Anyay - 5 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | અન્યાય - 5

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

અન્યાય - 5

અન્યાય

કનુ ભગદેવ

૫: દિલીપનું તોફાન!

ડીલક્સ હોટલનો નીચેનો કોમન હોલ ગ્રાહકોથી ચિક્કાર હતો.

રવિવાર-સહેલાણીઓનો, આરામનો-મોજ-મસ્તીનો દિવસ!

સાંજના સાત વાગી ગયા હતા.

હોટલનો લાંબો-પહોળો, અને વિશાળ હોલ આધુનિક ફર્નીચર તથા ઇલેક્ટ્રિક લાઈટના ડેકોરેશનથી ઝળહળતો હતો. આ હોટલ બંદર રોડ પર આવેલી હતી.

સામે અફાટ સાગર ઘૂઘવાટા મારતો હતો.

ખૂબસૂરત રંગબેરંગી આકર્ષક કાર, મોટરસાયકલ અને ફૂટપાથો પર રાહદારીઓની જબરી ભીડ હતી.

પારદર્શક કાચવાલા ખૂબસૂરત દરવાજામાંથી હોલની અંદર પગ મૂકતાં જ ડાબા હાથે, ચાર ચાર વિવિધ રંગો ધરાવતા ટેલિફોનથી શોભતું લાંબુ, સનમાઈકા જડિત કાઉન્ટર હતું. કાઉન્ટરની બાજુમાં આવેલા એક ખંડના બારણા પર મેનેજરની તકતી ચમકતી હતી. પ્રવેશદ્વારની જમણી તરફ કલોક રું તથા ટોઇલેટ હતા. એ જ તરફ ઉપરના હોલમાં જવા માટે સંગેમરમરની, લાળ રંગની કાર્પેટ બીછાવેલી સીડી હતી.

સ્પ્રીંગવાળો દરવાજો ઉઘાડીને કેપ્ટન દિલીપ, શાંતાનો હાથ પકડીને અંદર પ્રવેશ્યો. એની નજર એક પછી એક ટેબલ પર ફરી વળી.

એક વેઈટરની નજર એના પર પડી. દિલીપના ચહેરા પરની નિરાશાને કળી જઈને એ તેની પાસે આવ્યો.

‘પ્લીઝ ગો ઓન સર...’ એણે સીડી તરફ આંગળી ચીંધતા કહ્યું.

‘થેંક્યુ બોય...’ દિલીપે ગજવામાંથી એક દસીયું કાઢીને, ખુશગવાર મૂડમાં તેના હાથમાં મૂકી દીધું.

જાણે પૂરા એકસો રૂપિયા બક્ષીસ આપ્યા હોય એવો પરમ સંતોષ દિલીપના ચહેરા પર તરવરતો હતો.

વેઈટરની આંખો તો ઠીક, મોઢું સુધ્ધાં નર્યા-નિતર્યા આશ્ચર્યથી ફાટી ગયું.

‘સર...આ...’ એણે દિલીપનું ધ્યાન પોતાની હથેળીમાં રહેલા દસ પૈસાના સિક્કા પર કેન્દ્રિત કર્યું.

‘ઓહ...એ...આ...?’ દિલીપે ઠાવકા અવાજે જવાબ આપ્યો. ‘અરે ભાઈ...પૂરા દસ પૈસા છે...! શું કરું? એક,બે અને ત્રણ અને પાંચ પૈસાવાળા સિક્કા હું ઘેર ભૂલી આવ્યો છું એટલે ન છૂટકે તને બધાં જ દસ પૈસા આપી દીધા. સાલ્લું...હમણાં હમણાં હું વિશાલગઢ આવીને દાતારનો દિકરો થઈ ગયો છું. લઈ જા...ભાઈ, આ દસ પૈસાની મારા તરફથી એકાદી પીપરમેન્ટ ખાઈ લેજે!’

‘વોટ...?’ વેઈટરનું મોં લાલચોળ થઈ ગયું.

ક્રોધ અને રોષથી તે થરથરતો હતો.

‘અરે...અરે...’ દિલીપ મૂર્ખની જેમ હેબતાઈને બોલ્યો.

વળતી જ પળે પોતે શું ગુનો કર્યો છે એમ પૂછતો હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાઈ ગયા.

શાંતા પરાણે પરાણે હાસ્યને ખાળી રહી હતી. જો હાલ ચિક્કાર ન હોત તો એ હસી હસીને બેવડી થઈ જાત.

‘આ...આ...’ વેઈટરે ક્રોધથી ફરી વાર દસ પૈસાના સિક્કા સામે જોયું.

દિલીપના ચહેરા પર મૂંઝવણના હાવભાવ ઊપસી આવ્યા.

‘સાલ્લું...ભૂલમાં ખોટું આપું દીધું કે શું...?’ જાણે સ્વગત બબડતો હોય એવો અવાજ એના ગળામાંથી નીકળ્યો.

હવે એ વાત જુદી હતી કે, તે આજુબાજુમાં બેઠેલા માણસોને પણ સ્પષ્ટ રીતે સંભળાય એટલા ઊંચા અવાજે બોલ્યો હતો.

પછી એણે ગજવામાં હાથ નાખ્યો. ચીલર ખખડવાનો અવાજ આવ્યો. પણ ત્યારબાદ વળતી જ પળે એના ચહેરા પર નિરાશા ફરી વળી. એણે વેઈટરના હાથમાંથી દસીયું આંચકી લીધું.

‘સોરી સર...’ એ વેઈટર સામે જોઈને દિલગીરીભર્યા અવાજે બોલ્યો, ‘છૂટા નથી. હા, એક માર્ગ છે. તમારી પાસે દસીયું છૂટું છે? તો હું તમને પાવલી આપું.’

કોઈક ઘનચક્કર આજે ભટકાયો છે. એવું વેઈટરને લાગ્યું. જો દિલીપની સાથે શાંતા ન હોત તો વેઈટર શું કરત એ ભગવાન જાણે!

એ મોં બગાડીને ત્યાંથી વ્ચાલ્યો ગયો.

‘ગયો...? અરે...પણ દસીયું તો...’

એકાએક શાંતાએ તેને જમણી તરફ ખેંચ્યો.

એ ચૂપચાપ આજ્ઞાંકિત બાળકની જેમ એની પાછળ ધસડાયો.

‘આ શું માંડ્યું છે?’ સીડીના પગથિયા ચડતા ચડતા શાંતાએ પૂછ્યું.

‘શું?’ દિલીપ ગંભીરતાથી બોલ્યો.

‘વેઈટરને બિચારાને...’

‘ઓહ...એ...!’ દિલીપ હસી પડ્યો, ‘વાત એમ છે શાંતા ડીયર, કે આ ખૂબ ટૂંકા સમય પછી, સ...સોરી, ખૂબ લાંબા સમય પછી હું મારા અસલી મૂડમાં આવ્યો છું. અત્યારે મારામાં જોર જોરથી, બરાડી બરાડીને અટ્ટહાસ્યો કરવાની તીવ્ર અને પ્રબળ લાલસા ઉછાળા મારી રહી છે. પણ કમબખ્ત હસવું જ નથી આવતું. સાલ્લો વેઈટર પણ બોદો નીકળ્યો! દસીયું લીધા વગર જ રવાના થઈ ગયો! હવે જયારે નીચે ઉતરીશું ત્યારે એને શોધીને મનાવવો પડશે.’

વાતો કરતાં કરતાં તેઓ ઉપરના હોલમાં આવ્યા.

અહીં વાતાવરણ એકદમ શાંત હતું અને ભીડ પણ ઓછી હતી. ચોરસાકાર લોબી વટાવીને તેઓ નીચેના દ્વારની બરાબર સામે પડતા ભાગમાં આવ્યા. અહીં બે-ત્રણ ટેબલો ખાલી હતાં.

એક ટેબલ પર તેઓ ગોઠવાયાં.

રેલિંગની પેલે પાર નીચેનું પ્રવેશદ્વાર દેખાતું હતું.

‘જો દિલીપ...!’ શાંતાનો અવાજ ગંભીર હતો, ‘આપણે અહીં ફરવા ,અતે આવ્યા છીએ. કોઈકની મજાક ઉડાવવા નહીં! દુનિયામાં શેરને માથે સવાશેર હોય જ છે! કોઈક બે માંથાનો ભેટી ગયો તો પછી તારે ઓછામાં ઓછું ત્રણેક મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પાડશે! માટે ભલો થઈને શાંત રહેજે! અગાઉ પણ તું આ રીતે ઘણાની મશ્કરી કરી ચૂક્યો છે. આ બરાબર નથી.’

‘ઓ.કે… ઓ.કે… લે… તું કહે છે તો ચૂપ થઈ જાઉં છું.’ અને જાણે ક્યારેય ન ઉઘાડવાના હોય એ રીતે દિલીપના હોઠ પરસ્પર ભીડાઈ ગયા.

‘વેઈટર...’ શાંતાએ ધીમે અવાજે ત્યાંથી પસાર થતા એક વેઈટરને બોલાવ્યો.

સફેદ વર્દીમાં સજ્જ થયેલો વેઈટર તેમના ટેબલ પાસે આવ્યો.

‘શું મંગાવવું છે?’ શાંતાએ મેનૂ કાર્ડ ઉથલાવતાં પૂછ્યું.

‘પહેલા તું તારો ઓર્ડર આપી દે.’ દિલીપે જવાબ આપ્યો.

શાંતાએ પોતાને માટે ચીપ્સ તથા કોફીનો ઓર્ડર આપ્યો.

ત્યારબાદ વેઈટરે દિલીપ સામે જોતાં પૂછ્યું, ‘આપને માટે શું લાવું સાહેબ?’

‘રીંગણાનો રોટલો, બાજરાનો ઓળો...ભૂલ્યો...બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો અને ગરમાગરમ એકદમ તીખી, કાનમાંથી સોરી...આંખમાંથી પાણી નીકળી જાય એવી તમતમતી કઢી...!’ દિલીપનો અવાજ ઓર્ડર આપતી વખતે એકદમ ગંભીર હતો. એની બેદરકારીભરી નજર નીચે, હોલના દૃશ્યને અવલોકી રહી હતી.

‘જી...ઈ...ઈ...’ મદ્રાસી વેઈટરની જીભ અચરજથી બહાર નીકળી આવી.

‘અબે ગધ્ધા...! ધીમે બોલ...! હું બહેરો નથી. તારા અવાજથી હું તો સાલ્લો ભડકી જ ગયો! ઘડીભર તો થયું કે સાલ્લું...મારા દિલના વિશાળગઢ પર પાકિસ્તાનીઓએ જામગરી વગરનો બોંબ ફેંક્યો કે શું? એણે વેઈટરને તતડાવ્યો.

વેઈટરે લાચારીથી શાંતા સામે જોયું. તે કદાચ દિલીપની વાતનો એક પણ શબ્દ નહોતો સમજ્યો.

‘હવે એની સામે શું આંખો ફાડી ફાડીને જુએ છે? એણે તો ઓર્ડર આપી દીધો છે. જા હવે, અને સાંભળ, ડુંગળીની કાતરી તથા લીલા લસણની ચટણીની પણ એક એક પ્લેટ લેતો આવજે.’ કહીને એણે ફરીથી નીચે હોલમાં નજર દોડાવી.

પછી સહસા એના પગ પર શાંતાનો પગ દબાયો.

‘બાપ રે...’ જાણે ટેબલ નીચે બેઠેલા કોઈક કાળા ભોરિંગે પગમાં ડંખ માર્યો હોય એમ એણે પગને આંચકો મારીને ઉપર ખેંચી લીધો. પછી બંને પગના પંજા ખુરશીની ગાદી પર જ ટેકવીને તે ઉભડક પગે બેસી ગયો.

ત્યાર બાદ એની નજર સામે ઉભેલા વેઈટર પર પડી. અને તે એના પર વિફરી પડ્યો, ‘અરે...તું હજુ પણ નથી ગયો....? મને તો એમ કે તું ઓર્ડરનો સામાન લઈ આવ્યો છે અને મેં જમી પણ લીધું છે.’

‘પ્લીઝ, દિલીપ...!’ શાંતા બોલી, ‘હવે અવળચંડાઈ બંધ કર. એ બિચારાને સીધી રીતે ઓર્ડર આપી દે.’ અને ત્યારબાદ એણે પોતાના કપાળ પર વર્તુળાકારે આંગળી ફેરવીને વેઈટરને સમજાવ્યું-આ માનસ ક્રેક છે...ચસ્કેલ છે...એનું ખસી ગયું છે.

‘અઈયોયો...’ મદ્રાસીએ બંને હોઠ વચ્ચેથી સર્પની ફેણની જેમ લાંબી જીભ બહાર કાઢી. એના ચ્હેરા પર દિલીપ પ્રત્યે સહાનુભૂતિના હાવભાવ છવાઈ ગયા.

શાંતાએ દિલીપ માટે પણ ચીપ્સ તથા કોફીનો ઓર્ડર આપી દીધો.

એ માથું હલાવીને ચાલ્યો ગયો.

‘દિલીપ...’ શાંતાએ દિલીપ sઅમે જોતાં કહ્યું.

‘ફરમાવો...’ દિલીપ માથું નમાવીને કુરનીશ બજાવતાં બોલ્યો.

‘તું જેની તેની મજાક ઉડાવે છે. પણ કોઈક દિવસ જો કોઈ માથાનો ભેટી ગયો તો તારું જડબું ભાંગી નાખશે સમજ્યો?’

‘માથાનો તો એક તરફ રહ્યો શાંતા! હજુ સુધી કોઈ પગનો પણ નથી ભટકાયો. દિલીપ ધી ગ્રેટ સામે ટક્કર લેવાની કોઈની તાકાત નથી સમજી? આવી ઠંગધડાવગરની વાત ઉચ્ચારીને તે મારા દિલના કરાંચી પર હિન્દુસ્તાની હવાઈબાજની માફક બોંબ ઝીંક્યો છે પણ વાંધો નહીં. બંદાએ બોંબપ્રુફ ગંજીફરક પહેર્યું છે એટલે મારા દિલના કરાંચીને કંઈ જ નુકસાન નથી થવાનું. અરે...અરે...પણ તારું ધ્યાન ક્યા છે? મેં કહ્યું એ તે સાંભળ્યું કે નહીં?’

અને પછી એણે હતાશ થઈ ગયેલી સ્ત્રીની જેમ કપાળ પર હાથ પછાડ્યો.

એ જ વખતે પેલો દસીયાવાળો વેઈટર ત્યાં આવ્યો.

દિલીપે સંકેતથી તેને નજીક બોલાવ્યો.

‘અહીં સામે જે ટોકીઝ આવેલી છે તેમાં ક્યું પિક્ચર ચાલે છે?’

‘અલબેલા...’ વેઈટરે મોં બગાડતાં જવાબ આપ્યો.

‘તું મને એની બે ટિકિટ લાવી આપીશ?’

‘માફ કરજો દસીયા સાહેબ!’ વેઈટર કડવું હાસ્ય કરતાં બોલ્યો,’દસ પૈસામાં તમારે આખી હોટલ ખરીદવી છે કે શું? છતાં પણ તમે સારા માણસ લાગો છો. નહીં તો તમારા જેવા દસીયાદાસ તો આખો તાજમહેલ જ વેંચાતો લઈ લેવાની વાત કરે.’

‘તું તો નારાજ થઈ ગયો દોસ્ત!’ દિલીપે ગજવામાંથી વીસ રૂપિયાની નોટ કાઢીને તેની સામે લંબાવતાં કહ્યું, ‘લે, આ તારું ઇનામ!’

‘રહેવા ડૉ સાહેબ!’ એ કટાણું મોં કરીને બોલ્યો, ‘વીસની નોટ આપીને પછી તમે મારી પાસે ક્યાંક ઓગણીસ રૂપિયા ને નેવું પૈસા પાછા માંગશો.’

‘ચાલ...હવે બહુ થયું. આ આખી નોટ તારી!’ દિલીપે વેઈટરના હાથમાં નોટ પકડાવી, ‘પણ તારે મને અલબેલાની છેલ્લા શોની ટિકિટ લાવી આપવી પડશે.’

વેઈટરે દિલીપ સામે જોયું પછી એની આંગળીઓ નોટ સાથે જ પેન્ટના ગજવામાં સરકી ગઈ.

‘ઠીક છે...ટિકિટના પૈસા આપો...!’ એણે કહ્યું.

દિલીપે વીસની એક વધુ નોટ તેને આપી. એ ત્યાંથી વિદાયથઈ ગયો.

પાંચ મિનિટ પછી તેમના ઓર્ડરની વસ્તુઓ આવી ગઈ.

બંનેએ ચીપ્સ ખાઈને કોફી પીધી.

આ દરમિયાન દસીયાવાળો વેઈટર અલબેલાની બે ટિકિટ આપી ગયો.

દિલીપે ઘડિયાળમાં સમય જોયો. સવા નવ વાગ્યા હતા.

બીલ ચુકવી, બહાર નીકળીને તેઓ થિયેટરમાં પહોંચી ગયા.

‘હે...ઈ...ઈ...’ દિલીપે જમણા કાન પર હાથને એક ગાયકની અદાથી ગોઠવી, અરીસા સામે ઊભા રહી, આંખો બંધ કરીને લહેકાથી શરૂ કર્યું.

‘ધીરે સે આના કમરે મેં હો...સત્તો, ધીરે સે આના...’

સવારના નવ વાગ્યા હતા. નાગપાલ, શશીકાંત મર્ડર કેસનાં અનુસંધાનમાં તપાસ કરવા માટે ગઈ કાલે સાંજે જ ક્યાંક બહાર ગયો હતો.

આજ કાલ કોણ જાણે કેમ શાંતા દિલીપ પર ખુશખુશાલ રહેતી હતી. એ દરરોજ સવારે સાડાઆઠ વાગ્યા પછી નાગપાલના બંગલે આવતી અને પોતામાં હાથે જ દિલીપ માટે ચા-નાસ્તો તૈયાર કરીને તેના કમરામાં લઈ જતી. શાંતાની આ અપાર, પારાવાર, વણમાગી મહેરબાનીનું કારણ દિલીપને નહોતું સમજાતું. પરંતુ એ બેફિકરો-પોતાની જ મસ્તીમાં જીવવાના સ્વભાવવાળો યુવાન હતો એટલે આ મહેરબાનીનું કારણ જાણવાનો એણે પ્રયાસ પણ નહોતો કર્યો. આ પણ શાંતાનો એક જાતનો મૂડ હશે એમ એણે માન્યું હતું.

નાગપાલની ગેરહાજરીમાં તે આખું ઘર માથે લેતો હતો. નોકર-ચાકરો એની અવળચંડાઈથી ત્રાસી જતા હતા.

ગઈ કાલે રાત્રે એ શાંતા સાથે ભગવાનદાસની હિન્દી ફિલ્મ અલબેલા જોઈ આવ્યો હતો. એ ફિલ્મના એક ગીતની કડી અત્યારે તે ગણગણતો હતો. પરંતુ શબ્દોમાં એણે ધરખમ ફેરફાર કર્યો હતો.

‘ધીરે સે આના રે...’

‘ટક્… ટક્… ટક્...’

બાથરૂમના દ્વાર પર ટકોરા પડ્યા.

‘આંય...’ ઝબકીને એણે આંખો ઉઘાડી. પછી અરીસામાં પોતાના ચહેરાને નિહાળ્યો.

ટુવાલને એણે કમ્મર પર બરાબર રીતે કસ્યો.

ત્યારબાદ આંખો મીંચીને જ એણે બાથરૂમનું બારણું ઉઘડ્યું અને શાંતાને બાહુપાશમાં જકડી લેવા માટે આતુર બનીને, બંને હાથ ફેલાવતો બહાર નીકળ્યો.

અને પછી ભાવાવેશમાં જ એણે બંને હાથને બાહુપાશના રૂપમાં સમેટી લીધા.

‘તેરી અખિયાં તો હે ગોરી ગુલાબી...ઔર તેરી નાક તો હે બડી સુહાની...’

સહસા એના હાથને આંચકો લાગ્યો. અને પછી કાનમાં કર્કષ અને બરછીની ધાર જેવો અણગમતો લાગતો અવાજ સંભળાયો.

‘સ...સા’બ...મારી આંખો તો કા...કાળી છે...કાળી...! અને નાક તો તમે જ વખોડીને કહેતા હતા કે હકલા...આ તારું નાક તો જો...જંગલી ગેંડા જેવું છે...!’

દિલીપે ચમકીને આંખો ઉઘાડી.

શાંતાના ખૂબસૂરત ચહેરાને બદલે હકલાના ચહેરાના સામે દર્શન થયા.

રાબેતા મુજબ ટકોરા મારનાર શાંતા છે એમ જ માનીને તે બાથરૂમમાંથી બહાર નીકળ્યો હતો અને પછી એણે આંખો બંધ રાખીને જ હક્લાને બાથ ભરી લીધી હતી.

એનો મૂડ આઉટ થઈ ગયો.

‘અબે હકલા...સાલ્લા ગધેડા...! આજે સવારના પહોરમાં જ તે તારું મનહુસ ચોકઠું શા માટે મને બતાવ્યું? કમબખ્ત... મારો તો mood જ ખરાબ કરી નાખ્યો...ચાલ, ટળ અહીંથી...!’

‘મૂડ તો હજી ખરાબ થશે છોટા સા’બ...!’

‘કેમ...?’

‘ત...તમે મને ગધેડો...કહ્યો કેમ...? ઠીક છે...હું ગધેડો બનવા તૈયાર છું...વાંધો નહીં...હવે આ ગધેડાની લ...લાત ખાવા પણ ત...તૈયાર રહેજો...’ હકલો દિલીપથી દૂર ખસતાં બોલ્યો.

‘અબ્બે...સાલ્લા પાજી...તું મને ધમકાવે છે? દિલીપ ધિ ગ્રેટને...?’ એ રોષભેર તેની પાછળ દોડ્યો.

‘ટ...ટુવાલ...ટુવાલ સંભાળો સા’બ...! ક્યાંક દોડતા દોડતા...છ...છૂટી...હા, છૂટી જ...જશે...’

અને પછી તે એક જ કુદકે બારણામાંથી બહાર નીકળી ગયો.

દિલીપે દાંત કચકચાવ્યા.

હક્લાની પાછળ ફક્ત ટુવાલભેર જઈ શકાય તેમ નહોતું.

એ પાછો ફર્યો.

ઝપાટાબંધ એણે વસ્ત્રો બદલાવ્યાં.

પછી બાથરૂમમાં, અરીસા સામે જોઈને વાળમાં કાંસકો ફેરવ્યો. ત્યારબાદ એ બહાર નીકળ્યો.

ખટાખટ, સીડીના પગથીયાં પર સ્લીપર ટપટપાવતો એ નીચે ઉતરવા લાગ્યો.

‘ક્યાં મૂઓ હકલો...’ એ જોરથી બરાડ્યો, ‘સાલ્લાની આજે તો ટાલ જ રંગી નાખું...નાલાયકે આજે સવારના પહોરમાં જ પોતાનું મનહુસ ચોકઠું બતાવીને મારો દિવસ બગડી નાખ્યો. હકલા...એ હકલા...’

પણ પછી ડ્રોઈંગરૂમમાં પગ મૂકતાં જ એની બોબડી બંધ થઇ ગઈ.

એક ખુરશી પર નાગપાલને બેઠેલો જોઈને એ સ્તબ્ધ બની ગયો.

નાગપાલનો ચ્હેરો ગંભીર હતો. એના હાથમાં પાઈપ જકડાયેલી હતી.

ડ્રોઈંગરૂમમાં પ્રિન્સ હેનરી તમાકુની કડવી મીઠી મહેંક ફેલાયેલી હતી.

એણે દિલીપ સામે કઠોર નજરે જોયું.

‘શું કરતો હતો...?’

‘જી...અરીસામાં...’

‘હું પૂછું છું કે તું શું કરતો હતો...?’

‘અરીસામાં ઊભો ઊભો બાથરૂમમાં મારો ચ્હેરો નિહાળતો હતો.’ દિલીપ ગભરાટના કારણે ઝપાટાબંધ બોલી ગયો. પણ પછી તરત જ એને પોતાની ભૂલ સમજાઈ, ‘સ...સોરી અંકલ, અરીસામાં નહીં, પણ બાથરૂમમાં ઊભો રહીને અરીસામાં મારો ચ્હેરો જોતો હતો/’

‘હમણાં હમણાં તારી અવળચંડાઈ બહુ વધી ગઈ છે. હક્લાનું શું હતું હમણાં, તે આમ બરાડા નાખતો હતો?’

‘અંકલ...પ્લીઝ, મંદ એને ભૂલ્યો છું. એટલે હવે યાદ ન કરાવો...’

‘મારી સામે બેસ...તારું જરૂરી કામ છે...’ નાગપાલના અવાજમાં આદેશનો સૂર હતો.

દિલીપ કચવાતા મને નાગપાલની સામે બેસી ગયો.અંદરખાનેથી એનો મૂડ એકદમ બગડી ગયો હતો. આજે આખો દિવસ એ શાંતા સાથે રખડવાના મૂડમાં હતો. પરંતુ નાગપાલના આગમનથી હવે રખડવાની વાત તો એક તરફ હતી, એકાદ કલાક ક્યાંય જઈ શકાય એવી શક્યતા પણ નહોતી રહી.

એ કશીયે પૂછપરછ કરે એ પહેલાં જ શાંતા તથા સમિફ્યા અંદર આવ્યા.

એ બંનેની પાછળ હકલો ચા-નાસ્તાની ટ્રોલી ધકેલતો દાખલ થયો.

દિલીપે સૌની નજર ચુકવી શાંતા સામે જોઈને સ્મિત ફરકાવ્યું.

શાંતાનો ચ્હેરો ભાવહીન હતો. પોતે કરેલા સ્મિતનો કોઈ જ જવાબ શાંતા તરફથી ન મળ્યો એટલે દિલીપ વધુ ધૂંધવાયો.

પછી હકલા પર નજર પડતાં જ એણે દાંત કચકચાવ્યા.

હક્લાએ એની સામે જોઈને નિડરતાથી હાસ્ય કર્યું.

દસ-પંદર મિનિટમાં જ સૌ ચા-નાસ્તાથી પરવારી ગયા.

‘ગુડ મોર્નિંગ આંટી...’ દિલીપે સમિફ્યા સામે જોતાં કહ્યું.

‘વેરી ગુડ મોર્નિંગ...દિલીપ...!’ સમિફ્યા સ્મિત ફરકાવીને બોલી, ‘આ સવારના પહોરમાં તું હક્લાને શા માટે જોર જોરથી બૂમો પાડતો હતો.’

‘ઓહ...’ દિલીપે ભોળા-ભટાક અવાજે કહ્યું, ‘વાત એમ હતી, આંટી કે હક્લાને મેં કેટલીયે વાર કહ્યું છે કે ભાઈ , તું સમયસર મને ઉઠાડતો જા...હમણાં હમણાં ખૂબ જ કામ રહે છે...કાલે રાત્રે દસ વાગ્યે સૂતી વખતે મેં તેને બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એણે મને સાત વાગ્યે જ ઊઠાડી દેવો. આજે તો આંટી એટલું બધુ કામ છે કે વાત ન પૂછો...! પરંતુ એણે મને ઉઠાડ્યો જ નહીં. હવે મારે રાત્રે ઉજાગરો કરવો પડશે.’

‘સ...સાહેબ...’ ટ્રોલી લઈ જવા આવેલો હકલો દિલીપ સામે જોઈને બોલ્યો, ‘કાલે તો આપ...શાંતા મેમસા’બ સાથે...હી...હી...હી...’ દિલીપને આંખો કાઢતો એણે હાસ્ય કર્યું, ‘પિક્ચર જોવા ગયા હતા અને રાત્રે એક વાગ્યા સુધી તો પાછા નહોતા જ આવ્યા! હું એક વાગ્યા સુધી રાહ જોઈ જોઈને પછી સૂઈ ગયો...’એણે ફરીથી હાસ્ય કર્યું.

સમ્ફિયા જોરથી હસી પડી.

દિલીપનો ચ્હેરો ચોરી કરતાં હાથોહાથ પકડાઈ ગયેલા ચોર જેવો થઈ ગયો હતો.

નાગપાલના હોઠ પર હાસ્યની રેખા ફરકી.

‘વ...વાત એન હતી આંટી...’

‘રહેવા દે દિલીપ...ખુલાસાની કંઈ જરૂર નથી.’ સમિફ્યા સ્મિત ફરકાવતાં બોલી. પછી એ નાગપાલ તરફ ફરી, ‘જુઓ, અમે બહાર જઈએ છીએ. દિલીપને કંઈ ઠપકો આપશો નહીં અને દિલીપ...’ એણે પુનઃ દિલીપ સામે જોયું, ‘તું શાંતા સાથે ફિલ્મ જોવા ગયો એમાં શરમાવા જેવું કંઈ જ નથી. હવે પછી ક્યારેય જૂઠ્ઠું બોલતો નહીં. જોકે જૂઠ્ઠું બોલવાની તારે જરૂર જ નહીં પડે.’ કહીને એણે અર્થસૂચક નજરે નાગપાલ સામે જોયું.

નાગપાલે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.દિલીપને સમિફ્યાની વાત ન સમજાઈ. એણે મુંઝવણથી માથું ખંજવાળ્યું.

‘તારા માટે એક ખુશખબર છે દિલીપ!’ સમિફ્યા સ્નેહભર્યું હાસ્ય કરતાં બોલી, ‘આજે સત્તર તારીખ છે. આવતી પંદર તારીખે તારી તથા શાંતાની સગાઈ માટેનો શુભ દિવસ અમે બંનેએ નક્કી કર્યો છે. અરે...આમ મારી સામે આંખો ફાડીને ટગરટગર શું જુએ છે? સગાઈ મારી સાથે નહીં, શાંતા સાથે થવાની છે સમજ્યો...?’

દિલીપ ઘડીક સમિફ્યા સામે તો ઘડીક નાગપાલ સામે વિસ્ફારિત નજરે જોવા લાગ્યો.

પોતે સ્વપ્નમાં તો નથી ને?

એણે આંખો ચોળી જોઈ.

એ જ પળે શાંતા ઊભી થઈને ઉતાવળા પગલે બહાર નીકળી ગઈ.

‘હેં અંકલ...!’ અચાનક દિલીપ ખુશામત ભર્યા અવાજે બોલ્યો.

‘શું છે?’

નાગપાલે પૂછયું.

‘આ વાત સાચી છે? આંટી મારી મજાક તો નથી કરતાને? તમે બંને ભેગા થઈને મને બનાવતા તો નથી ને? સાચું કહેજો હો...? કહીને તે કાલાવાલા કરતી નજરે નાગપાલ સામે તાકી રહ્યો.

‘અરે...છોકરા...’ સમ્ફિયા બોલી ઉઠી, ‘હું સાચું જ કહું છું. અને સાંભળ! આ વાત પણ તારા અંકલે જ નક્કી કરી છે. સૌથી પહેલાં એમને જ મને વાત કરી હતી. એટલે હવે સૌથી પહેલાં તારે તારા અકલનો જ આભાર માનવો જોઈએ.’

‘હેં અંકલ...? તમે ચૂપ કેમ છો...? કંઈક બોલો તો ખરાં...એકવાર કહી દો કે આ વાત સાચી છે...!’ દિલીપનો અવાજ એકદમ વ્યાકુળ હતો.

નાગપાલે એકવાર અપાર સ્નેહથી તેની સામે જોયું. દિલીપને સ્નેહથી ઉછળતો જોઈને એ મનોમન હસ્યો. પછી એણે દિલીપના અનેક પ્રશ્નોનો જવાબ હકારાત્મક ઢબે માથું હલાવીને આપી દીધો.

‘અંકલ...ધિ...ગ્રેટ...!’ કમાનમાંથી સ્પ્રિંગ છટકે એ રીતે તે ઊછળીને ઊભો થઈ ગયો.

હર્ષ અને ખુશીના આવેશમાં એને એટલું બધું જોશ ચડ્યું કે એણે બંને હાથેથી નાગપાલને ઊંચકી લીધો.

‘અરે...છોડ...છોડ...’

પણ છોડે તો એ દિલીપ શાનો...! રૂમની વચ્ચે જઈને એ ફુદરડી ફરવા લાગ્યો.

સમિફ્યા આશ્ચર્યથી આ દૃશ્ય નિહાળી રહી.

પરંતુ દિલીપ વધુ વાર આ રીતે ન ફરી શક્યો.

નાગપાલને ઉઠાવવો એ સહેલી વાત ન હતી. આ તો આવેશના જોરમાં જ તે આમ કરી શક્યો હતો. પાંચ-દસ સેકંડમાં જ એ થકી ગયો. નાગપાલને માંડ માંડ એણે નીચે ઊતર્યો.

પછી વળતી જ પળે તે ધમ્ કરતો સોફા પર પડતું મૂકીને હાંફવા લાગ્યો.

‘શાબાશ પુત્તર...!’ નારાજ થવાને બદલે નાગપાલ ખુશ મિજાજ અવાજે બોલ્યો, કટોકટીની પળોમાં પણ હંમેશા આવો જ આવેશ...આવું જ જોર દર્શાવતો રહેજે. હવે તું જરા સ્વસ્થ થા. આપણે હમણાં જ બહાર જવાનું છે.’

‘હું એકદમ સ્વસ્થ જ છું અંકલ...!’

‘તો પછી ચાલ...’

બંને બહાર નીકળ્યા.

પાંચ મિનિટ પછી નાગપાલની શ્વેતરંગી લાંબી કેડીલેક કાર વિશાળગઢના રાજમાર્ગો પર દોડતી હતી.

***