માત્ર ખુદનું મકાન વેચ્યું છે.
એમ લાગે, સ્વમાન વેચ્યું છે.
થઈ ગયો છું દિશા વિનાનો હું;
મેં જ મારું સુકાન વેચ્યું છે!
સૂર્યને પણ બતાવતો આંખો;
ક્યાં દીવાએ ગુમાન વેચ્યું છે!
ક્યાં કર્યો કંઈ વિચાર પંખીનો!
આપણે આસમાન વેચ્યું છે!
કાયદાઓને થઈ ગયું છે શું!
કેમ ખુદનું બયાન વેચ્યું છે!
શું હવે તો થશે નવોદિતનું!
અહીં તજજ્ઞોએ જ્ઞાન વેચ્યું છે!
હું 'પથિક' છોને હોઉં રસ્તે પણ;
ક્યારે મેં મારું સ્થાન વેચ્યું છે!?
- જૈમિન ઠક્કર 'પથિક'