હોઠોને મલકાવી રજુઆત થઇ હશે;
પાંપણો નમાવીને શરૂઆત થઇ હશે;
હૃદયના ધબકારથી થયો હશે સંવાદ,
ચૂકાયેલા ધબકારે મુલાકાત થઇ હશે;
મુખેથી મૌન રહ્યાં ને હસી હશે આંખો,
પ્રણયની ત્યારે જ શરૂઆત થઇ હશે;
નજરથી નજર મળી જ્યાં ભરબજારે,
ગામ આખામાં ખોટી પંચાત થઇ હશે;
ધરીને બહાનું આગળ રીત રિવાજોનું,
એકઠી પૂરી માણસની જાત થઇ હશે;
વિખૂટા પાડી માસૂમ બે પ્રેમી પંખીડાને,
શું સમાજની કોઇ ભૂખ શાંત થઇ હશે?
રડ્યું હશે ચોધાર આંસુએ આ "વ્યોમ"
પછી, તરબતર પૂરી કાયનાત થઇ હશે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર