Sangharsh - 13 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 13

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 13

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

 

પ્રકરણ – ૧૩ – નારીશક્તિનો પરિચય

 

 

‘ધનલક્ષ્મીદેવી વિષે તો આપણે બધા જાણીએ જ છીએ ને?’ રાજકરણે તરત એક નજર આખી સભા ઉપર ફેરવી લીધી. 

વડીલ સ્ત્રી-પુરુષો ધનલક્ષ્મીદેવીનું નામ અચાનક આવી જવાથી ગૂંચવાયેલા લાગ્યા અને યુવાનો-યુવતિઓ આ બાબતે સંપૂર્ણ અજ્ઞાન ધરાવતા હોય એવું લાગ્યું. 

ધૂળીચંદ આ તાલ જોઇને મનોમન સ્મિત કરવા લાગ્યો. તે વિચારી રહ્યો હતો કે રાજકરણે ગામના લોકોને આ એક નામ સામે લાવીને બરાબર ફસાવ્યા છે. વડીલો એમના જ ગામની અને મહારાજ કૃષ્ણદેવરાયની મહિલા સેનાપતિ ધનલક્ષ્મીદેવી વિષેનો સમગ્ર ઈતિહાસ જાણતા હતા એટલે ગામની સ્ત્રીઓને ઘરે જવાની તેમની લાગણી પર હવે તેઓ હુકમ કરી શકે તેમ ન હતા. તો બીજી તરફ યુવાનો અને યુવતિઓ તો સ્વાભાવિક ઉત્કંઠાને કારણે હવે ધનલક્ષ્મીદેવી વિષે જાણવા માગવાના જ છે. પરિણામે હવે રાજકરણ તેની વાકપટુતાનો બરાબર ઉપયોગ કરીને એમને પોતાની સાથે જરુર ભેળવી દેશે. 

‘ના, અમે નથી જાણતા.’ સભાના છેક ખૂણેથી એક યુવાન બોલ્યો.

રાજકરણે તેની બાજનજરથી એ પણ જોઈ લીધું કે જ્યારે એ યુવાન બોલ્યો ત્યારે અન્ય યુવાનોની સાથે યુવતિઓએ પણ પોતાના માથા હકારમાં હલાવ્યા હતા. રાજકરણે આ પળનો લાભ લેવાનું નક્કી કર્યું. 

‘તો તો તમારે જાણવું જ જોઈએ. શું નામ તારું ભાઈ?’ પેલા સભાના ખૂણેથી બોલેલા યુવાનને ઉદ્દેશીને રાજકરણે પૂછ્યું. 

‘રઘુવીર!’

‘વાહ! તને ખબર છે ને કે રઘુવીર કોણ હતા?’

‘પ્રભુ શ્રી રામ.’

‘બસ તો એ જ પ્રભુ શ્રી રામનું નામ લઈને આપણે ધનલક્ષ્મી દેવીનો ઈતિહાસ ટૂંકમાં જાણીએ.’

રાજકરણના આ છેલ્લા વાક્યે સભામાં બેસેલા તમામના કાન સરવા કરી દીધા અને બધાનું ધ્યાન રાજકરણ પ્રત્યે એકત્રિત થઇ ગયું. પુરુષ વડીલો જેમાં જયમંગલ પણ સામેલ હતો, તેઓ આ વાત બહાર આવી રહી છે તેના વિષે ખચકાટ અનુભવી રહ્યા હતા. 

રાજકરણે ધનલક્ષ્મીદેવી વિષે પોતાની વાત શરુ કરી.

‘મહારાજ કૃષ્ણદેવરાય તેમના આધુનિક વિચારો માટે તો જાણીતા હતા જ પરંતુ એ વિચારોનો અમલ કરવા માટે પણ જાણીતા હતા. જ્યારે તેમના હાથ નીચે મોટાભાગનું આર્યવર્ષ આવી ગયું ત્યારે તેમણે સહુથી પહેલા પોતાની રાણી અને રાણીવાસમાં રહેતી તમામ સ્ત્રીઓની સુરક્ષા માટે પચાસ મહિલાઓનું એક અંગરક્ષકદળ ઉભું કરવાનો નિર્ણય કર્યો.

‘તમે વિચારો જો આજે આપણા વડીલો સ્ત્રીઓની જાહેરમાં ભાગીદારી વિષે આટલા ચિંતાતુર છે તો આજથી સો-સવાસો વર્ષ પહેલા તો આ બાબતે વડીલોની વિચારસરણી કેવી હશે? મહારાજના વૃદ્ધ થઇ રહેલા મંત્રીઓ અને તેમના કાકાઓ-મામાઓ-ફૂવાઓ તમામે આ નિર્ણયનો મૂંગો વિરોધ કર્યો કારણકે મહારાજ સમક્ષ બોલવાની તો કોઈની હિંમત ન હતી એટલા તેઓ સમર્થ હતા. 

‘પણ મહારાજ પોતાના નિર્ણય પર અડગ રહ્યા, અરે! એમણે તો જ્યારે શાસન સાંભળ્યું હતું ત્યારે સહુથી પહેલું કામ વૃદ્ધ વિચારો ધરાવતા વૃદ્ધ મંત્રીઓને દૂર કરવાનું કર્યું હતું. એટલે તેના પરથી ધડો લઈને તેમના મંત્રીઓએ તો મૌન જ સેવ્યું. જે કોઈ વિરોધ કુટુંબમાં હતો તેને મહારાજે ગણકાર્યો નહીં. ત્યારબાદ મહારાજે ઢોલ પીટાવીને સમગ્ર રાજ્યમાં મહિલા સેનાનીઓની ભરતી કરવાની જાહેરાત કરી.

‘જ્યારે આ ઢંઢેરો ફતેસિંહનો ગઢમાં આવી પહોંચ્યો ત્યારે અનાથ ધનલક્ષ્મીદેવી સહુથી પહેલા આશાવન પહોંચી ગયા અને પોતાની જાતને રાણીવાસના અંગરક્ષક તરીકે સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી. મહારાજ તેમનાથી અતિશય પ્રભાવિત થયા. મહારાજ જાણતા હતા કે તેમનો નિર્ણય ભલે આધુનિક હોય પરંતુ તેઓ જો પોતાના પુરુષ સેનાપતિઓ પાસે આ મહિલા અંગરક્ષકોને પ્રશિક્ષણ અપાવાનું વિચારશે તો પણ સમાજમાં અગ્નિ પ્રગટી જશે.

‘આવા સમયમાં મહારાણી વલ્લરીદેવીએ મહારાજનો સાથ આપ્યો. વલ્લરીદેવી એ સમયના કંકણરાજ્યના રાજા પલ્લવરાજના પુત્રી હતા અને અત્યંત સાહસી અને વીર હતા. તેમણે ફક્ત ધનલક્ષ્મીદેવી જ નહીં પરંતુ તેની સાથે બીજી પચાસ મહિલાઓને સશસ્ત્ર પ્રશિક્ષણ આપ્યું. આ તમામ મહિલાઓ બાદમાં રાણીવાસની અંગરક્ષીકાઓ બની.

‘વાત આટલેથી અટકી નહીં. ધનલક્ષ્મીદેવીની વીરતા અને એમના સાહસી સ્વભાવને જોઇને અમુક વર્ષો પછી મહારાજે પહેલા એમને અને એમણે પસંદ કરેલી મહિલાઓને પહેલા સમગ્ર મહેલ અને બાદમાં આખા કોટકિલ્લાની સુરક્ષા સોપી દીધી.’

રાજકરણની આ છેલ્લી વાત સાંભળીને અનેકના મોઢાં પહોળાં થઇ ગયા. 

‘વાત આટલે અટકતી નથી. મહારાજે બાદમાં એક ખાસ મહિલા સૈન્ય ધનલક્ષ્મીદેવી પાસે તૈયાર કરાવ્યું અને તેમાં પાંચસો વીર મહિલાઓની ભરતી કરી. એક વખત જ્યારે મહારાજ ભગવાન ચંદ્રનાથના દર્શને ગયા હતા ત્યારે વિશાળ ચંદ્રનાથ સમુદ્રના કિનારે રહેલી સુરક્ષામાંમાં રહેલા સ્વાભાવિક છીંડાનો લાભ લઈને એક રાત્રે મહારાજના હિતશત્રુઓ સાથે મળીને સમુદ્રી લુંટારાઓએ મોટી સંખ્યામાં રાજકાફલા પર હુમલો કર્યો.  

આવા સમયે ચોકસ રહેલી ધનલક્ષ્મીદેવી અને તેમની પચાસ મહિલા સૈનિકોએ આ સમુદ્રી લુંટારાઓના હુમલાનો સામનો કર્યો. લાંબા સમયની લડાઈ બાદ મહારાજની રક્ષા કરતા કરતા ધનલક્ષ્મીદેવી ભગવાન ચંદ્રનાથના શરણે જ વીરગતીને પ્રાપ્ત થયા. આજે પણ ચંદ્રનાથ ભગવાનના લિંગની બરાબર સામે ધનલક્ષ્મીદેવીની મૂર્તિ તલવાર લઈને એ જ ખુમારીથી ઉભી છે જે ખુમારી માટે તેમણે પોતાનો જીવ અર્પણ કરી દીધો હતો.

શું ધનલક્ષ્મીદેવીને આમ કરવાની કોઈ જરૂર હતી? એ તો એકલવાયું જીવન જીવતા હતા અને એમણે એ જ રીતે જીવન વિતાવી પણ દીધું હોત. પણ એમને દેશ માટે જીવવું અને મરવું હતું. ત્યારે તો એ વખતના રાજા માટે એમણે પોતાનું બલીદાન આપી દીધું, જે આપણા ન હતા. પણ આપણે તો આપણા વડવા-વડવીઓના સન્માન માટે આપણા પોતાના રાજની સ્વતંત્રતા માટે બલીદાન ન આપી શકીએ?’

આટલું બોલતા બોલતા રાજકરણની છાતી તો ગજગજ ફૂલવા જ લાગી હતી પરંતુ સભામાં બેસેલા મોટાભાગના લોકોના માથાં પણ ગર્વથી ઊંચા થઇ ગયા હતા. અમુક પળ આ જ રીતે શાંતિથી વીતી ગઈ.

‘ધનલક્ષ્મીબા, મારા દાદી થતાં હતા.’ સભામાં એક વડલા નીચે અન્ય સ્ત્રીઓ સાથે બેસેલા પેલા બોલકા વડીલના પત્ની અચાનક બોલી પડ્યા. 

તમામનું ધ્યાન એમના ઉપર પડ્યું.

‘તમારે આ બધું બોલવાની શી જરૂર હતી?’ પેલા વડીલ બોલી ઉઠ્યા.

‘કેમ ન બોલું? જ્યારે મારા લોહીમાં ધનલક્ષ્મીબાનું રક્ત વહેતું હોય અને જ્યારે આપણા દેશને આ લોહીની જરૂર હોય ત્યારે હું કેમની મૂંગી રહું?’

‘તમને જોઇને કેટલા બધાને નકામું જોશ ચડશે એની ખબર છે?’

‘જમાઈરાજની વાત સાંભળીને મુજ સિત્તેર વર્ષની ડોશીને જોશ ચડી ગયું છે તો આ બધા તો જુવાન છે? અને જો આ સાંભળીને એમને જોશ ન ચડે તો ફટ્ટ છે એમની જુવાનીને અને ફટ્ટ છે એમનામાં દોડતા રક્તને.’ 

ડોશીમાનું શરીર ધ્રુજી રહ્યું હતું. 

‘બા, હું જોડાઇશ જમાઈરાજ સાથે.’ ડોશીમાંની બાજુમાં બેસેલી સાવ સાદા કપડા પહેરેલી એક યુવતિ ઉભી થઈને બોલી ઉઠી.

‘મંજુલા, તું બેસી જા, તારી બા કહે એટલે તરત ઉભા નહીં થઇ જાવાનું. આમાં મરવાનું લખેલું છે.’ પેલા વડીલ હવે ઉભા થઇ ગયા.

‘આ બોલ્યું ધનલક્ષ્મીબાનું રક્ત.’ ડોશીમા કાંઈક ગર્વ અને કાંઈક પ્રેમથી પેલી યુવતિના માથે હાથ ફેરવતા બોલ્યા.

‘તમને ખબર છે ને એ કોણ છે? એણે તો ઘરમાં બેસવાનું હોય પણ તમારા લીધે એ ગામમાં ફરવા લાગી છે અને હવે આ?’

‘હા મને ખબર છે એ વિધવા છે, પણ એને વિધવા બનાવી કોણે? આ તમારા આ રાજાના કારભારીએને? આપણા જમાઈ એની પત્નીને એને સોંપવાની સજ્જડ ના પાડી બેઠા અને ભોગવવાનું કોને આવ્યું? આ તો ભગવાન ચંદ્રનાથની કૃપા કે એની આબરૂ બચી ગઈ, નકર આપણે આ ગામમાં રહેવા લાયક ન રહેત.’

ડોશીમાનો ગુસ્સો સાતમા આકાશમાં હતો, વડીલ પાસે હવે કોઈ દલીલ ન રહી એવું લાગ્યું એટલે એ હાથ મસળીને ફરીથી બેસી ગયા. 

‘અમે બધા મંજુલા સાથે જોડાઈને આપણા આશાવનના સ્વતંત્રતાના યજ્ઞમાં આહુતિ આપવા તૈયાર છીએ.’ મંજુલાની આસપાસ બેસેલી એની જ ઉંમરથી દેખાતી પંદર-વીસ યુવતિઓ ઉભી થઈ ગઈ.

‘અમે પણ તમારી સાથે છીએ રાજકરણ બાપુ!’ યુવતિઓને જોઇને યુવાનોને પણ જોમ ચડ્યું.

‘પણ જમાઈરાજ આ કરશું કેવી રીતે?’ છેવટે જયમંગલ પોતાના જમાઈના પક્ષે આવીને બોલ્યો.

‘બાપુ, હજી આ તો મારો પ્રથમ પ્રયાસ હતો. હજી મારે ઘણી લાંબી મજલ કાપવાની છે. હું મારી યાત્રા પૂરી કરીને આવું અને હજી બીજા વીર સ્ત્રી-પુરુષોને મારી સાથે જોડું પછી આપણે નક્કી કરીએ.’ રાજકરણે જયમંગલ અને બાકીની સભાને ઉદ્દેશીને કહ્યું.

‘પણ ત્યાં સુધી લોકોના મન બદલાઈ ગયા તો? કે પછી સમય જતાં લોકોનો ઉત્સાહ ઓસરી ગયો તો?’ ધૂળીચંદે મુદ્દાની વાત કરી.

‘એવું નહીં થાય ભાઈ, અમે બીજું કશું નહીં તો દરરોજ અમારા ગામના નિવૃત્ત સેનાનીઓ પાસે શસ્ત્રોનું પ્રશિક્ષણ લેવાનું તો શરુ કરી શકીએને?’ એક યુવાને કહ્યું.

‘બહુ સાચી વાત કરી તેં.’ યુવાનનો ઉત્સાહ જોઇને રાજકરણ ખુશ થઇ ગયો.

‘પણ એક તકલીફ છે.’ યુવાને કહ્યું.

‘શી?’

‘શસ્ત્રો ઓછા છે અને અમારી સંખ્યા વધુ છે.’

‘એની ચિંતા ન કરો, પુનમ સુધી તમને તમારા શસ્ત્રો મળી જશે.’ ધૂળીચંદે કીધું.

રાજકરણ સમજી ગયો કે ધૂળીચંદ હવે શસ્ત્ર સરંજામ મેળવવા માટે જરૂરી આર્થિક મદદ શરુ કરી ચૂક્યો છે. એ આજની બેઠકની સફળતા અને ધૂળીચંદની વાતથી અત્યંત આનંદિત થઇ ગયો. 

‘તારું નામ શું છે યુવાન?’ રાજકરણે પેલા શસ્ત્રની માંગણી કરી ચૂકેલા યુવાનને પૂછ્યું.

‘મહાદેવરાય!’ યુવાને જવાબ આપ્યો.

‘મહાદેવ, તું ફતેસિંહનો ગઢની ટુકડીનો આગેવાન. તને શસ્ત્રો તો તુરંત મળી જશે, તું ગામના નિવૃત્ત સેનાનીઓની મદદ લઈને પ્રશિક્ષણ શરુ કરી દે. મારી યાત્રા પૂર્ણ થાય કે આપણે ફરીથી મળીએ.’

‘જી, મહારાજ!’ મહાદેવરાયે કાંઈક ગર્વ સાથે રાજકરણ સામે જોઇને કહ્યું.

રાજકરણને આમ અચાનક અને અત્યારથી જ ભવિષ્યના આશાવનનો ‘મહારાજ’ ઘોષિત કરી દેવામાં આવ્યો એ સાંભળીને ત્યાં બેસેલા તમામ હરખથી પોરસાઈ રહ્યા.