નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભભકેલી,
પર્વત પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી,
બની ચંપક વેલી માણ્ય ભરેલી સોળ સાહેલી શણગારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અશુર વિખંડી અવતારી.
★
નરરાત નિહાળી દિનદયાળી કામ પ્રજાળી કિરતાળી,
જમરાપર જ્વાળી દશાળી ભરિયેલ ભાએ ભલકારી,
દહરી ડાકાળી કર કાતાળી માયા વાળી મોરારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અશુર વિખંડી અવતારી.
★
કરુણામય કરની ભવ જગ ભરની સંકટ હરની તું સરની,
વર શંકર વરની દેતાં દરની ખપર ભરની દુઃખ હરની,
તારક જળ તરની આપ અમરની સદા સુમરની સુખકારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અશુર વિખંડી અવતારી.
★
શણગાર સજેલી આપ અકેલી સિંહ ચડેલી ચમકેલી,
શિખર પર સેલી વરે વહેલી તિહાં રહેલી લણઘેલી,
જ્યોતિ ઝળકેલી ધજા ફરકેલી આપ દિઠેલી અણધારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અશુર વિખંડી અવતારી.
★
નરરાત નિવાસં હરદ હુલ્લાસં રમતી રાસં હરખાશં,
ઉજ્વળ કર આશં મંગલ માશં નવે નિવાસં નવરાશં,
પુરણ કર પ્યાસં ભવજલ ભાસં નિસ્તરાશં નરનારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અશુર વિખંડી અવતારી.
★
કર રુપ કરાળં નહદ નતાળં ભગતાં ભાળં વિકરાળં,
મહિષાસુર મારં તેગતી તારં કર કરારં ખોખારં,
ધધકે લોહી ધારં આપ અહારં પાડા જાડા પડકારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અશુર વિખંડી અવતારી.
★
નીરખી સુખ ન્યારા દેવ દિદારા પામત પારા કો આરા,
કવિ પીંગલ ઉચારા શુભ ગુણ સારા માતું તારા મન ધારા,
માફી કર મારા અવગુણ સારા દોષ હજારા દિલદારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અશુર વિખંડી અવતારી.