પ્રેમની મૂર્તિ
જો તમે કોઈ પાસે પ્રેમની ભીખ માંગો છો તો તમને બદલામાં કદાચ સહાનુભૂતિ મળી શકે પણ પ્રેમ નહીં મળે. કદાચ તમને કોઈ વ્યક્તિનો થોડા સમયનો સથવારો મળી શકે, પ્રેમના નામે કોઈ વ્યક્તિનો દેહ પણ પ્રાપ્ત કરી શકો તેમ છતાંય તમને પ્રેમ પણ મળશે જ એવું ન કહીં શકાય. પરંતું જો કોઈ વ્યક્તિની ચાહતમાં તમે ખુદને મીટાવી શકો તો કદાચ પ્રેમનું એકાદ પગથિયું ચડી શકો, ખૂબ ગમતી વ્યક્તિ વિના જીવવાનો સમય આવે તો પણ એની યાદોને સહારે જીવન નૈયા પાર કરવા હામ ભીડી શકો તો પ્રેમ મંદિરના દ્વારા સુધી પહોંચી શકો તમે. ને 'મારું કોઈ જ નથી' એ વેદનાની કંટકભરી રાહ પાર કરીને સૌને પોતાના બનાવતા આવડી જાય છતાંય કોઈ એક વ્યકિતના નામનો સ્વર અચાનક કાનમાં ગુંજેને રોમ રોમ પુલકિત બની જાય, એનું સ્મરણ થતાં મૌન થઈ જવાય કે વધું વાચાળ થઈ જવાય, એ ગમતી વ્યક્તિની યાદ આપણને બે ઘડી આપણી ઉંમર ભૂલાવી દે તો પ્રેમના મંદિરમાં તમે પ્રવેશી ચૂક્યા છો એમ માનજો. ને તમારી સામે હવે જે દેખાય છે એ મૂર્તિમાં જો તમે તમારા ગમતા પાત્રના દર્શન કરી શકો ને એને તમારી અંદર પણ મહેસૂસ કરી શકો, એનો સાથ અનુભવી શકો તો પછી તમારે કોઈ ઈશ્વરની શોધ કરવા બહાર ભટકવાની જરૂર નથી. તમારી અંદર જે પ્રેમની જ્યોત ઝળહળે છે એનો પ્રકાશ એની મેળે જ ફેલાતો રહેશે ને તમે પણ એક દિવસ થઈ જશો સ્વયં પ્રેમની મૂર્તિ.
દિલ ની વાત ♥️