દર્દ પછી દિલ સમજદાર થઈ ગયું !
"ભળી તુજમાં તને સમજવાની કોશિશ કરી છે !
બસ ત્યારથી જીંદગી માણવાની કોશિશ કરી છે."
ઘણી બધી વસ્તુઓ જેવી જોઈએ એવી હોતી નથી અને જે હોય છે એવી આપણે જોઈ શકતા નથી. કહું તો એને જાણવા, સમજવા, મહેસૂસ કરવા એ પરિસ્થતિ જોડે રૂબરૂ થવું પડે છે. અગર એમ ના થાય તો આપણા માટે એ એક માત્ર ઘટના જ બની રહે છે જે માત્ર આવે છે આપણા જીવનમાં અને પસાર થઈ જાય છે. બસ આ નાના મોટા મીઠાં તીખાં શબ્દોનું પણ આવુજ છે એ જોવામાં, બોલવામાં સાવ સામાન્ય લાગે છે પણ એનો પ્રભાવ તો એને જીવ્યા પછી જ સમજાય છે.
જેમ કે એક બેઝ લઇ વાત કરીએ તો અઢાર વર્ષથી નીચેની ઉંમરનો સમય એવો હોય છે કે ત્યારે આપણે દરેક વસ્તુ કે વાતને જેવી હોય એવી જ જોઈએ છીએ. ત્યારે એ વસ્તુ કે વાતોથી કોઈ લગાવ નથી હોતો પણ જ્યારે કોઈ આપણાં જીવનમાં આવે છે બસ એ કોઈની આપણને આદત પડી જાય છે જેના થકી જીંદગી જીવવાના પેરામીટર બદલાય જાય છે બસ ત્યાર પછીજ દરેક વસ્તુ, વાતો કે પરિસ્થિતિને જોવાનો આપણો નજરિયો બદલાય જાય છે. શબ્દો કે વાતો તો એજ હોય છે બસ આપણે એને ફીલ કરતા શીખી ગયા હોઈએ છીએ. એટલે જ તો ક્યારેક પ્રેમમાં, ક્યારેક ગમમાં, ક્યારેક ગુસ્સામાં કે ક્યારેક મૌનમાં આજ શબ્દો અજબ ગજબ લાગવા માંડે છે. ભલે એ શબ્દોમાં વાત બીજાની હોય તોય ક્યારેક એ આપણી લાગે છે, ક્યારેક ઉદાસ થઈ બેઠા હોય અને કોક એવું સોંગ સભળીએ તો જાણે એમ લાગે કે આ માત્ર મારા માટે જ બન્યું છે કે જેની મને ખરેખર આ સમયે જ જરૂર હતી અને એમાં ડૂબી જવાનું મન થાય છે.
મોટી વાતો નથી કરતો પણ ક્યારેક મનેય મારા વાચકવર્ગ ના મેસેજ આવે છે ને જેમાં તેઓ કહે છે કે તમે જે પણ લખો છો એ મારી લાઇફ છે કે મારા માટે લખો છો એવુજ લાગે છે. કે આ બધું હું જીવી ગયો છું કે મારા સાથે બની ગયું છે. મતલબ એ હવે જીવનના એ તબક્કા પર આવી ગયા હોય છે કે જ્યાં એમની કોક અધૂરી કે કોક એવી ઈચ્છાઓ તેઓ આમ શબ્દોમાં માણવા કે કહું તો એ જીવવા લાગે છે. બીજા માટે સામાન્ય લાગતો શબ્દ કે પછી કોઈ વાક્ય એમના માટે ખુબજ લાગણી ભર્યો, ભાવ ભર્યા બની જાય છે. કહ્યું ને બસ જોવાનો નજરીયો બદલાય જાય છે. અને જીવનની હરેક પળને તેઓ હરેક વસ્તુમાં, હરેક શબ્દોમાં કે આંખોની આસપાસ બનતી હરેક ઘટનામાં નિહાળતાં થઈ જ જાય છે.
હતી સાવ નિરસ બેરંગ જીંદગી,
થયો પ્રેમ ને બધું રંગીન થઈ ગયું.
જોયું હતું ક્યારેક બંધ આંખોએ,
શમણું આખર એ સાચું થઈ ગયું.
જીવતો તો હતો પણ હવે જીવું છું,
કેમ કોઈ આટલું વહાલું થઈ ગયું.
પળ પળને ચાહવા લાગ્યો છું હવે,
જાણે કઈ પળે એ મારું થઈ ગયું.
શબ્દોની સમજ ક્યાં હતી આટલી,
દર્દ પછી દિલ સમજદાર થઈ ગયું.
મિલન લાડ. " મન "
#milanvlad1