Mangal - 24 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 24

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 22

    રાધા એ  રાત ભર બેસીને તે ફાઈલને લગભગ ચારથી પાંચ વખત વાંચી લી...

  • કર્મ બોધ

    કર્મ બોધ પતિ પત્ની અને તેનો દીકરો જમવા બેઠા. સાથે તેના દાદાજ...

  • વિવાનની વેદના

       વિવાનની વેદના વિવાન પાઠક  એક એવુ નામ કે જેની ફિલ્મ  રિલીઝ...

  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

Categories
Share

મંગલ - 24

મંગલ
Chapter 24 -- પ્રેમનાં અંકુર
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
M. 7567892860







-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ ચોવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં ઘરે આવતા ઘરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાય જાય છે. તેની ઈજાની જાણ મા ને થાય છે. ધાની ગુસ્સામાં તેને ન કહેવાનું કહી દે છે જેથી બંને વચ્ચે ઝગડો થઈ જાય છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ચોવીસમું પ્રકરણ
મંગલ Chapter 24 – પ્રેમનાં અંકુર







Chapter 24 – પ્રેમનાં અંકુર ગતાંકથી ચાલું...
“સમજે છે શું પોતાને ? મારી મશ્કરી ઉડાવશે ? વાત જ કરવી નથી હવે તો.” થોડા ગુસ્સા સાથે નીકળી ગયેલી ધાની રસ્તામાં બડબડતી પોતાનાં ઘરે પહોંચી ગઈ.
“આવી ગઈ ? આજે બહું વાર લગાડી ! કંઈ ખાસ હતું ?” રસોઈની તૈયારી કરતાં રંભાબેન ધાનીને ઘરમાં આવતા જોઈને બોલ્યા.
“કંઈ નહીં માડી, એનાં ઘરે ગઈ હતી. પછી બજારમાં રંગ લેવા ગઈ.” ધાનીએ કહ્યું.
“રંગ ? પહેલા કહેવાય ને ? આપણાં માટે ય રંગ લેવાનાં હતા ?”
“માડી, રંગ તો હું એનાં માટે ય લાવી નથી.” ધાનીએ ખાટલો ઢાળીને બેસતાં કહ્યું.
“લે કેમ ? લેવા તો ગઈ હતી !”
“મંગલ, તમારો બધાનો લાડકો, ઘરે આવ્યો છે.” ધાનીએ કહ્યું.
મંગલનું નામ સાંભળતા રંભાબેન આનંદમાં આવી ગયા. “લે મંગલ આવ્યો ? ક્યારે ? મુદ્દાની વાત તો હવે કરે છે. પણ એમાં રંગ કેમ ના લીધા એ વાત ન સમજાઈ.” રંભાબેને પૂછ્યું.
બજારમાં જે બન્યું એ બધું કહીને ધાનીએ મનની બધી ભડાશ કાઢી લીધી.
રંભાબેન હસી પડ્યા. તેને હસતાં જોઈને ધાનીથી ના રહેવાયું. તેણે પૂછી નાખ્યું, “એમાં હસવાનું શું છે ? કમાવવા બહાર શું ગયો, પોતાને બહુ મોટો હોશિયાર સમજે છે ? હું શું ડોબી છું ?”
“રૂપિયામાં કોઈ એક કિલો રંગ તો ના જ આપે ને ?”
“માડી તું પણ ? હું તારી દીકરી છું કે પેલો મંગલ ? તું પણ એનાં પડખે રહીને વાત કરે છે ?”
“ગાંડી, તું દીકરી જ છો, પણ મંગલ પણ મારા દીકરા જેવો જ છે ને ? તમે બેય અમારી નજર સામે જ મોટા થયા છો. હા પણ ધાની, વાત એટલી જ હતી ને કે કંઈ બીજી વાત પણ છે ? આટલી નાની વાતમાં લડવાનું કોઈ કારણ હોય નહીં.” રંભાબેને કહ્યું.
ધાનીનો ગુસ્સો થોડો ઠંડો પડ્યો હતો. મંગલને જે કહી દીધું હતું તેનાં બદલ તેને થોડું દુ:ખ થયું. તેણે પોતાની મા ને મંગલનાં અંગૂઠા અને તેનાં વિશે પોતે જે કહી આવી હતી તે બધું કહ્યું.
મંગલનાં આવા સમાચાર સાંભળતા જ રંભાબેન ગુસ્સે થઈને ધાનીને કહેવા લાગ્યા, “શું ? મંગલનો અંગૂઠો કપાઈ ગયો છે ? અને તું એમ કહી આવી કે જે થાય એ સારા માટે થાય ? અક્કલ વગરની, એમ કોઈને કહેવાય ? એક તો કેટલા સમય પછી આવ્યો ને તરત જ તારી કાતર જેવી જીભ ફરી વળી.”
ધાની આ બધું સાંભળતી હતી ત્યાં જ તેની નજર ડેલા બાજુ ગઈ. મંગલ ડેલા પાસે ઊભો ઊભો તેની સામે જોઈને હસતો હતો. તેને આમ હસતો જોઈને તેને ફરી ચીઢ ચડી. વાતને અટકાવીને તેણે મા ને કહ્યું, “બસ બસ, આ સામે જો. તારો લાડકો આવ્યો છે. આરતી નથી ઉતારવી ?”
રંભાબેને મંગલને જોતાં હરખમાં આવી ગયા. તેની પાસે જઈને તેનાં ઓવારણાં લીધા, “મારો મંગલ, આવી ગયો ? બહું મોટો થઈ ગયો. પણ દૂબળો પાતળો કેમ થઈ ગયો ? ખાતો પીતો નથી કે શું ?”
“હા, હવે આવી ગયો છે તો અઠવાડિયામાં તગડો કરીને જ મોકલવાનો છે.” ધાનીએ પાછળ ઊભા ઊભા કટાક્ષમાં કહ્યું.
“ચૂપ રે !” ધાનીને ટપારતા રંભાબેન બોલ્યા, “અંદર તો આવ. દરવાજે જ ઊભો રહીશ કે શું ?” મંગલને આવકારતા રંભાબેન બોલ્યા.
મંગલ ખાટલે બેઠો. રંભાબેને કહ્યું, “ધાની કહેતી હતી કે તારો અંગૂઠો કપાઈ ગયો ! બહું દુખ્યું હશે ને ? કેમ આવું થઈ ગયું ? હવે કેમ છે ?”
ચિંતા કર્યા કરવાનું રંભાબેનનાં સ્વભાવમાં હતું. મંગલે સહજતાથી હસીને કહ્યું, “માસી... માસી, હું મજામાં છું. એ તો જરા અમથું પતરું હાથમાં લાગી ગયું હતું એટલે આવું થઈ ગયું. બાકી હવે બધું બરાબર છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તમે બોલો, તમને કેમ છે ? માસા દેખાતા નથી ? રાજુ ક્યાં છે ?”
“અમે બધા મજામાં છીએ. દરિયાદેવની કૃપા છે. તારા માસા કામથી વેરાવળ ગયા છે. રાજુ પણ ભેગો ગયો છે. કાલે આવશે.” રંભાબહેને આટલું કહી ધાનીને કહ્યું, “તું શું ઊભી છો ? જા, પાણી લેતી આવ.”
ધાનીએ આવીને પાણીનો પ્યાલો મંગલનાં હાથમાં આપ્યો. મંગલે તેની સામે જોયું. તેને ધાનીને મનાવવા માટે મોકલ્યો હતો. ધાની હજુ રીસમાં કે ગુસ્સામાં હોય એવું લાગતું હતું. ધાની પણ મનોમન ઈચ્છતી હતી કે મંગલ કશું કહે. તેને પણ લાગતું હતું કે તેનાંથી ભૂલ થઈ ગઈ હતી. તેણે આવું કહેવું જોઈતું ન હતું. થોડી વાર પછી રંભાબહેન બોલ્યા, “અરે, હું તો ભૂલી ગઈ કે આ તહેવારનાં મોહનથાળ બનાવ્યા હતા. તને ભાવે ને મંગલ ?”
“મને તો પૂછ્યું જ નહીં. સીધું મંગલને જ ?” ધાનીએ ફરીયાદ કરતાં કહ્યું.
“તું તો અહીં જ હો છો. મંગલ થોડો રોજ આવે છે ?” રંભાબહેને કહ્યું, “હું હમણાં જ લઈ આવું છું. તું બેસજે.” મા નાં ગયા પછી ધાનીએ મંગલની સામે જોયું.
“તું અહીં કેમ આવ્યો ? મને મળવા આવ્યો હતો ? નક્કી માડીએ મોકલ્યો હશે મને મનાવવા.” ધાનીએ કહ્યું.
“તને મનાવવા ? તું નાની છોકરી છો કે તને મનાવું ? હું તો માસીને મળવા આવ્યો છું.” મંગલે મજાકમાં કહ્યું.
“ખોટા, મને ખબર જ છે કે માડીએ તને મોકલ્યો હશે. સાચું કહું છું ને ?”
હસીને મંગલે કહ્યું, “હા બાપા હા. માડીએ જ મોકલ્યો છે. જ્યાં સૂધી તું ના માની જાય ત્યાં સૂધી એને જમવાનું નહીં ભાવે.”
“માડી માટે માફ કરી દઉં છુ.”
“માફ ? હું કંઈ માફી માંગવા નથી આવ્યો. હું શું કામ માફી માંગુ ? અંગૂઠા વિશે તો તું જેમ તેમ બોલી ગઈ હતી. માફી તો તારે માંગવી જોઈએ.”
“હા તો બજારમાં મારી સામે એમ હસીને મારી મશ્કરી ના કરાય ને ?”
હસીને મંગલે કહ્યું, “તું કામ જ એવા કરે છે કે હસે નહીં તો બીજું શું કરે ?”
“થઈ જાય હવે એવી ભૂલ તો.” બનાવટી ગુસ્સા સાથે ધાની બોલી.
એટલામાં જ રંભાબહેન મોહનથાળ લઈને આવ્યા અને મંગલને ખવડાવતા બોલ્યા, “કેવો બન્યો જો તો.”
મોહનથાળ ખાતા ખાતા તે બોલ્યો, “અરે વાહ ! કેટલાં સમય પછી કંઈક આટલું મસ્ત ખાવાનું મળ્યું છે ! ખરેખર બહું સરસ છે. તમારા હાથમાં તો જાદુ છે. નાનો હતો ત્યારથી તમારા હાથનાં મોહનથાળ વધારે ખાધા છે. તમારા હાથનો સ્વાદ કેમ ભૂલાય ?”
“બસ બસ, હવે બધુ નથી ખાઈ જવાનું. તહેવાર માટે રાખ્યું છે.” ધાની ડબ્બો લેતા બોલી.
“ધાની ! શું બોલે છે ? મંગલ કેટલાં દિવસે આવ્યો છે ? એમ કહેવાય ?” રંભાબેને ખીજાતા કહ્યું.
“કંઈ વાંધો નહીં. રોજ તમારા હાથનો એક મોહનથાળ મારો રહેશે.” હસતાં હસતાં મંગલે કહ્યું, “સારું ચાલો, હું જઉં છું. માડી રાહ જોતાં હશે.”
“આવજે દીકરા. તારી માડીને કહેજે કે કામમાંથી નવરી થઈશ ત્યારે આવીશ.” રંભાબેન બોલ્યા.
“પાકું. સારું ત્યારે આવજો.” એમ કહીને મંગલ નીકળી ગયો.
બીજે દિવસે તે દરિયાકિનારે નીકળ્યો. દરિયાની સુંવાળી મખમલી રેતી પર દૂર થોડા વહાણો અને માછીમારોની નાનકડી હોડીઓ કિનારે લાંગરેલી હતી. અમુક હોડીઓ દરિયાને સંગ હિલોળા લેતી જોવા મળતી હતી. અલંગનાં બંદરે જે ધમાલિયું વાતાવરણ જોવા મળતું એનાં પ્રમાણમા અહીં ખૂબ શાંતિ હતી. મંદ મંદ હવા લહેરાતી હતી. મંગલ ત્યાં જ બેસી ગયો અને ત્યાં જ પોતાનો થાક ઉતારી રહ્યો હતો. ત્યાં તેની નજર દૂર બે બાળકો રેતીમાં નાનકડું ઘર બનાવી રહ્યા હતા તેની ઉપર પડી. એક બાળક રેતી અને નાની નાની લાકડીઓ ભેગી કરીને બીજાને આપી રહ્યો હતો. બીજો ભીની રેતીને ભેગી કરીને પોતાનાં નાનકડા હાથથી આવડે એવો ઘર જેવો ઘાટ આપી રહ્યા હતા. મંગલ પોતાની જ સ્મૃતિમાં થોડી વાર ખોવાઈ ગયો.
“નાનપણની યાદ આવે છે, મંગલ ?”
અચાનક કાને પડતા અવાજથી તે ચોંકયો અને પાછળ જોયું તો ધાની ઊભી હતી.
“અરે ધાની ! અહીં ?” તે ધાનીને જોઈને ઊભો થઈ ગયો.
“હા, અહીંથી નીકળતી હતી ને તને જોઈ ગઈ. તું અહીં શું કરે છે ? તારી નજર પેલા છોકરાઓ ઉપર હતી.” ધાનીએ કહ્યું.
“બસ દરિયો જોયો ને થોડી વાર અહીં બેસવાનું મન થઈ ગયું.”
“દરિયો તો અલંગમાં પણ છે. તો એમાં નવું શું છે ?” ધાનીએ પ્રશ્ન પૂછ્યો.
“દરિયો તો ત્યાં પણ છે ને દરિયો અહીં પણ છે, ધાની. પણ બે ય વચ્ચે ઘણો ફેર છે.” મંગલે કહ્યું.
“ફેર ? કેવો ફેર ? મને તો એમાં કોઈ ફેર દેખાતો નથી.” ધાનીએ નવાઈ સાથે કહ્યું.
“એ દરિયો કેટલાંય ને કામ આપે છે. અહીં પણ આપણને કામ મળી રહે છે. પણ ત્યાં અહીં જેવી શાંતિ નથી, ધાની. આવી રેતી નથી જેમાં પેલા છોકરાઓ પોતાનું ઘર બનાવી શકે. ત્યાં તો કાળી રેતીમાંથી છોકરાઓ વહાણનાં ભંગારમાંથી નીકળતા નાના નાના ટૂકડાઓ જ શોધતા હોય અને તેનાંથી રમતા હોય. આવી શાંતિ ના હોય. ચારે બાજુ વહાણ તોડવાની મશીનરીઓનો કાન ફાડી નાખે તેવો અવાજ જ આવતો હોય. સાચું કહું તો હું ત્યાં હોઉં પણ મારુ મન આ રેતીમાં જ આળોટતું હોય છે.”
ધાની એક ધ્યાને તેને સાંભળી રહી હતી. તેનાં મનનાં કોઈ ખૂણે મંગલ પ્રત્યે ખાસ સ્થાન બની રહ્યું હતું. પ્રેમનાં બીજ તો વર્ષોથી એકબીજામાં પડી રહ્યા હતા. પણ હવે સમય હતો બંનેમાં તેનાં અંકુરણ થવાનો.
મંગલ મનોમન તેને ચાહી રહ્યો હોય તેવી તેને અનુભૂતિ થઈ રહી હતી. બંને મૂક અવસ્થામાં શાંત ચિત્તે દરિયાની સામે આથમી રહેલા સૂર્યની સાક્ષીએ થઈ રહેલા પોતાનાં પ્રેમનાં સૂર્યોદયને જાણે આવકારી રહ્યા હોય તેમ ઊભા હતા. બંનેનાં મનમાં એક જ ભાવના ઉદય પામી રહી હતી. શાબ્દિક લડાઈ અને એકબીજાને ચીઢવવાની એક પણ તક ન છોડતાં બે હૈયા આજે મૂક હતા. બંનેનાં હૃદય આજે મુક્ત અભિવ્યક્તિ આપી રહ્યા હતા.

“નિત ખૂબ જાણી રે અમે,
આ દુનિયાની ભવાઈ રે,
બધાથી ઊંચી છે આ જગમાં
પ્રેમની સગાઈ રે...
બધાથી ઊંચી છે આ જગમાં
પ્રેમની સગાઈ રે...”

મુક્ત મને લહેરાતો નાદ મંગલ અને ધાનીનાં કાને પડ્યો. તેઓની તંદ્રા તૂટી. તેઓને આ અવાજ કોઈ પરિચિત માણસનો લાગ્યો. મંગલે પાછળ વળીને જોયું. થોડે દૂર પોતાની ધૂનમાં જ મસ્ત રહેતા કામ કરતાં કરતાં કાનજી વાઘેર આ કડી ગાઈ રહ્યા હતા. તેનાં શબ્દોને કોઈ બંધન ન હતું. બીજા તેને ધૂની અને ગાંડો ગણતા. પણ એવી તેને ક્યાં પડી હતી ? હવા, પંખી અને કાનજી વાઘેરનાં ગીતોને કોઈ બંધન જ ન હતા. ન છંદનું કે ન વ્યાકરણનું બંધન.
મંગલને થોડા વર્ષો પહેલાની કાનજી વાઘેર સાથે વિતાવેલી અમુક ક્ષણો યાદ આવી ગઈ. તેનાં મુખ પર સ્મિત આવી ગયું.
“કાનજી કાકા !” સ્મિત સાથે તે સ્વગત બોલ્યો.
“આ તો ગાંડા લાગે. આખો દિવસ આમ ને આમ જ રખડતાં હોય. ગામ, નાત સાથે એને કોઈ વહેવાર જ ના હોય એમ લાગે છે.” ધાનીએ કાનજી કાકાને જોતાં કહ્યું.
“સાવ એવું નથી ધાની. આપણે તો એ સમયે ખૂબ નાના હતા ત્યારે તેનાં પત્ની ગુજરી ગયેલા. ત્યારથી તે આવા થઈ ગયા છે. સ્વભાવે તે ધૂની છે એટલે ગામ આખું ગાંડામાં ખપાવી દે છે. પણ સાવ એવું નથી. એ માણસ ગાંડા નથી. સ્વભાવે બહું સારા છે. પોતાની ધૂનમાં જ મસ્ત રહે છે.” મંગલે કાનજી કાકા સામે જોતાં જોતાં ધાનીને કહ્યું.
ધાનીને મંગલનાં મોઢે કાનજી વાઘેર વિશે આ બધી વાત સાંભળીને નવાઈ લાગી. તેણે મંગલને પૂછ્યું, “તને કેમ ખબર ? તું તો હમણાં અહીં રહેતો પણ નથી.”
“ઘણી વખત આપણી પાસે જ રહેતા કોઈ માણસ વિશે આપણે બહું ઓછું જાણતા હોઈએ છીએ.”
“હું સમજી નહીં, મંગલ.”
“થોડા વરસ પહેલા હું એક વખત કાનજી કાકાની સાથે તેની હોડીમાં દરિયામાં ગયો હતો. તે કેવા છે એનાં વિશે તો આખું ગામ કંઈક ને કંઈક કહેતું હોય છે. તે દિવસે દરિયામાં મેં તેને ખૂબ નજીકથી જોયેલા ને નજીકથી જાણ્યા. એ કંઈક અલગ માટીનાં માણસ છે. કોઈએ એને સમજવાનો પ્રયત્ન કર્યો નથી. એટલે બધાએ તેને પોતાની રીતે મૂલવી લે છે. બધા માટે તેને સમજવું એટલું સરળ નથી.” મંગલે કાનજી વાઘેરનાં વ્યક્તિત્વ પર ચોંટેલી લોકોની માન્યતાનાં પડ ઉખેડવાનું શરૂ કર્યું. ધાની શાંતિથી તેને સાંભળી રહી.
“ધાની ? ધાની ? ક્યાં ખોવાઈ ગઈ ?” પોતાની વાતોમાં જ ખોવાઈ ગયેલી ધાનીને તેની તંદ્રામાંથી બહાર લાવતા, ઢંઢોળતા તે બોલ્યો, “ચાલ, તેને મળીએ.” એટલું કહેતાં જ તેણે કાનજીકાકા તરફ ડગ માંડ્યા. ધાનીએ પણ તેની પાછળ ડગલાં માંડ્યા.
“કાનજીકાકા... !” કાનજી વાઘેર તરફ આવતાં આવતાં મંગલે સાદ પાડ્યો.
કાનજી વાઘેર ગીત ગાતા ગાતા હોડીને સાફ કરી રહ્યા હતા. તેણે સામે તેની જોયું. થોડી ઊંચી કદ કાઠી ધરાવતો વધેલી દાઢી મૂછ સાથે પાતળો ઊંચો યુવાન તેને બોલાવી રહ્યો હતો. અવાજ તો થોડો પરિચિત લાગતો હતો. પણ માણસ જરા ઓળખાતો ન હતો. તેણે કપાળે હાથ મૂકી વિસ્મય સાથે તેને ઓળખવાનો પ્રયત્ન કર્યો. ત્યાં સૂધીમાં મંગલ તેની નજીક આવી ગયો.
“રામ રામ કાનજીકાકા, ઓળખ્યો ?” બે હાથ જોડીને મંગલે પૂછ્યું.
પાછળ પાછળ ધાની ચાલી આવતી હતી. ધાનીને જોઈને થોડું યાદ કરીને કાનજી વાઘેરે કહ્યું, “તું તો ધાની છો ને, કેશવજી માલમની દીકરી ને ?”
પોતાનાંઓથી જ વિલુપ્ત રહીને જીવતા કાનજી વાઘેરને બાકીનાં લોકો સાથે કોઈ વિશેષ સંબંધ તો હતો નહીં એટલે તેને બંનેને ઓળખાતા વાર લાગી ગઈ.
“જી કાકા, તમે તો મને ઓળખી ગયા પણ આને કેમ ના ઓળખ્યા ?” ધાનીએ મંગલ સામે જોતાં બોલી, “અરે ! તું તો કહેતો હતો ને કે કાનજીકાકા મને ઓળખે છે. કાકા ક્યાં ઓળખે છે ?”
કાનજીને થયું કે આ છે કોઈ જાણીતો છોકરો ત્યાં જ તેને મનમાં થોડો ચમકારો થયો અને ઉત્સાહથી બોલી ઉઠ્યા, “મંગલ ? તું મંગલ છો ને ?”
“અરે વાહ ! કાકા, તમે તો મને ઓળખી ગયા.”
“અરે ઓળખે કેમ નો નહીં ! એટલો પણ ઘરડો નથી થઈ ગયો. આ તો તને દાઢી આવી ગઈ ને આવડો તાડ જેવો ઊંચો થઈ ગયો એટલે ઓળખવામાં થોડી વાર લાગી ગઈ. છેલ્લે જોયો ત્યારે મૂછનો દોરો ય ફૂટ્યો ન હતો અને અત્યારે તો જો કેવડો મોટો થઈ ગયો !” કાનજી કાકાએ કહ્યું.
બંને હસી પડ્યા.
“બેસો બેસો.” કાનજી વાઘેરે હોડીનું પાટિયું સાફ કરતાં તેઓને કહ્યું.
“અરે ના ના કાકા ! અંધારું થવા આવ્યું છે. મારે જવું પડશે. માડી રાહ જોતી હશે. હું જાઉં છું.” ધાનીએ કાનજીકાકાને કહ્યું પણ તેની નજર મંગલ સામે હતી અને ‘હું જાઉં છું’ એ શબ્દો જાણે તેને સંબોધીને કહી રહી હતી.
મંગલની નજર તેની સામે જોઈ રહ્યો. બંનેની આંખો મળી ને ધાની શરમાઈને આંખો નીચી કરીને હળવું સ્મિત કરીને ત્યાંથી નીકળી ગઈ. તે દેખાતી બંધ ન થઈ ગઈ ત્યાં સૂધી મંગલ તેની સામે જોઈ રહ્યો. પોતે તેને પહેલી વાર તો જોઈ રહ્યો ન હતો, પણ આજે કેમ જાણે તેમને ધાની અલગ લાગતી હતી. તેની વિદાય તેને વિહવળ બનાવી રહી હતી. પાછળ ઊભેલા કાનજી વાઘેર બંનેની મનોસ્થિતિને પારખી રહ્યા હતા. બંનેનાં અંતરમાં ઉઠતાં પ્રેમનાં સમુદ્રનાં મોજાની તીવ્રતાને કાનજી કાકા બરાબર સમજી શકતા હતા. તેણે મંગલને ઢંઢોળતા કહ્યું, “મંગલ, ક્યાં ખોવાઈ ગયો ? તે તો ચાલી ગઈ.”
અચાનક કાનજીકાકાનાં આ શબ્દોથી તે જાણે ભોંઠો પડ્યો હોય તેમ શરમાઈને નીચું જોઈ ગયો. કાનજીકાકા તેને જોઈને હસી પડ્યા.
To be Continued…
Wait For Next Time…