ઘર નહોતું તો બધાંને આશરા ઓછાં પડ્યાં,
ઘર મળ્યું તો માણસોને ખાટલાં ઓછાં પડ્યાં !
માંગે એવું આપવાનું બંધ કર ઈશ્વર હવે,
આભ દઈશ તો એમ ક્હેશે તારલાં ઓછાં પડ્યાં !
નહિ તો દુશ્મનનું ગજું શું કાંકરીચાળો કરે !
આપણામાંથી ખરેખર આપણા ઓછાં પડ્યાં.
મોત નામે માર્ગદર્શક એટલો હોંશિયાર કે-
જિંદગી, તારા દીધેલાં દાખલાં ઓછાં પડ્યાં !
લાશમાં જો જીવ આવે, એટલું નક્કી 'નિનાદ',
બળતાં-બળતાં બોલશે કે લાકડાં ઓછાં પડ્યાં !