મૌનની પરિભાષા તને સમજાય તો કેજે,
મારો પત્ર કોરો વંચાય તો કેજે.
નિવાસ કરુ છુ હુ હૃદયમાં જ તારા,
હયાતી મારી અનુભવાય તો કેજે.
કાંટાળા પથ પર હુ તો આવી તારા એક સાદે,
તારાથી એ જ રસ્તે પાછુ અવાય તો કેજે.
આમ તો મંદિર મંદિર પથ્થરની મુરત પૂજાય છે,
એ પથ્થરમાં મારો શ્યામ દેખાય તો કેજે.
બોલ્યા વિના, ભાળ્યા વિના પ્રીતડી બાંધી છે,
તારાથી એવી અનંત પ્રીત કરાય તો કેજે.
-Daxa Parmar