અમે જગદીશ ત્રિવેદીને, 2017માં, તેમણે જ્યારે પોતાના અને પોતાના પરિવાર માટે આર્થિક ઉપાર્જન પર પૂર્ણવિરામ મૂક્યું ત્યારે પૂછ્યું હતું કે, ૫૧મા વર્ષે આવો આકરો નિર્ણય કરવાનું કારણ શું ? તેમણે જવાબમાં કહ્યું હતું કે, એક નહીં પાંચ કારણો છે. પહેલું કારણ છે એક સ્વામિનારાયણ સંત. હવે તેઓ બ્રહ્મલીન થયા છે, પરંતુ તેમણે મને વિદુર નીતિની વાતો કરી હતી. એ વખતે મને જાણ થઈ હતી કે યુવાનીમાં કમાઈ લેવાનું. એ વખતે જ મારા મનમાં નિવૃત્તિનો વિચાર રોપાઈ ગયો હતો. બીજું કારણ છે સુરેન્દ્રનગરના એક ડૉક્ટર દંપતિ. ડૉ. શકુંતલા શાહ અને ડૉ. પી.સી. શાહે ૨૦૦૩માં તબીબી પ્રેક્ટિસમાંથી આર્થિક રીતે નિવૃત્તિ લઈ લીધી હતી. ડૉક્ટરો તરીકે તેમણે તબીબી પ્રેક્ટિસ ચાલુ રાખી, પરંતુ પૈસા લેવાનું બંધ કર્યું. તેમનામાંથી મને પ્રેરણા મળી. ત્રીજું કારણ છે, મારાં માતા-પિતા. મારાં મોટાં માતા-પિતા બંને સરોજબહેન અને હિંમતલાલ બંને શિક્ષક હતાં. મારા મોટા પિતાએ ૪૮ વર્ષની વયે અને મારાં મોટાં માતાએ ૪૩ વર્ષની વયે, માત્ર ભક્તિ કરવાના હેતુથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ ઉપરાંત મારી માતાના એક કાકાએ પણ સન્યાસ લીધો હતો. હવે તે બ્રહ્મલીન થયા છે. આ ઉપરાંત અન્ય એક કારણ છે, મોરારી બાપુ. ૨૦૦૫માં મોરારી બાપુએ કહ્યું હતું કે આર્થિક આવકના ૧૦ ટકા સમાજને દાન કરી દેવા. ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૦૫થી હું તેમના આ સૂચન પ્રમાણે મારી આવકના ૧૦ ટકા સમાજને આપું છું. આવતી કાલે હું એ ૧૦ ટકાની પાછળ માત્ર એક મીંડું ઉમેરવાનો છું.
જગદીશભાઈ ત્રિવેદીના પરિવારમાં છોડવાની વૃત્તિ સહજ છે. તેમનાં માતા-પિતાએ પણ માત્ર ભક્તિ કરવા માટે ૪૩-૪૮ વર્ષે નોકરી છોડી હતી. આમ સંસાર છોડવાનો વિતરાગ અને સંપત્તિ છોડવાનો વૈરાગ્ય જગદીશભાઈને વારસામાં મળ્યો છે.
દુનિયાનો કઈ પણ પરણેલો પુરુષ ઘર માટે કમાવાનું બંધ કરવાનો નિર્ણય તો જ કરી શકે,
જો તેનાં જીવનસાથીની સંમતિ હોય. જગદીશભાઈનાં ધર્મપત્ની શ્રીમતી નીતાબહેન ત્રિવેદી જગદીશભાઈના
માનવતાભર્યા સંકલ્પથી ખુશ છે. તેમનો પ્રતિભાશાળી દીકરો મૌલિક કહે છે કે મને ગૌરવ છે કે હું એક એવા પિતાના દીકરો છું જે સમાજનો વિચાર કરીને સમાજના ભલા માટે કામ કરે છે.
જગદીશભાઈએ ૫૦ વર્ષની વયમાં ચાર-પાંચ જિંદગીમાં માંડ-માંડ કરી શકાય તેટલું કામ કરી લીધું હતું. તેઓ એ વખતે એક નહીં ત્રણ ત્રણ વખત પીએચડી થયા હતા. (જેમ ઘણા પોતાના નામની આગળ બે-બે વખત શ્રી લગાડે છે તેમ જગદીશભાઈ ધારે તો પોતાના નામની આગળ ત્રણ વખત ડૉક્ટર લગાવી શકે છે. ડૉ. ડૉ. ડૉ. જગદીશ ત્રિવેદી એમ લખે તો કોઈ તેમને રોકી કે ટોકી ના શકે.) જગદીશભાઈએ પહેલું પીએચડી કર્યું તેમના નાના અને સાહિત્યગુરુ દેવશંકર મહેતાની નવલકથાઓ પર. એ પછી તેમણે પોતાના કલાગુરુ શાહબુદ્દીન રાઠોડના હાસ્ય સાહિત્ય પર બીજું પીએચડી કર્યું. એ પછી પોતાના ધર્મગુરુ મોરારીબાપુ પર તેમણે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું.
આમ ત્રણ ત્રણ વખત તેઓ પીએચડી થયા છે. તેમના નામે અન્ય એક વિક્રમ પણ જોડી શકાય તેમ છે. બે વિદ્યાર્થીઓએ ડૉ. જગદીશ ત્રિવેદીના સાહિત્ય ઉપર પણ પીએચડી કર્યું છે. એક તેમના અનુજ ડૉ. કલ્પેશ ત્રિવેદીએ તથા બીજા જૂનાગઢનાં ભાવિષાબહેન પોપટે તેમના સાહિત્ય પર પીએચડી કરે છે. તદુપરાંત જગદીશ ત્રિવેદી બે વિદ્યાર્થીના પીએચડીના ગાઈડ પણ રહ્યા છે. આમ જગદીશ ત્રિવેદી પીએચડીના વિદ્યાર્થી, વિષય અને વિદ્યાગુરુનો ત્રિવેણીસંગમ છે એ પણ એક શૈક્ષણિક કિર્તીમાન છે.
૧૨મી ઓક્ટોબર, ૧૯૬૭ના રોજ વઢવાણમાં જન્મેલા જગદીશભાઈએ માત્ર સાત વર્ષની ઉંમરે ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામમાં પહેલો જાહેર કાર્યક્રમ રામલીલામાં આપ્યો હતો. હાસ્ય કલાકાર તરીકે ૩૧મી ડિસેમ્બર, ૧૯૯૩ના રોજ તેમણે શુભારંભ કર્યો હતો.
તેમણે ૨૬ દેશોમાં ૬૮ વિદેશ યાત્રા કરી છે. પાકિસ્તાન જનારા તેઓ એક માત્ર અને પહેલા હાસ્યકલાકાર છે. અત્યાર સુધી તેમના હાસ્યના ૭૬ આલબમ રજૂ થયા છે.
અમે જ્યારે તેમને એમ પૂછ્યું હતું કે હજી દીકરો મૌલિક ભણી રહ્યો છે તો આર્થિક ઉપાર્જન પર પૂર્ણવિરામ મૂકી દેવાનો આ નિર્ણય યોગ્ય છે ?
તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો હતો કે વાણિયાના ગામમાં રહું છું એટલે મારું આયોજન પાકું હોય. દીકરો મૌલિક, પત્ની તથા માતા-પિતા બધાની જવાબદારી મારા પર છે. મેં એવું આયોજન કર્યું છે કે તેમને બિલકુલ તકલીફ ન પડે. દીકરો ડાહ્યો છે અને પોતે કમાશે, પરંતુ ના કમાય તો પણ તેને આખી જિંદગી કશું ના કરવું પડે તેવું આયોજન મેં કર્યું છે. નર્મદે નોકરી છોડીને કહ્યું હતું કે કલમ તારા ખોળે છઉં... જો કે એ પછી તેમને નોકરી કરવી પડી હતી અને તેઓ કદી હસી શક્યા નહોતા. હું નર્મદ જેવી ભૂલ ના કરું.
સમાજમાં એક બાજુ ભૌતિકવાદ વધી રહ્યો છે. લોકો સંપત્તિ પાછળ ગાંડાતુર થઈને પડ્યા છે. લોકો શરીરના ભોગે સતત કામ કરી રહ્યા છે. ઘણા લોકો ૭૫-૮૦ વર્ષે પણ પૈસા છોડવા માગતા નથી, ત્યારે જગદીશભાઈ ત્રિવેદીનો આ નિર્ણય નોખો અને અનોખો લાગે છે. માત્ર ૫૧ વર્ષની ઉંમરે આર્થિક ઉપાર્જનમાંથી મુક્તિ લઈ લેવી એ ઘટના સાહસિક છે.
-મહેશ ઠાકર