શીર્ષક - " વાત નોખી છે"
ચાંદ અને સિતારાની વાત નોખી છે;
તો પૂનમ અને અમાસે રાત નોખી છે;
આકારે ભલે રહ્યાં બધાં એક સમાન?
પણ, માણસે માણસે જાત નોખી છે;
લોકશાહી કહો, ક્યાં રહી છે લોકોની?
નેતાએ નેતાએ અહીં ઓકાત નોખી છે;
શારીરિક મળવું જ જો હોય મીલન,
તો "વ્યોમ" ધરાની મુલાકાત નોખી છે;
બે પંખીડાં મુક્ત મને શું મળ્યાં જરા?
મુખે મુખે થઈ પછી પંચાત નોખી છે;
છે ખંજર શત્રુ ને મિત્ર બેઉના હાથમાં,
મળી છાતી ને પીઠને સોગાત નોખી છે;
સ્વજનો પણ શું હવે રહ્યાં છે સ્વજન?
આપેલા જખમે જખમે ઘાત નોખી છે;
દોડે છે બેઉ પોતપોતાના જ પેટ ખાતર,
ધનિક ને રંકની ઊગતી પ્રભાત નોખી છે;
પ્રાર્થના "વ્યોમ" પર પહોંચે એક સ્થળે,
તો ધર્મે ધર્મે થાય કેમ આયાત નોખી છે?
✍...©વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર