અજ્ઞાન શું છે?
ચૈતન્ય ને પામવા માટે જ્ઞાન, પ્રેમ થી કરેલા સર્વ પ્રયત્નો સમાધિ છે. આ સમાધિ જ અજ્ઞાન છે. (અષ્ટાવક્ર)
જે ચૈતન્ય ની માન્યતા માં વિશ્વાસ રાખે છે એ આંતરિક અને બાહ્ય રીતે તેનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે.. એક બાજુ એ પણ કહે છે કે ચૈતન્ય જ પ્રકૃતિ ના જડ તત્વો એટલે કે અવિદ્યા સાથે મળી ને જીવન લીલા રચે છે. અને એક બાજુ એની રચના ને દુઃખ અને અસંતોષ નું મૂળ માની એને જ પામવા મથે છે. આ જ અજ્ઞાન છે. ચૈતન્ય માટે તમે અને આ આખું કુદરત કાગળ છે. એ પોતે લખનાર છે. કાગળ કેટલી પણ સમાધિ કરે લેખક ને પામી શકે? એક પાત્ર ક્યારેય લેખક બની શકે? હા, લેખક પાત્ર બની શકે પરંતુ પોતાની ઈચ્છા થી જ.
કર્મ ના પરિણામ ની ચિંતા એ પણ અજ્ઞાન છે. ( કૃષ્ણ)
કોઈ પણ કર્મ હમેશા પાછલા કર્મો ની હારમાળા નો એક મળકો છે. જીવન માં કર્મ અનિવાર્ય છે.. વાસ્તવમાં પરિણામ ની માન્યતા પર વિશ્વાસ કરવો એ અજ્ઞાન છે.
જો કર્મ તમારી આંતરિક પ્રકૃતિ દ્વારા નિશ્ચિત જ થયેલું છે ,તો તેનાથી ભાગવું મૂર્ખતા છે. ચૈતન્યરૂપા પ્રકૃતિ એટલે કે સમયે પહેલા જ નિશ્ચિત કરેલું કર્મ બહાર જ્યારે અવકાશ માં આવે છે, ત્યારે ફક્ત એને અદા કરવાનું જ રહે છે.
લક્ષ્ય રાખવું અને એના માટે પ્રયાસ કરવો પણ અજ્ઞાન છે. (લાઓત્સે)
ચૈતન્યરૂપા પ્રકૃતિ જ્યારે લોભ અને લાલસા કરે છે ત્યારે અહંકાર સાથે બંધાય છે. લક્ષ્ય રાખવું એક અહંકારી લાલસા છે.. એના માટે નો પ્રયાસ વ્યર્થ સંઘર્ષ બની શકે છે.
તમે નક્કી કરો કે મારે ૧૦ કરોડ કમાવા છે.. અને એ દિશા માં અથક પ્રયાસ કરી કમાવી લો , આ તમારી અહંકાર ની દોડ છે.
લાલસા કરતા જ સમય બંધાઈ જાય છે. એક કથા તમારો અહંકાર પણ રચે છે.. પણ અહંકાર પાસે સમય જેટલો વિસ્તાર નથી. સમયે જો યુદ્ધ નક્કી કર્યું હશે તો વિજય અને પરાજય નો કોઈ અર્થ જ નહી રહે. આ યુદ્ધ સમય ની ગતિ નો ભાગ બની જશે.. કળા ,મહાકાવ્ય અથવા બોધ બની જશે..પણ અહંકારે જો યુદ્ધ નક્કી કર્યું હશે તો પરાજય હતાશા અને વિજય ગર્વ આપશે, જે અંતે એક સ્મૃતિ સિવાય ક્યાં કઈ બની શકશે? આ સુખ દુઃખ સફળતા અને વૈફલ્ય ની દોડ બની જશે.
બહાર ના એટલે કે સમાજ ના પ્રભાવથી બનેલું ભાગ્ય પણ અહંકાર નું એક સ્વરૂપ છે. એ ધર્મ હોય, શિક્ષા હોય કે સમાજના ભેદ હોય એના તરફ થી પ્રાપ્ત થતી નિરાશા, શોષણ, ગર્વ અને સફળતા ખોખલી જ છે. એ ફક્ત સ્મૃતિ નો ભાગ છે.. અલ્પજીવી છે. સમય તો સ્મૃતિ કરતા વિરાટ છે.
જો કોઈ પોતાને હિન્દુ સમજી મુસલમાન સાથે ઝઘડો કરે છે તો આ ઝગડો સમય નો નહી પણ સમાજ નો ખેલ છે અને એમાં પરિણામ ભારે જ છે. એ ધમાલ બની જશે.... ધર્મયુદ્ધ નહીં.
લાલસા થી સમાધિ ,ચિંતા અથવા પ્રયાસ કરવો ત્રણેય અજ્ઞાન જ છે અને આ જ સંઘર્ષો ને જન્મ આપે છે.. કારણ કે લાલસા ની દ્રષ્ટિ બહુ જ સંકુચિત હોય છે જો તે લાલસાઓ સામાજિકતા અને કૃત્રિમતા થી પ્રભાવિત હોય.