Mangal - 21 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 21

Featured Books
Categories
Share

મંગલ - 21

મંગલ
Chapter 21 -- અકસ્માત
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
ravisitapara.blogspot.com
M. 7567892860






-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ એકવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે પિતાને પાકિસ્તાનમાં બળજબરીથી ઘૂસણખોરીનાં આરોપમાં કેદ કરી તેનાં દેશ લઈ જવાય છે. જેથી ઘરનું ભરણપોષણ કરવા માટે કામની શોધમાં તે અલંગ ખાતે આવે છે અને વહાણ તોડવાનાં ઉદ્યોગમાં જોડાય છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું એકવીસમું પ્રકરણ
મંગલ Chapter 21 – અકસ્માત





Chapter 20 – અકસ્માત ગતાંકથી ચાલું...
ત્રણ વર્ષ આમ ને આમ વીતી ગયા. વર્ષે એક મહિનો મંગલ પોતાનાં ગામ તરફ પ્રયાણ કરતો. પરિવાર સાથે તે સમય ફાળવતો. લાખીબહેન એકલા પડી ગયા હતા. એકલતાની આ ક્ષણોમાં તેમનું જો કોઈએ ધ્યાન રાખ્યું હોય તો તે હતી ધાની. ધાની અને તેનાં પરિવારને મંગલનાં પરિવાર સાથે ખૂબ સારો સંબંધ. રોજ અથવા એકાંતરા તે એક વાર લાખીબહેનનાં ઘરે જાય અને કોઈ વસ્તુની જરૂર હોય તે લાવી આપતી.
સમય વીતતો ગયો. મંગલને લાયક સારી કોઈ કન્યા શોધી તેમને ઝટ પરણાવી દેવાની તેમની ઈચ્છા હતી. આસપાસનાં સગાઓને પણ આ અંગે વાત કરી જોઈ. ધાની પણ તેમની નજરમાં વસી ગઈ હતી પણ તેને સીધી વાત કરતાં સંકોચ થતો. અગાઉની વાત અલગ હતી, ત્યારે તો મંગલનાં બાપુ હતા, દરિયામાં તેમનો ધંધો પણ ઠીક ઠીક ચાલતો હતો. પણ હવે ઘણું બધુ બદલાઈ ગયું હતું. દીકરો જેમ તેમ કરીને બે પૈસા ભેગા કરીને પોતાનો ખર્ચો કાઢે અને પૈસા બચાવી ઘરે મોકલે. બચત પણ હવે ખાસ રહી ન હતી. આવી કંગાળ હાલત જે ઘરમાં હોય એવા ઘરમાં કોઈ મા બાપ પોતાની દીકરીને શા માટે મોકલે એમ વિચારીને લાખીબહેન મન મારીને બેઠા રહેતા.
વચ્ચે વચ્ચે તે ક્યારેક ધાનીને મળતો. પોતાની ગેરહાજરીમાં પોતાની માડીનું ધ્યાન રાખવા બદલ તે તેમનો આભાર માનવા લાગતો પણ પોતાનાં મનની વાત તેમનાં જીભે ના આવતી. બંને પરસ્પર એકબીજાને મનોમન પસંદ કરતા પણ ધાનીનાં કાન એક વાર પોતાનાં માટે શું લાગણી છે એ સાંભળવા માટે તલસતા રહેતા. મંગલ હવે જવાબદારીનાં બોજ તળે દબાઈ રહ્યો હતો. તેનાં માટે ધાનીને પોતાની મનની વાત કહી દેવી જેટલી સરળ હતી તેનાંથી કઠિન હતું લગ્ન પછી તેને બધા સુખ આપવા. અલંગમાં મજૂરોની વસાહતમાં જ કોઈ જાતની સુવિધા વગરની કાચી ઝૂંપડી જેવા મકાનમા તે રહેતો હતો. લગ્ન પછી તે ધાનીને એવી જગ્યાએ રાખશે ? ટૂંકી આવકમાં તે બધાનો ખર્ચ કેવી રીતે કાઢશે ? મંગલ મનોમન ભારે ગડમથલ અનુભવતો. ઘરે પણ લગ્નની વાત આવતી તો તે હમણાં નહીં કહીને ટાળી દેતો. ધાનીબહેન ભારે નિ:સાસો નાખી દેતા. જો કે ધાની ક્યારેય આ બાબતે ફરીયાદ કરતી નહીં. કદાચ તે મંગલનાં મનમાં ઉઠતાં વંટોળને પામી જતી હશે. કદાચ આ જ સાચો પ્રેમ હશે.
એક મહિનો પૂરો થતાં તે પાછો ચાલ્યો જતો, મનને ત્યાં જ રાખીને. ફરી એ જ લઢણ પ્રમાણે યંત્રવત કામે વળગી જવાનું. યંત્રોનાં કર્કશ અવાજ અને તૂટતાં વહાણોનાં કાટમાળ તળે કંઈ કેટલીય નિરાશાઓ દબાઈ જતી. ‘બધુ સારાવાના થઈ જશે’, એવા માડીનાં મોઢે નીકળતા વચનો તેને જોમ અને જુસ્સો પૂરો પાડતા હતા અને તે ફરીથી કામે વળગી જતો.
ત્રણેક વર્ષમાં મંગલ વહાણોનાં કટિંગ કામમાં સારો એવો ઘડાઈ ગયો હતો. નવા આવનારા મજૂરો જેને આ કામમા કોઈ અનુભવ ન હતો. એક છોકરડા જેવો માણસ નવોસવો કામે લાગ્યો હતો. તેને મંગલની સાથે સાથે કામ કરવા માટે નીમી દીધો.
“શું નામ છે તારું ? ક્યાંથી આવ્યો છે ?”
“વિનુ. ગોધરાથી આવું છુ. કમાવા આવ્યો છુ. શેઠે તમારી સાથે કામે કામ કરવા માટે રાખ્યો છે.” નવા આવેલા છોકરાએ કહ્યું.
મંગલે તેને બરાબર જોયો. મૂછનો દોરો પણ હજુ માંડ ફૂટ્યો હોય એવો વિનુ ભણવાની ઉંમરે કમાવવા લાગી ગયો હતો. આમ પણ તેનાં ઘર કે ગામ આખામાં કોઈને ભણતર ચડ્યું ન હતું. નાની મોટી મજૂરી કરતાં કરતાં કામની શોધમાં ઘણા યુવાનો અહીં આવી ચડતા હતા અને વહાણ પોતે પોતાની અંતિમ સફરે પણ કેટલાંયનો પેટનો ખાડો પૂરતો હતો. મંગલથી તે ચારેક વર્ષ જ નાનો હતો. એક સમયે મંગલ પણ આવી જ અવસ્થામાં ત્યાં આવ્યો હતો. આજે વિનુ તેની જગ્યાએ હતો.
“આ ગેસ કટરથી કટિંગ ફાવશે ? ક્યારેય આની સાથે કામ કરેલ છે ?” નવા આવેલા છોકરાને મંગલે પૂછ્યું.
“ના.” એક જ શબ્દમાં વિનુએ જવાબ આપ્યો.
“એક કામ કર. મારી સાથે કામ કરતો રહેજે હેલ્પર તરીકે. ધીમે ધીમે શીખી જઈશ.”
વિનુએ હા માં માથું ધુણાવ્યું.
મંગલે છોકરાને પોતાની સાથે લીધો. પછી તેને કટિંગ કામ પહેલા જરૂરી સાધનોની જાણકારી આપવા લાગ્યો.
“આ જો. આ જે ગેસનાં બાટલાઓ છે એમાં બે જાતનાં બાટલાઓ છે.” મંગલ આટલું કહેતાં વિનુને તેની પાસે લઈ ગયો, “આ બધા ઓક્સિજનનાં બાટલા છે. બાટલાની જમણી બાજુ ઉપર તરફ તેનું રેગ્યુલેટર છે. આ રેગ્યુલેટરમાં ગેસનું પ્રેશર જરૂર પૂરતું રાખવાનું રહેશે. સમજાઈ ગયું ?”
જવાબમાં વિનુએ હા માં માથું ધુણાવ્યું. “અને આ બાટલા ? આ બાટલા પણ ઓક્સિજનનાં જ છે ?” વિનુએ પ્રશ્ન કર્યો.
“ના. એ ઓક્સિજનનાં બાટલા નથી. તેને એસિટિલીન સિલિન્ડર કહે છે. તેમાં એસિટિલીન ગેસ ભરવામાં આવે છે. તેમાં રેગ્યુલેટર ડાબી બાજુએ હશે. આ પાનું છે, જેનાથી આ બે ય બાટલાઓનાં રેગ્યુલેટરને બાટલાઓ સાથે જોડવાના રહેશે. આમાં ભૂલ ના થાય એ ખાસ જોજે. આ બંને બાટલાઓમાંથી જે નળી નીકળે છે, તે આ ગેસ કટિંગ ટોર્ચ છે. તેનાં આ બંને છેડે આ બે નળી જોડેલી છે. આ બંને નળી આદિ અવળી જોડાઈ ન જાય એનું ધ્યાન રાખજે. અને બીજું ખાસ, ઓઈલ હોય એવા ભાગમાંથી પહેલા ઓઈલ કાઢી લેવું. એવા ભાગને પહેલા બરાબર સાફ કરી લેવા. ઓઈલ વાળા ભાગમાં ગેસ કટિંગ ટોર્ચ ચાલુ ન કરતો, બરાબર ?” મંગલે વિનુને ગેસ કટિંગ માટે જરૂરી વસ્તુઓની એક પછી એક સમજ આપવા લાગ્યો. જવાબમાં વિનુ ‘હા હા’ જ કરતો રહ્યો.
હાથમાં ગેસ કટિંગ ટોર્ચ હાથમાં લઈને એને કેમ પકડવી અને કેમ ચાલુ કરવી એ એક સાધન લઈને એની પર જ ચાલુ કર્યું. એની પહેલા તેણે વિનુને હાથમાં પહેરવાના મોજા અને ખાસ ચશ્મા પણ આપ્યા અને પોતે પણ પહેર્યા. ગેસ કટિંગ ટોર્ચના હેન્ડલથી પકડીને તેની આગળ આવેલી બે કાંસાની બનેલી નળીઓ વિશે સમજાવ્યું. ત્યાંથી આગળ મોરાનાં ભાગે આવેલ હેડ અને તેની સાથે જોડેલ તાંબાની નોઝલ વિશે સમજાવ્યું. લાઈટરથી એસિટિલીન ગેસ અને પછી ઓક્સિજન છોડી અગ્નિની જ્વાળા થકી એક પ્લેટને કાપીને બતાવી. વિનુ બધુ ધ્યાનથી જોઈ અને શીખી રહ્યો છે એમ માનીને મંગલ તેને આ બધુ શીખવી રહ્યો હતો.
થોડા દિવસો તેની નીચે રહીને વિનુ અમુક કામો શીખી ગયો હતો. પણ તેનામાં જોઈએ એટલી ચોક્સાઈનો અભાવ હતો. આવા કામમાં ખૂબ જ તકેદારી રાખવી પડતી હોય છે. પોતાની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. વળી, સરકાર તરફથી નક્કી કરાયેલા મજૂરોનાં સુરક્ષાનાં બધા જ ધારાધોરણ સ્થળ પર કે કોઈ પેઢીમાં અપનાવાતા હોય એવું બહું ખાસ બનતું નહીં. એટલે નાના મોટા અકસ્માતો ક્યારેક ક્યારેક બનતા રહેતા.
તે દિવસે મંગલ અને બીજા મજૂરો સાધન સામગ્રી લઈને વહાણનાં ઉપલા ડેક ઉપર ચડ્યા હતા. આગળનો એક મોટો ભાગ કાપવાનો હતો. સાધન સરંજામ તૈયાર કર્યા અને મંગલે વિનુને ખાલી થઈ ગયેલા બાટલાઓમાંથી રેગ્યુલેટરને કાઢીને બાટલાઓને એક બાજુ રાખી ભરેલા બાટલાઓને રેગ્યુલેટર ચડાવવાનું કહ્યું. વિનુએ જૂના ખાલી થઈ ગયેલા રેગ્યુલેટરને કાઢીને નવા એસિટિલીન ગેસનાં બાટલામાં તે ચડાવ્યું અને તેને ગેસ કટર ટોર્ચમાં લાગેલી લાલ નળી સાથે જોડ્યા પહેલા જ વાલ્વ ચાલુ કરી દીધો.
જેવો વાલ્વ ચાલુ કર્યો કે પ્રચંડ વેગથી વાયુ બાટલામાં ઉપર ચડી બાટલાની ઉપર તરફ લાગેલી નોઝલ મારફતે નળીમાં નીકળવાનું શરૂ કર્યું પણ વિનુએ ચુસ્ત રીતે બાટલામાં રેગ્યુલેટર બંધ કરેલ ન હતું. પરિણામે વાયુનાં પ્રચંડ દબાણ તળે રેગ્યુલેટર ફેંકાઈ ગયું અને ત્યાં કામ કરતાં એક મજૂરને લાગી ગયું. મજૂરનાં હાથમાં રહેલ પાના છટકી ગયા અને ઈજાઓ પહોંચી. બાટલામાંથી જોર જોરથી બહાર ફેંકાતા વાયુને પરિણામે આગ લાગવાની સંભાવના પણ વધી ગઈ. આજુ બાજુની વસ્તુઓ આ વેગને જીરવી શકવામાં અસમર્થ હતી. તે આમ તેમ પડવા લાગી. અમુક દૂર દૂર ફંગોળાવા લાગી. વિનુ બાટલાથી થોડે દૂર જ ગયો ત્યાં જ આ ઘટના ઘટી. અચાનક આવું થવાની તેને કલ્પના સુદ્ધાં ન હતી. તે હેબતાઈ ગયો અને ત્યાં જ ઊભો રહી ગયો.
મંગલે જોયું કે વિનુ સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો છે અને બાજુમાં ઊભું રાખેલ પતરું વિનુ માથે પડી શકે તેમ છે એટલે હાથમાં રહેલા મોજા પડતાં મૂકીને તે વિનુ ભણી દોડી ગયો અને તેને ધક્કો મારીને હડસેલી દીધો. પણ એ જ સમયે પતરું પણ તેની બાજુમાં પડ્યું અને તેનો એક ધારદાર ભાગ ડાબા હાથમાં એક લાંબો કાપ મૂકતું ગયું અને ડાબા હાથનો અંગૂઠો કાપતું ગયું. માથે પહેરેલા હેલ્મેટે જીવ તો બચાવી લીધો પણ એક અંગૂઠો ગુમાવી દીધો હતો. બીજા માણસોએ બાજુએથી જઈને ઝડપથી વાલ્વને બંધ કરી દીધો. મંગલનાં હાથમાંથી લોહીની ધારાઓ વહેતી થઈ ગઈ. આજુ બાજુનાં માણસો ભેગા થઈ ગયા અને તેને લઈને સીધા નજીકનાં દવાખાને દાખલ કર્યો.
દવાખાને હાથમાં લાગેલા ઘા ની સારવાર કરી અને પાટા પીંડી કરી. થોડા દિવસો કામ બંધ કરવાની સલાહ આપી. દવાખાનેથી સાથીઓ તેને તેની ઓરડીએ લઈ ગયા. પાડોશીએ તેમનાં માટે જમવાની વ્યવસ્થા કરી દીધી. સાંજ પડી ગઈ. મંગલને કપાયેલા અંગૂઠા કે ઘાયલ થયેલા હાથ કરતાં બંધ થયેલા કામથી તેની રોજી રોટી પર જે અસરો પડશે તે વિચારીને તે વધુ ચિંતામાં મૂકાયો. કામ બંધ કરવું તેને પરવડે તેમ ન હતું અને ચાલુ રાખી શકાય તેવી તેની પરિસ્થિતિ ન હતી. એ જ ચિંતામાં તે ડૂબેલો હતો ત્યાં જ દરવાજે કોઈ આવીને ઊભું. મંગલે નજર ઊંચી કરીને જોયું તો સામે વિનુ ઊભો હતો.
To be Continued…
Wait For Next Time…