આ તમારી કાતિલ આંખો અને મારકણી મુસ્કાન છે,
તમારી આ છાતીમાં ધબકારા ભરતું હૃદય જવાન છે.
હૃદયના તાર જોડ્યા તે મારી સાથે, તુ મારી પાસે નથી,
સેંકડો ગાઉના અંતર રાખ્યા, કુદરતનું કેવું વિધાન છે?
પંથ પ્રેમનો જ હતો, તો આ નાતિ જાતિ કેમ છે અહીં?
પ્રેમ કર્યો છે દર્દ ને સહેતા રહો, સમાજનું ફરમાન છે.
કરીને વિખુટા બે પ્રેમીઓને અટ્ટહાસ્ય કરી રહી દુનિયા,
કત્લ કરાવે છે પ્રેમીઓની, કહેવાય ખોરડું ખાનદાન છે.
હેવાનના હાથમા સોંપી દીધી બાગની એક કળીને તમે,
નથી સમજી શક્યા કન્યાને, તેના હાથમા કન્યાદાન છે.
રોજ ચૂથાય છે, છતાં ચિખો સમાવી છે જીભ નીચે તેને,
સારપની વાતો કરતી દુનિયાને, હવસની ક્યાં ભાન છે.
મેં જોઈ છે કાળી રાતે શાહુકારોની એ કાળી દુનિયાને,
હવસ જેની પુજારણ છે અને પૈસા જ જેના ભગવાન છે.
મનોજ સંતોકી માનસ