ગઝલ :ભૂલી ગયા.
શું અને કેવું બોલવું ભૂલી ગયા.
દર્દ ત્યાં ઓગાળવું ભૂલી ગયા.
ચાલતી સામે મળે મંઝિલ કદા,
આપણે તો ચાલવું ભૂલી ગયા.
મિશ્ર શબ્દો લાગણી કે તોછડા,
અર્થ ગાળણે ગાળવું ભૂલી ગયા.
કેમ રે વર્તાય છે ધોળાશ આ,
મેશ આંખે આંજવું ભૂલી ગયા.
શે કરો ચિંતા નકામી ખુશ રહો,
કેમ હસવું, માણવું ભૂલી ગયા.
છે ઘણા એવાય ફૂલો બાગમાં,
ફૂલવું ને ફાલવું ભૂલી ગયા.
હા સ્મરણ, સંવેદના ને દર્દને,
વ્હાલથી સંભાળવું ભૂલી ગયા.
મન ભરી 'ઊર્મિ' કરી લો મોજ હા,
ના કહેતા મ્હાલવું ભૂલી ગયા.
મંજુલા ગજકંધ 'ઊર્મિ'