બહારની દુનિયા જીતીને એ જ્યારે ઘરે આવે છે,
ત્યારે ઉંબરો ઓળંગતા જ એનો હોદ્દો બદલાઈ જાય છે.
ઓફિસની ફાઈલો હજુ મગજમાં ફરતી હોય,
ત્યાં જ રસોડાની લોઢી એની રાહ જોતી હોય છે.
કોઈ ઉત્સવ હોય, માંદગી હોય કે થાકનો ભાર,
એની જવાબદારીનો ક્યાંય હોતો નથી રવિવાર.
દરેક પ્રસંગે એનું હોવું એટલે કામનું હોવું,
બધાની ખુશીઓ સાચવતા પોતાનું મૌન પીવું.
એ બહાર કામ કરે છે તો પણ,
રસોડાના ખાના એને જ સાદ પાડે છે,
સમાજ જેને 'ગૃહિણી' કહીને બિરદાવે છે,
ખરેખર તો એને જ અપેક્ષાઓના બોજ હેઠળ દબાવે છે.
તે રસોઈ બનાવે છે, ઓફિસ સાંભળે છે, ઘર ચલાવે છે,
પણ આ બધું કરતી વખતે એ સ્ત્રી—
પોતાના થાકને ક્યાંય 'પીરસવાનું' ભૂલી જાય છે.
હીના (Dhamak)