સાંભળી અંતરના પોકારો, હરિ મારા આવશે જરૂર.
મળશે ભવજળમાં કિનારો, હરિ મારા આવશે જરૂર.
ભવોભવની ઝંખના પામવાની પૂર્ણ કરશે પરમેશ પ્રભુ,
પ્રકાશપુંજ પ્રગટશે ઝગારો, હરિ મારા આવશે જરૂર.
ના સ્તુતિ કે યાચના કશુંએ પછી થનારું સન્મુખ શ્રીહરિ,
ભૂલીને દોષોને મારા હજારો, હરિ મારા આવશે જરુર.
પાતકીના તારણહાર હરિવર મનની ચાહતને જોનારા,
જન્મોજન્મથી એનો પનારો, હરિ મારા આવશે જરૂર.
મોડું થયું છે પણ ભૂલી નથી ગયા એ સંભારીને આવશે,
પ્રસન્નતાના સજી શણગારો, હરિ મારા આવશે જરૂર.
ભૂલી જશે એ પણ " માગમાગ" કહેવાનું એવી હશે દશા,
શૂન્ય થઈ જશે બધા વિચારો, હરિ મારા આવશે જરૂર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.