મહેર..
આજે તો મેઘ રાજાએ ધરતી પર પોતાની મહેર વરસાવી દીધી હતી. વરસાદ બરાબર જામ્યો હતો. છાપરામાંથી પાણી ગળતું હતું!
બહાર વરસાદ, ઘરમાંય વરસાદ અને લક્ષ્મીની આંખોમાંય વરસાદ! નામથી લક્ષ્મી પણ ઘરમાં દરિદ્રતા! ભૂખથી ટળવળતાં બાળકો! નશામાં ધૂત પડેલો રહેતો પતિ!
મેડમ ને ત્યાં આજે ભજીયાં બનેલા. એઠાં વાસણ માંજતાં બે ચાર ભજીયાં મળ્યાં તે સાડીમાં બાંધીને લાવેલી. છોકરાવને ખવડાવતાં હરખાતી. ખાડો તો પોતાના પેટમાંય હતો!!
પાણી પીને સુવા જતી હતી. ત્યાં ગાડીમાંથી મેડમ ઉતર્યાં. ભજીયાનો ડબ્બો આપતાં કહ્યું, "તને એઠાં ભજીયાં વિણતી જોઈ જીવ બળી ગયો! લે, તારા માટે તાજા ભજીયાં બનાવી લાવી છું! કાલથી ઘરેથી ખાવાનું લેતી જજે!"
બહાર મેઘરાજાની મહેર થઈ હતી અને ઘરમાં મેડમ ની!! લક્ષ્મીની આંખોમાંથી વરસતો વરસાદ હવે થંભી ગયો હતો!!
-તની