આ મોબાઈલનાં જમાનામાં,
એણે પ્રેમપત્ર મોકલ્યો.
જાણે ધરા માટે આભે,
મેઘ મોકલ્યો..
અક્ષરોનાં સથવારે,
ટેરવાઓનો સ્પર્શ મોકલ્યો..
જાણી મારી મિલનની અધીરાઈ,
એણે પત્રમાં અઢળક વ્હાલ મોકલ્યો.
જાણે મળવાને ઉતાવળી રાધા માટે,
કાનાએ મોરલીનો સૂર મોકલ્યો..
કાગળની નાનકડી ગડી ઓમાં,
હૃદયનો સઘળો હેત મોકલ્યો.
કિનારે તડપતી રેત માટે,
સાગરે ભરતીરૂપે સ્નેહ મોકલ્યો.
એનાં એ મરોડદાર અક્ષરોમાં,
અધરોનાં વળાંકનો ભાવ મોકલ્યો.
ને ગુલાબી રંગનાં પરબિડીયામાં,
જાણે ચાહતનો ગુલાલ મોકલ્યો.
લખ્યા બાદ, ચૂમ્યો ને લગાડ્યો હશે હૃદયે,
લાગે છે, મારાં જીવતરને કાજ,
એણે સુગંધભર્યો શ્વાસ મોકલ્યો.
ઓશિકા તળે રાખ્યો છે મેં એને સંતાડી,
જાણે મીઠી નીંદરને માણવા,
સ્વપ્નરૂપી સાથ મોકલ્યો.
હા !, આજ મારી પ્રિયાએ,
સ્નેહની વાચા સાથે ઉપહાર મોકલ્યો...
---સરગમ