ગમે તેટલું ઢાંકો તોય પ્રગટ થાય છે સત્ય.
અસત્યનાં આવરણો ચીરી દેખાય છે સત્ય.
અઢી અક્ષરનો શબ્દ તોય કેટલો છે પ્રબળ,
પરાત્પર બ્રહ્મનું બીજું રૂપ ગણાય છે સત્ય.
નથી જરૂરત એને કોઈ પુરાવાની પડતી કદી,
સ્વયં આત્મબળે સહજ સંમુખ હોય છે સત્ય.
સુવર્ણના પાત્ર વડે મુખ તેનું સદા હોય આવૃત,
ભલભલાથી ક્યાં એ સનાતન ખમાય છે સત્ય.
નથી ભીડ હોતી એના માર્ગમાં કદી કે ટોળાંઓ,
એકલદોકલ આત્મબળે કઠિન પળાય છે સત્ય.
સામનો કરવો પડે પ્રપંચીઓનો સત્યાગ્રહીઓને,
સંઘર્ષના અંતે ધૈર્યથકી વિજયને વરાય છે સત્ય.
પરમેશ્વરના માર્ગનું પ્રથમ સોપાન છે મંગલકારી,
કદાચ એકલપંડે જવાનો રાહ એ મનાય છે સત્ય.
બાપુના વ્રત અગિયારમાંનું પ્રથમ પગથિયું સત્ય,
વિશ્વાસની પૂંજી ભરેલી હોય તો મલકાય છે સત્ય.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.