અધૂરપ
ઓગળી ગયું કાજળ ને વહી ગઈ ભીનાશ વરસાદમાં,
તૂટી રહ્યો છે ભીતરેથી એક શ્વાસ વરસાદમાં.
હું એટલે આવી ઊભી છત્રી વિના ખાસ વરસાદમાં,
કે આંસુઓનો કોઈને ના થાય ભાસ વરસાદમાં.
સૈયર બધી ભીંજાય ને માણે ઉલ્લાસ વરસાદમાં,
હું ઓઢણી ભીંસી રડું બેસી ઉદાસ વરસાદમાં.
પગલાં તારાં પડશે કદી છૂટી નહીં આસ વરસાદમાં,
બેઠી રહી છું ઉંબરે થઈને નિરાશ વરસાદમાં.
હાથે રચેલી મહેંદીનો ઓગળ્યો વિશ્વાસ વરસાદમાં,
સપના તણાઈ ક્યાં વહ્યાં? થયો વિનાશ વરસાદમાં.
હોઠે અટકીને રહી ગઈ બસ એક 'કાશ' વરસાદમાં,
તારી હથેળી હોત મારી સાવ પાસ વરસાદમાં.
સિંદૂર જેવો ક્યાંય ના પ્રગટ્યો ઉજાસ વરસાદમાં,
ચારે તરફ ઘેરાઈ ગઈ કાળી અમાસ વરસાદમાં.
કાચની બંગડી સમ તૂટ્યો અહેસાસ વરસાદમાં,
અધૂરી રહી ગઈ પ્રેમની આખી તલાશ વરસાદમાં.
ધરતી આખી તૃપ્ત થઈ, છીપી ના પ્યાસ વરસાદમાં,
જીવતી જ બળતી રહી મારી આ લાશ વરસાદમાં.
ઝંખ્યો હતો મેં જિંદગીભર એક સહવાસ વરસાદમાં,
છૂટી ગયો જશે કદાચ મારો છેલ્લો શ્વાસ વરસાદમાં.