સવારે ઊઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેવરાવ્યું કે "મને તેડી જાશો તો મારું સારું નહિ થાય. મારે લાખ વાતે પણ આવવું નથી. તમે વેળાસર પાછા ચાલ્યા જાવ."
ભાઇને કારણ સમજાણું નહિ. પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કાંઇક ક્લેશ થવાનો હશે, એટલે એણે વેવાઈને કહ્યું: "વજસી પટેલ! મારથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે. પણ આ તો કમુરતા હાલે છે એ વાતનું મને ઓસાણ નહોતું. હવે ફરી વાર લેવા આવીશ." એટલું કહીને ભાઇએ ગાડું પાછું વાળ્યું.
વજસી ને રાજીબાઇ, ડોસા-ડોસી બેય હવે જગ જીત્યાં હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામી ઓસરીએ બેઠાં બેઠાં બેય ડોસલાં પોતાની ડાહીડમરી દીકરાવહુના ડિલનો વળાંક જોયા કરે છે. પરોઢિયે વહુ ઘંટી ફેરવે છે; સૂરજ ઊગ્યે વહુ વલોણું ઘુમાવે છે; ભેંસો દોવે છે. વાસીંદા વાળી ફળિયું ફૂલ જેવું-છીંક આવે તેવું-ચોખ્ખું બનાવે છે. મોતી ભરેલી ઇંઢોણીએ ત્રાંબાળુ હેલ્યનાં બેડાં લઈ આવે છે, ને પાછા દસ જણના રોટલા ટીપી નાખે છે. નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે. શું એનું ગરવું મોઢું! સાસુ-સસરાને હેતનાં ઝળઝળિયાં આવી જાય છે. વાતો કરે છે:
https://youtu.be/FfN4ITelReE