નજાકત તમારી અસર તો કરી ગઈ,
નજરમાં અમારી શરારત ભળી ગઈ.
તમારા હૃદયમાં વસી ના શકાયું,
પ્રણયને વફાની ઇજાજત નડી ગઈ.
કદી કોઈ સ્વપ્ને મળો આંખથી તો,
થશે કે,અમારી ઇબાદત ફળી ગઈ.
નથી કોઈ આશા કે તમને મળીશું,
અમારાં જહનમાં શરાફત વસી ગઈ.
અમારી ગઝલમાં સહી છે તમારી,
અમર થઈ જવાની વસાહત બની ગઈ.
કુંતલ ભટ્ટ
સુરત