આમતો સૂરજ અને પૂર્વીના લગ્ન થયે ઘણા વર્ષો થઈ ગયા હતાં. પણ સૂરજના સ્વભાવના લીધે બંને હંમેશા લડતાં રહેતા.
આજે ફરી એકવાર એક નાની અમથી વાતને લઈને સૂરજ ગુસ્સે થઈ ગયો. સૂરજનો આ જ સ્વભાવ હતો એ વખતે હંમેશની જેમ એ એકદમ અયોગ્ય હતો. આ તરફ પૂર્વી એકદમ સમજુ અને કામગરી વ્યક્તિ હતી.
પણ આ બધામાં પૂર્વી પોતાની હતાશા, નિરાશા જતાવવા બળાપો ઠાલવી રહી હતી. ગુસ્સામાં ને ગુસ્સામાં સૂરજ ઘોડા પર ચડી ડ્રિલ મશીનથી હોલ પાડી રહ્યો હતો અને પૂર્વી જોઈ રહી હતી.
અચાનક બેલેન્સ બગડતાં સૂરજ પડું પડું થઈ ગયો, બસ એ પડવાનો જ હતો ને અચાનક જ દરવાજો હાથમાં આવતા એ પડતાં પડતાં રહી ગયો. પૂર્વી એકપણ ડગલું હલ્યા વિના આ બસ જોઈ જ રહી હતી. સહેજેય સૂરજને બચાવવા પ્રયત્ન ના કર્યો.
શું હવે એનેય છુટકારો જોઈતો હશે! એમ વિચારી સૂરજ ગુસ્સાથી પરે થઈ એકદમ શાંત ચિત્તે હતાશામાં ગર્ક થઈ ગયો. પૂર્વી ફરી એના નસીબને કોસતી એના રોજિંદા કામમાં જોતરાઈ ગઈ.