વિભાગ / પ્રકાર : પદ્ય / અછાંદસ રચના
શીર્ષક : નારીની વેદનાઓ...
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
આજે તો અહીં કેટલી એ દીકરીઓ ઘવાઈ છે,
છતાંય સહુને કેમ પગની મહેંદી જ દેખાઈ છે?
આ રીતિરિવાજો બન્યાં જાણે એનાં જ માટે,
કે સમાજની માયાજાળમાં તે એવી ફસાઈ છે.
સહુના મનમાં દીકરાને દીકરી માટે ભેદ જોઈ,
જન્મ પહેલાં જ તે'તો નજરોમાં વગોવાઈ છે.
કેટલાંય વ્હાલથી કરીને એના હાથ તો પીળા,
લગ્ન પછી પણ જો એની જિંદગી હોમાઈ છે.
પરણીને સાસરે આવી એમાં રોજ મળે ટોણાં,
એના રુદનમાં બાપની લાગણીઓ સમાઈ છે.
કેવી હસતી બાપના ઘરે ને સાસરે બની ચૂપ!
ઝાંઝરના અવાજમાં એ વેદનાઓ દબાઈ છે.
દહેજની માંગણીઓ અને મર્યાદાઓ અનેક,
સમાજની પ્રથાઓ જો'ને ગળે વીંટળાઈ છે.
રોજ બળાત્કાર અને આઝાદી તેને ક્યાં છે?
આજે તો સરેઆમ એની ઈજ્જત લૂંટાઈ છે.
પ્રેમ માટે તરસ્યું છે મન જે ક્યારેય ના મળ્યો,
ને થાકી હારી તેની જિંદગીની દોર ખેંચાઈ છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
©ધિરેનકુમાર કે. સુથાર "⛓️ધીર⛓️"
"D.K......" - વડોદરા