ઉભો થયો હોય એ રીતે જાગ્યો અને હકારમાં ડોકું ધુણાવ્યું. 

રાજકરણ, ધૂળીચંદ એમના ઘોડા અને જયમંગલ, આ બધાય જયમંગલના ઘર તરફ ચાલવા લાગ્યા.