.... " ચાલને ફરી મળીએ દોસ્ત જૂની નિશાળે "
ચાલને ફરી મળીએ મિત્ર, ખળખળ નદીના સથવારે;
ચાલને ફરી મળીએ દોસ્ત, ઓલા તળાવની પાળે;
ગહેકતા મોરલા ને ટહુકતી કોયલને માણવા કાજે,
ચાલને ફરી મળીએ બંધુ, એ વૃક્ષની સૂરીલી ડાળે;
રમતાં, કૂદતાં, દોડતાં, આળોટતાં જે જે ઢેફાં સંગ!
ચાલને ફરી મળીએ ભાઈબંધ, એ સોહામણા પહાડે;
સીમેન્ટના આ જંગલમાં રૂંધાઈને, રહેવું હવે કેટલુંક?
ચાલને ફરી મળીએ સાથી, ગામના લહેરાતા ઝાડે ઝાડે;
તું મને કહેજે હું તને કહીશ, ખુદની સંઘર્ષની કહાણી!
ચાલને ફરી મળીએ સખા, કીટલીએ ગામની ભાગોળે;
છોડી આવીએ "વ્યોમ" અહંકાર ને ખોટે ખોટી મોટપ!
ચાલને ફરી મળીએ જીગરી, આપણી જૂની નિશાળે;
✍...©વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર