જો કોઈ પૂછે હાલહવાલ, મોજે દરિયા.
સાહિત્યે તો કરી છે કમાલ, મોજે દરિયા.
નિજાનંદે મને સર્વસ્વ સાંપડતું સહેજમાં,
વિસરી ગયો છું હું ગઈકાલ, મોજે દરિયા.
સાવ અજાણ્યા તોય લાગે ઓળખીતાને,
સાવ અમથું કરતા હો વહાલ, મોજે દરિયા.
નાના- મોટાના ભેદ ભૂલાતા નૈકટ્ય પમાય,
ઊજળી દેખાય આવતીકાલ, મોજે દરિયા.
શંકા, સંશયો થયા સાવ નિર્મૂલન સંગથકી,
પછી ના ઊઠે કશોય સવાલ, મોજે દરિયા.
વંટોળ મટીને ચક્રવાત વિચારે અનુભવાય,
જાણે જીવવાની નવી જ ચાલ, મોજે દરિયા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.