Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવ રક્તથી સિંચાતી હળદરની ખેતી! 🩸🌾
ભારતનો એક એવો કાળો ઇતિહાસ જે તમારા રૂંવાડાં ઊભા કરી દેશે...
​શું તમે જાણો છો કે 1800ના દાયકામાં ઓડિશાના જંગલોમાં ‘તારી પેન્નૂ’ (ધરતી માતા)ને પ્રસન્ન કરવા માટે માણસોની બલિ ચડાવવામાં આવતી હતી? અને આ માત્ર એક પ્રથા નહોતી, પણ તેની પાછળ ચાલતું હતું માનવ તસ્કરીનું એક ભયાનક નેટવર્ક! 😱

1836માં ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે એક કેસ આવ્યો. ઓડિશા અને મદ્રાસ પ્રેસિડેન્સીની સરહદ પર એક વિસ્તાર હતો — ઘુમસર. અને ઘુમસરના જમીનદારે સરકારને ટેક્સ આપવાની ના પાડી દીધી હતી. તેથી અહીંના બળવાને દબાવવા માટે બ્રિટિશ સરકારે જી. ઈ. રસલ નામના એક સ્પેશિયલ કમિશનરને સેના સાથે કંધમાલના જંગલોમાં મોકલ્યા.
​રસલે બળવો તો ખતમ કરી દીધો, પણ એ જંગલોમાં રસલની સેનાનો સામનો ખોંડ જાતિ સાથે થયો. રસલે 1836માં એક રિપોર્ટ લખ્યો હતો — "Reports on the Disturbances in Goomsoor". અને તે રિપોર્ટ મદ્રાસ સરકારને મોકલ્યો. આ રિપોર્ટમાં પહેલીવાર સત્તાવાર રીતે 'મરિયા' (Meriah) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
​રસલના આ રિપોર્ટ અનુસાર, ઘુમસર અને કાલહાંડીના વિસ્તારોમાં હળદરની ખેતી થતી હતી. અને આ ખેતીમાં માનવ લોહીનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેને બલિદાન (ભેટ) રૂપે ચડાવવામાં આવતું હતું અને તેને મરિયા કહેવામાં આવતું હતું.
​ખોંડ કબીલાના લોકો તારી પેન્નૂ (એટલે કે ધરતી માતા) ની પૂજા કરતા હતા. એમનો અટૂટ વિશ્વાસ હતો કે ધરતી ત્યારે જ ફળદ્રુપ બનશે જ્યારે તેમાં માનવ લોહી આપવામાં આવશે — એટલે કે માણસની બલિ ચડાવવામાં આવશે અને તેના લોહીથી એ જમીનને સિંચવામાં આવશે. આ બલિદાનમાં ચડાવવામાં આવતા લોકોને મરિયા, કહેવામાં આવતા હતા.
​અંગ્રેજ સરકારને જે વાતથી સૌથી વધુ ચિંતા થઈ, તે આ ધાર્મિક પ્રથા નહોતી, પણ તેની પાછળનો વેપાર હતો.
​ખોંડ કબીલાના લોકોની એવી માન્યતા હતી કે બલિ એ જ માણસની ચડાવવામાં આવશે જેની પૂરી કિંમત ચૂકવવામાં આવી હોય — એટલે કે તેને ખરીદવામાં આવ્યો હોય. આ એક જ નિયમે ઓડિશાના જંગલોમાં માનવ તસ્કરી નું એક ખૂબ મોટું નેટવર્ક ઊભું કરી દીધું.
​ખોંડ કબીલાના લોકો પહાડ પરથી નીચે આવતા નહોતા, તેથી તેમને દલાલો ની જરૂર હતી. આ કામ પાનોસ અને દમ્બોસ નામની જાતિઓએ કર્યું. પાનોસ એક સંગઠિત સપ્લાય ચેન ચલાવી રહ્યા હતા. ઐતિહાસિક રેકોર્ડ્સમાં નોંધાયેલું છે કે જ્યારે પણ મેદાની વિસ્તારોમાં દુષ્કાળ પડતો કે ભૂખમરો થતો, ત્યારે પાનોસ ત્યાંથી બાળકોને લાવતા અને આ પહાડો પર વેચી દેતા. ઘણી વાર તેઓ અજાણ્યા મુસાફરોનું અપહરણ કરી લેતા, અથવા તો ભૂખ્યા માતા-પિતાને પૈસા આપીને તેમના બાળકો ખરીદી લેતા અને તેમને સંતાડીને પહાડો પર લાવતા. ખોંડ મુખી આ પાનોસને ગાય, ભૂંડ અને પિત્તળના વાસણોના રૂપમાં ચૂકવણું કરતા હતા.
​સરકારી દસ્તાવેજોમાં આ વાતનું ચોક્કસ વર્ણન છે કે ખરીદાયા પછી આ મરિયા લોકોનું શું કરવામાં આવતું હતું. મરિયા લોકોને ગામમાં સાંકળોથી બાંધીને રાખવામાં આવતા નહોતા, તેમને ગામનો એક હિસ્સો માનવામાં આવતો હતો. મરિયાને સામાન્ય માણસો કરતાં થોડો ઊંચો દરજ્જો આપવામાં આવતો હતો. જો તે યુવાન હોય તો તેને જમીન આપવામાં આવતી, તેના લગ્ન કરાવવામાં આવતા, અને પાછળથી તેના જે બાળકો થતાં, તેમને પણ કાયદેસર રીતે મરિયા જ માનવામાં આવતા.
​મેજર જનરલ જોન કેમ્પબેલના પુસ્તક "A Personal Narrative" માં મરિયા સાથે જે થતું હતું, તેનો એક વિસ્તૃત અહેવાલ નોંધાયેલ છે. પાકના સમયમાં બલિદાન આપવાના 10-12 દિવસ પહેલા ગામમાં એક ઉત્સવ શરૂ થતો હતો. પછી મરિયાના વાળ કાપી નાખવામાં આવતા અને તેને ઘી તથા તેલથી નહવડાવવામાં આવતો. મૃત્યુના દિવસે દર્દ ઓછું કરવા માટે તેને ભારે માત્રામાં અફીણ અને ધતૂરો આપવામાં આવતો હતો.
​ગામની વચ્ચે એક થાંભલો ઊભો કરવામાં આવતો જેને 'મરિયા થાંભલો' કહેવાય છે જે સામાન્ય રીતે મોર અને હાથીના આકારમાં બનાવવામાં આવતો હતો. પછી મરિયાને એ થાંભલા સાથે બાંધી દેવામાં આવતો અને ગામના લોકો તેને ચારે બાજુથી ઘેરી લેતા. ગામના લોકો ધારદાર છરીઓથી મરિયાના શરીર પરથી માંસ કાપી લેતા અને એ માંસને પોતાના ખેતરોમાં જઈને દાટી દેતા.
​બ્રિટિશ વહીવટીતંત્ર સામે સમસ્યા એ હતી કે જો તેઓ સેના લઈને આ પહાડો પર જાય, તો કબીલાના લોકો ગેરીલા યુદ્ધ શરૂ કરી દેતા અને બ્રિટિશ સેના માટે તેમની સામે જીતવું અશક્ય હતું. એટલા માટે 1845માં એક ખાસ સંસ્થા બનાવવામાં આવી જેને 'મરિયા એજન્સી' નામ આપવામાં આવ્યું. આ એજન્સીની કમાન સૌથી પહેલા કૅપ્ટન વિલિયમ મેકફર્સન અને પાછળથી મેજર જનરલ જોન કેમ્પબેલને સોંપવામાં આવી.
​આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેમ્પબેલે ખોંડ મુખીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. જ્યારે શરૂઆતમાં કોઈ ઉકેલ ન આવ્યો, તો સરકારે સીધા સપ્લાય ચેન પર હુમલો કર્યો — એટલે કે પાનોસની નાકાબંધી કરીને મેદાની વિસ્તારોમાંથી પહાડો તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા. જે પણ પાનોસ બાળકોને પકડતા મળી આવતા, તેમને કેદ કરી લેવામાં આવતા.
​બીજી તરફ કેમ્પબેલ ખોંડ મુખીઓને મનાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે અમે તારી પેન્નૂ કે તમારી ધાર્મિક પ્રથાઓને રોકી રહ્યા નથી, માત્ર રીત બદલવાની વાત કરી રહ્યા છીએ — માણસોની જગ્યાએ ભેંસોની બલિ ચડાવવામાં આવે. જે લોકોએ સરકારની વાત માની લીધી, તેમને ખેતીના નવા ઓજારો અને ઋણ પણ આપવામાં આવ્યા. જે મુખીઓએ વાત ન માની, તેમના ગામની ઘેરાબંધી કરીને જબરદસ્તીથી મરિયા બાળકોને આઝાદ કરાવવામાં આવ્યા.
​સરકારી આંકડાઓ અનુસાર 1837થી 1854 વચ્ચે આ મરિયા એજન્સીએ લગભગ 1500 બાળકો અને મહિલાઓને મુક્ત કરાવ્યા અને તેમને પછીથી મિશનરી શાળાઓ અને અનાથાશ્રમોમાં મોકલવામાં આવ્યા.

Gujarati Blog by Gautam Patel : 112033195
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now